________________
ખજુરાહો
૧૪૯
તટસ્થ કલાદૃષ્ટિથી, રહસ્યસભર યોગદૃષ્ટિથી એમ વિભિન્ન રીતે નિહાળાય છે. એમાં પ્રજાજીવનનું નૈતિક અધઃપતન પ્રતિબિંબિત થયું છે કે એ આધ્યાત્મિક ઉન્નતિની નિશાની છે એ વિશે મીમાંસકોમાં મતભેદ રહેવાના. વીજળી ન પડે, કોઈની નજર ન લાગે, અસુરોથી સુરક્ષિત રહે, વિધર્મીઓ ખંડિત ન કરે, પરંપરા તોડતાં શિલ્પીઓ ડરે ઇત્યાદિ કારણો ઉપરાંત તંત્રવિદ્યાની રેખાકૃતિઓને અને રહસ્યોને શૃંગારચેષ્ટાઓમાં ગુપ્ત રીતે ગૂંથી લેવામાં આવી છે કે જે ફક્ત એના અધિકારી જ સમજી શકે, એવાં કારણ પણ અપાય છે. ખજુરાહો તંત્રવિદ્યાનું અને સાધનાનું મોટું કેન્દ્ર હશે એમ અહીં આવેલા ચોસઠ યોગિનીના મંદિર ઉપરથી મનાય છે.
પશ્ચિમ બાજુનાં મંદિરો જોઈ અમે પૂર્વ બાજુનાં કેટલાંક મંદિરો જોયાં. એમાં આદિનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથ એ ત્રણ જૈન મંદિરો મુખ્ય છે. જૈન મંદિરોમાં નગ્ન શિલ્પાકૃતિઓ એકંદરે નથી. પાર્શ્વનાથ મંદિરમાં તરત નજરે ન પડે એવી એક અપવાદરૂપ નાની કૃતિ છે. શાંતિનાથ ભગવાનના મંદિરમાં પૂજાપાઠની પરંપરા ચાલુ છે એટલે અમે ત્યાં દર્શન-ચૈત્યવંદનાદિ કર્યાં. મંદિરો જોવાનો અમારો કાર્યક્રમ પૂરો થયો. એક દિવસ ઓછો પડે તો પણ મુખ્ય મંદિરોનો સામાન્ય પરિચય મળી ગયો. હવે પગ થાક્યા હતા અને ભૂખ પણ લાગી હતી. નિયત કરેલા રેસ્ટોરાંમાં અમે પહોંચ્યાં. સાથે લીધેલા અલ્પાહારનો પણ ઉપયોગ કર્યો. બીજી જીપ ક૨વાની શક્યતા જણાઈ નહિ. અમારાં ગપાટાં ચાલતાં હતાં ત્યાં રામશરણ આવ્યો. એણે ભોજનઆરામ કરી લીધાં હતાં. એણે કહ્યું, ‘સાહેબ, જરા ઉતાવળ રાખજો, કારણ કે હવે રસ્તામાં જ રાત પડી જશે. ચાંદની રાત છે એટલે વાંધો નથી પણ જંગલ અને પહાડીઓના આદિવાસી પ્રદેશમાંથી આપણે પસાર થવાનું છે. રાત્રે કોઈ વાર લૂંટના બનાવ પણ બને છે.'
રામશરણ ગયો. અમારી વિનોદભરી વાતો ચાલતી હતી ત્યાં લૂંટાવાની વાત આવતાં અમે સાવધ થઈ ગયાં. થેલા, પાકીટ ખભે ભરાવવા લાગ્યાં. મોટા ભાઈએ કહ્યું, ‘કોઈ લૂંટવા આવે તો સૌથી પહેલી નજ૨ મારા આ મોંઘામૂલા ઘડિયાળ ઉપર જ પડે. વળી, એનો પટ્ટો સાવ સોનાનો છે. હું તો અત્યારથી જ કાઢીને ખિસ્સામાં મૂકી દઉં છું.’
એકની આવી વાતનો ચેપ બીજાને લાગે જ. એટલે બધાંએ પોતાનાં ઘરેણાં સલામત સ્થાને સંતાડી દીધાં, એ જોઈને માસીબા બોલ્યાં, ‘તમે તમારાં ઘરેણાં સંતાડી દીધાં એટલે લૂંટનારની નજર તો મારા પર જ પડે ને ? મારી એક એક કેરેટના સિંગલ હીરાની કાનની બુટ્ટી તરત નજરે પડે એવી નથી, પણ લૂંટનારનો ભરોંસો શો ?'
‘હા, હવે તો મુઆ કાનની બૂટ જ કાપી લે છે.’ બીજી બહેને કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org