________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
૧૩૯ પાસે ગયા તો દુકાનદારે તરત મૂઠો ભરીને પિસ્તાં અમને ચાખવા આપ્યાં. આવા બજારમાં આવીએ ત્યારે જ ખબર પડે કે અહો, પિસ્તામાં પણ કેટલી બધી જાતો છે ! દુકાનદાર ઉદારતાથી ચખાડે, અને બે જાત વચ્ચેનો ફરક સમજાવે. અમે અમુક જાતનાં પિસ્તાં જોખાવ્યાં. દરમિયાન અમારામાંના એક પ્રવાસીભાઈ દુકાનમાં અન્યત્ર રાખેલી પિસ્તાંની મીઠાઈઓ જોતા હતા. દુકાનદારની ઉદારતાથી પ્રભાવિત થયેલા તેમણે ચાખવા માટે મીઠાઈનો એક ટુકડો હાથમાં લીધો ત્યાં તો ચકોર દુકાનદારે તરત જોરથી ઘાંટો પાડ્યો, “મૂકી દો એ પાછી, ચાખવા માટે નથી. એ બહુ મોંઘી છે,” મીઠાઈ તરત પાછી મુકાઈ ગઈ. દુકાનદારે સમજાવ્યું કે અમુક પ્રકારની “ટર્કિશ ડિલાઇટ' બહુ મોંઘી આવે છે. એ ચાખવા ન લેવાય.
ટર્કિશ ડિલાઇટની જેમ ટર્કિશ કૉફી પણ સુવિખ્યાત છે. માટી જેવી એ કૉફી બનાવવાની રીત જુદી અને એ માટેનાં વાસણો પણ જુદાં હોય છે. એનો સ્વાદ બરાબર માણવો હોય તો એ રીતે જ કૉફી ઉકાળીને બનાવવી જોઈએ. અમે થોડી કૉફી પણ ખરીદી.
અહીં ખાડીના કિનારે ચોગાનમાં ફેરિયાઓ જાતજાતની ચીજવસ્તુઓ વિદેશી પ્રવાસીઓને વેચવા માટે આંટા મારતા હતા. જરાક રસ બતાવીએ તો કેડો ન મૂકે. આસપાસ બધા વીંટળાઈ વળે. ભાવતાલ ઘણો કરવો પડે. અમારે તો કશું ખરીદવું નહોતું, પરંતુ અમારામાંના કેટલાકને ફેરિયા સાથે રકઝક કરવામાં આનંદ આવતો હતો. ફેરિયાઓમાં પણ માંહોમાંહે સ્પર્ધા ચાલતી હતી. અર્ધવિકસિત દેશોની આ લાક્ષણિકતા છે. અમારામાંના એક પ્રવાસીએ ટર્કિશ ભરતકામવાળી ચાદર માટે ભાવતાલ કર્યા પણ પત્યું નહિ. એવામાં અમારી બસ આવી એટલે અમે બધા પ્રવાસીઓ ટપોટપ બસમાં બેસવા લાગ્યા, કારણ કે આ બસ વધુ વખત ઊભી રાખી શકાય એમ નહોતું. કિંમત કસવામાં કુશળ એવા પેલા સજ્જન બારી પાસે બેસી હજુ ફેરિયા સાથે વાટાઘાટ કરતા રહ્યા. છેવટે સોદો પત્યો. ચાદર લીધી પણ ડૉલર કાઢવામાં વાર લાગી. એવામાં બસ ઊપડી. ફેરિયો બસની સાથે દોડ્યો, પરંતુ પૈસા ઝટ ચૂકવાયા નહિ. ફેરિયાએ બૂમાબૂમ કરી, પણ બસ સિગ્નલ ઓળંગીને આગળ પૂરપાટ ચાલી. સાથે દોડતો ફેરિયો અંતે નિરાશ થઈને બૂમો પાડતો ઊભો રહી ગયો. કદાચ પોતાની ભાષામાં ગાળો પણ ભાંડતો હશે !
આ વાતની પ્રવાસીઓમાં માંહોમાંહે ખબર પડતાં બધાંએ ફેરિયા માટે સહાનુભૂતિ દર્શાવી. પોતાની પાસે છૂટા ડૉલર નથી, મોટી નોટ છે એમ કહી ખરીદનાર પ્રવાસીએ સ્વબચાવ કર્યો, પરંતુ એમના ચહેરા પર વસ્તુ મફત મેળવવા માટેની લુચ્ચાઈનો આનંદ છૂપો રહી શકતો નહોતો. ફેરિયો અને ઘરાક એમ ઉભયપક્ષે આવી ઘટનાઓ કેટલીક વાર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org