________________
શાહમૃગના વાડા
પ્રાણીબાગમાં એકલદોકલ શાહમૃગ જોવું એ એક અનુભવ છે અને ખુલ્લામાં એક જ વિસ્તારમાં એકસાથે સેંકડો-હજારો શાહમૃગ જોવાં એ બીજો અનુભવ છે. આવો અનુભવ આપણને મળે છે દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડાના હિંદી મહાસાગર પાસે આવેલા વિસ્તારોમાં. જેણે જિંદગીમાં શાહમૃગ જોયું ન હોય તે તો એકસાથે આટલાં બધાં શાહમૃગો જોઈને અચંબામાં જ પડી જાય.
વિશ્વનું મોટામાં મોટું પક્ષી હોવું અને છતાં આકાશમાં ઊંચે ઊડવાની સર્વથા અશક્તિ હોવી એ પ્રકૃતિનો કેવો ક્રૂર અભિશાપ કહેવાય ! એટલે જ શાહમૃગના ભાગ્યમાં તો માણસના હાથે મરવાનું જ લખાયું છે.
અમે દક્ષિણ આફ્રિકામાં પોર્ટ એલિઝાબેથથી વાસ્ના નગરમાં રાત રોકાઈને બીજે દિવસે સવારે જ્યૉર્જ નગર તરફ પ્રયાણ કર્યું. ઓટનિકવાનો ઘાટ પસાર કરી અમે આઉટલૂન (Oudtshoorn) પહોંચ્યા. ઊંચાનીચા ડુંગરાઓ અને મેદાની વિસ્તારો વટાવતી અમારી બસ પસાર થઈ રહી હતી. થોડી વારમાં શાહમૃગના વાડાઓ (Ostrich Farms) દેખાવા લાગ્યા. બસ ઊંચી જગ્યાએ હોય ત્યારે તો ચારેબાજુ અનેક વાડાઓમાં શાહમૃગનાં ટોળેટોળાં ફરતાં-ચરતાં (ચણતાં) જોવા મળે. ઘેરા પીળા કે બદામી રંગની ધરતીમાં કાળાં કાળાં શાહમૃગ તરત નજરે પડ્યા વગર રહે નહિ. દુનિયામાં બીજે ક્યાંય આટલાં બધાં શાહમૃગ નથી. એટલે જ આઉટશ્ર્નને The Ostrich Capital of the World કહેવામાં આવે છે. અહીં આટલાં બધાં શાહમૃગ છે, કારણ કે આ પ્રદેશનાં હવાપાણી અને ધરતી શાહમૃગના અસ્તિત્વ માટે અનુકૂળ છે એ તો ખરું જ, પરંતુ મહત્ત્વનું કારણ એ છે કે વ્યાવસાયિક ધોરણે શાહમૃગને અહીં ઉછેરવામાં આવે છે. આકાશમાં ઊડતા પંખી ઉપર કોઈનો માલિકીહક હોતો નથી, પણ જમીન પર ચાલનારાં ગાય, ભેંસ, બળદ, બકરીની જેમ શાહમૃગ પર માલિકીહક ધરાવી શકાય છે, કારણ કે તે પગે ચાલનાર પક્ષી છે.
શાહમૃગના આ વિસ્તારમાં મોટાં ઘટાદાર વૃક્ષો કે ગીચ ઝાડી ખાસ નથી. ઘણુંખરું ખુલ્લાં રેતાળ ખેતરો છે. એમાં ખેતી નથી કરાતી, પણ શાહમૃગોને પૂરવા માટેના વાડાઓ બનાવવામાં આવ્યા છે. વાંસડા અથવા લાકડાની પટ્ટી વડે કે તાર વડે બે વાડા વચ્ચે કરવામાં આવેલી પાંચ-છ ફૂટ ઊંચી વાડ અહીં જોવા મળે છે કે જેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org