________________
૧૪૮
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ જોવાલાયક મુખ્ય મુખ્ય મંદિરો છે. જમણી બાજુ પૂર્વ દિશામાં જરાક આઘે થોડાંક મંદિરો છે, જેમાં જૈન મંદિરો મુખ્ય છે.
અમારો ભોમિયો હોશિયાર અને જાણકાર હતો. અમારી સમયમર્યાદા એણે સમજી લીધી હતી. એણે કહ્યું કે, ‘ઈ. સ. ૯૦૦થી ઈ. સ. ૧૧૫૦ સુધીના, આશરે અઢીસો વર્ષના ગાળામાં ખજુરાહો ચંદેલા વંશના ચંદ્રવર્મન, હર્ષવર્તન, યશોવર્મન, ધન્યદેવવર્તન, વિદ્યાધ૨વર્મન, કીર્તિવર્મન વગેરે રાજાઓનું પાટનગર હતું. સમૃદ્ધિનો એ કાળ હતો. ત્યારે અહીં ૮૫ જેટલાં મંદિરો બંધાયાં હતાં. તેમાંથી હાલ બાવીસ જેટલાં મંદિરો રહ્યાં છે. ધાર્મિક સહિષ્ણુતાનો એ યુગ હશે કારણ કે અહીં વિષ્ણુમંદિરો, શિવમંદિરો, સૂર્યમંદિર, ચોસઠ યોગિનીઓનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે. અહીં જૈન મંદિરો છે અને એક ખખરા મઠમાં ભગવાન બુદ્ધની પ્રતિમા પણ હતી, જે હવે પુરાતત્ત્વ સંગ્રહાલયમાં છે.’
ખજુરાહો શબ્દ ‘ખજુરવાહક' પરથી આવ્યો છે. આ મંદિરોના શિલાલેખોમાં ‘ખજુરાવાહક' શબ્દનો નિર્દેશ છે. કવિ ચંદ બરદાઈકૃત ‘પૃથ્વીરાજ રાસો'માં ‘ખજુરપુરા’ અથવા ‘ખજનિપુર’ નામનો ઉલ્લેખ છે. એ જમાનામાં અહીં ખજૂરીનાં વૃક્ષ બહુ થતાં હતાં. ત્યારે સમૃદ્ધિ એટલી બધી હતી કે પાટનગરના મુખ્ય પ્રવેશદ્વારના બંને સ્તંભોની આકૃતિ સોને મઢેલાં ખજૂરીનાં વૃક્ષોની હતી.
પહેલાં અમે પશ્ચિમ બાજુમાં, મતંગેશ્વર, લક્ષ્મણ, પાર્વતી, વિશ્વનાથ, કંદારિયા મહાદેવ વગેરે મંદિરો જોયાં. કેટલાંક ઝડપથી જોયાં તો કેટલાંક વીગતે. આ મંદિરોની સ્થાપત્યકલા, કલાવિદોના મતાનુસાર ઉત્તર ભારતની નાગરશૈલીના ઉત્કૃષ્ટ નમૂનારૂપ ગણાય છે. કેટલાંકમાં અંદર અર્ધમંડપ, મહામંડપ, અંતરાલ, ગર્ભગૃહ અને પ્રદક્ષિણાપથ એવા પાંચ વિભાગ છે. કેટલાંક મંદિરોનાં શિખરો ખાસ્સાં ઊંચાં છે. આ મંદિરોમાં ‘લક્ષ્મણ મંદિર’ વસ્તુત: ભગવાન વિષ્ણુનું મંદિર છે. રાજા યશોવર્મને એ બંધાવેલું છે. રાજાનું બીજું નામ લક્ષ્મણવર્મન હતું એટલે ‘લક્ષ્મણ મંદિર' નામ પડી ગયું. ખજુરાહોનાં મંદિરોમાં આ મંદિર ઉત્તુંગ, વિશાળ, સુવ્યવસ્થિત અને પૌરાણિક પ્રસંગોની શિલ્પાકૃતિઓથી સભર છે. ખજુરાહો જનારે આ મંદિર અવશ્ય જોવા જેવું છે. એમ મનાય છે કે આ મંદિર બંધાવવા માટે રાજાએ મથુરાથી સોળ હજાર શિલ્પીઓને બોલાવ્યા હતા અને મંદિર બાંધતાં સાત વર્ષ લાગ્યાં હતાં.
લક્ષ્મણ મંદિર, વિશ્વનાથ મંદિર વગેરેના બહારના ભાગમાં જોવા મળતી મિથુન-શિલ્પાકૃતિઓ પર્યટકોનું ધ્યાન ખેંચી એવી છે. મધ્યયુગમાં સમગ્ર ભારતમાં મંદિરોમાં કામશિલ્પની જાણે કે એક પ્રણાલિકા થઈ ગઈ હતી. ગુજરાત-રાજસ્થાનથી ઓરિસ્સામાં કોણાર્ક સુધી અને નેપાલથી દક્ષિણમાં મદુરા સુધી આવી કામભોગની શિલ્પાકૃતિઓ જોવા મળે છે. ધર્મસ્થાનકોમાં આવી શૃંગારચેષ્ટાઓ લૌકિક દૃષ્ટિથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org