________________
પાસપૉર્ટની પાંખે – ભાગ ૩
અમારી બસ હવે ‘સંકન સિસ્ટર્ન' (Sunken Cistern – ભૂગર્ભનું ટાંકું) પાસે પહોંચી. ઇસ્તંબુલની આ એક અનોખી રચના છે. જે કાળે હેગિયા સોફિયાનું બાંધકામ થયું તે કાળે, છઠ્ઠા સૈકામાં રોમન સામ્રાજ્યના વખતમાં આ ભૂગર્ભ ટાંકાનું બાંધકામ થયેલું. વરસાદનું પાણી ભરી લેવા માટે ઘરમાં નીચે ટાંકું કરાવવાની પ્રથા જૂના વખતમાં આપણે ત્યાં પણ હતી. (અમદાવાદ, ખંભાત, વડોદરા વગેરે શહેરોનાં જૂના વખતનાં ઘરોમાં હજુ પણ ટાંકાં છે.) ઉનાળામાં ટાંકાંનું પાણી વપરાતું. આખા શહેર માટે ટાંકું કરાવવાનો વિચાર રોમન સમ્રાટ જસ્ટિનિયનને આવેલો. ઇસ્તંબુલનું આ ભૂગર્ભ ટાંકું આખી દુનિયાનું મોટામાં મોટું ટાંકું છે. તે અઢીસો ફૂટ પહોળું અને સાડાચારસો ફૂટ લાંબું છે. એમાં ૩૩૬ જેટલા સ્તંભ છે. વરસાદનું બહાર પડેલું પાણી જમીનમાં ઊતરી નીચે ટાંકામાં આખું વરસ દિવસરાત ટપકતું રહે છે. ટાંકાના પાણીમાં એક છેડેથી બીજે છેડે જવા માટે વચ્ચે ઊંચી પાળીઓ બનાવેલી છે. અમે પગથિયાં ઊતરી ટાંકામાં ફરી આવ્યા અને થોડા ભીંજાયા પણ ખરા. પોતાની પ્રજાની સુખાકારી માટે સમ્રાટોને કેવી રાક્ષસી યોજનાઓ સૂઝતી અને સ્થાપત્યવિદો કેવું નક્કર કામ કરી આપતા ! ટાંકાનું પાણી આજે વપરાતું નથી, પણ પ્રવાસીઓ માટે અંદર પ્રકાશ અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે.
આખા દિવસનો કાર્યક્રમ પૂરો થયો એટલે સાંજે બસ અમારી હોટેલ પર પાછી ફરી. અમે બધાં ઊતરતાં હતાં ત્યાં પેલો ફેરિયો પોતાના ત્રણ દોસ્તારો સાથે બસના દરવાજા પાસે જ ઊભો હતો. પેલા પ્રવાસીભાઈ ઊતર્યા કે તરત એણે અપમાનજનક રાડારાડ ચાલુ કરી. પ્રવાસીએ ખરીદેલી ચાદર પાછી આપવા માંડી તે ફેરિયાએ લીધી નહિ. અંતે ડૉલર તો આપવા પડ્યા, પણ તે ઉપરાંત ફેરિયાઓએ પ્રવાસીને આંતરી રાખીને ટૅક્ષીના પૈસા પણ પરાણે પડાવ્યા. માણસને પોતાની દુવૃત્તિનું પરિણામ ક્યારેક તરત જ ભોગવવાનું આવે છે.
આસપાસનાં બીજાં કેટલાંક સ્થળોએ ફરીને અમે ઇસ્તંબુલની વિદાય લીધી.
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org