________________
૧૦
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ એક વાડાનું શાહમૃગ બીજા વાડામાં ચાલ્યું ન જાય. આવા પોતપોતાની માલિકીના હારબંધ વાડાઓ દૂર દૂર સુધી દેખાય છે.
પક્ષીઓમાં શાહમૃગની એક આગવી લાક્ષણિક મુદ્રા છે. તેની ટૂંકી પાંખો અને સવાસો-દોઢસો કિલોગ્રામ જેટલું ભારે ભરાવદાર શરીર તેને ઊડવા માટે અશક્ત બનાવે છે. ખાસ્સા લાંબા પગ અને અતિશય લાંબી, પાઇપ જેવી પાતળી ડોકની લાક્ષણિકતા ધરાવતા સાત-આઠ ફૂટ ઊંચા શાહમૃગની સામે આપણે ઊભા હોઈએ તો એની નજર સાથે નજર મેળવવા આપણે માથું ઊંચું કરવું પડે. શાહમૃગ આપણી સામે નીચી નજરે જોઈ શકે. એના શરીર પરના અને પૂંછડીનાં મોટાં લાંબાં કાળાં પીંછાં છેડે થોડાં શ્વેત હોવાને કારણે વધુ આકર્ષક લાગે છે. નર કરતાં માદા કદમાં થોડી નીચી અને ભૂખરા કાળા રંગની હોય છે. દોઢબે વર્ષની ઉંમરે માદા પુખ્ત થઈ ઈંડાં મૂકવા લાગે છે.
પ્રમાણનો અભાવ એ શાહમૃગનું એક આગવું લક્ષણ છે. એના શરીરના પ્રમાણમાં એની પાંખો નાની છે. એના બે આંગળીવાળા પગના પ્રમાણમાં એની ડોક અતિશય લાંબી છે. એના ડોકના પ્રમાણમાં એનું મોઢું બહુ નાનું છે. એના મોઢાના પ્રમાણમાં એની આંખો ઘણી મોટી છે. એની આકૃતિના પ્રમાણમાં એની ચાંચ સાવ ટૂંકી છે. એટલે જ પક્ષી તરીકે શાહમૃગ અલગ તરી આવે છે.
અમને શાહમૃગ માટેના એક કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ગોરા ગાઈડ યુવકે શાહમૃગ વિશે રસિક માહિતી આપી. તડકો અને સૂકી હવામાં, રેતાળ અથવા ઘાસિયા જમીનમાં રહેનાર, ઘાસ, પાંદડાં, બિયાં વગેરે ખાનાર, મુખ્યત્વે વનસ્પત્યાહારી, પણ જરૂર પડે તો જીવડાં પણ ખાનાર આવડું મોટું શાહમૃગ ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશનું પક્ષી છે. પ્રાચીન સમયમાં ઇજિપ્તમાં તે સત્ય અને ન્યાયની દેવીના પ્રતીક તરીકે સ્થાન પામ્યું હતું. ઇજિપ્ત અને અરેબિયાનું પક્ષી કાળક્રમે દક્ષિણ આફ્રિકા સુધી પહોંચી ગયું.
સત્તરમી-અઢારમી સદીમાં ગોરા લોકો આફ્રિકા, માડાગાસ્કર, મોરેશિયસ, સેશન્સ વગેરે પ્રદેશોમાં ફરી વળ્યા અને આહાર માટે તથા શોખને ખાતર પશુપક્ષીઓનો શિકાર કરતા રહ્યા. મોરેશિયસમાં ડોડો પક્ષીનો શિકાર કરી કરીને એની જાતિનું સદંતર નિકંદન કાઢી નાખ્યું; એનું અસ્તિત્વ જ નામશેષ કરી નાખ્યું. તેવી રીતે દક્ષિણ આફ્રિકામાં તેઓએ શાહમૃગને મારવાનું ચાલુ કર્યું હતું. ગણ્યાંગાઠ્યાં શાહમૃગ રહ્યાં હતાં. પણ ઈ. સ. ૧૮૩૮માં, આ સ્થિતિમાં પલટો આવ્યો. અહીં આવીને વસેલા, વેપારની સૂક્ષ્મ દૃષ્ટિવાળા અર્થનિપુણ યહૂદીઓને જણાયું કે સહેલાઈથી મારી નાખી શકાય એવા ભરચક માંસ અને આકર્ષક પીંછાંવાળા આ પક્ષીને તો ઉછેરવું જોઈએ. તેઓએ વાડા બાંધી શાહમૃગને ઉછેરવાનું ચાલુ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org