________________
મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક
૧૨૫
ઊંચો હિમાચ્છાદિત પર્વત છે. એની ઊંચાઈ ૧૨,૩૪૯ ફૂટ છે. ન્યૂઝીલૅન્ડની હિમાચ્છાદિત પર્વતમાળાને જૂના વખતમાં અંગ્રેજોએ ‘દક્ષિણ આલ્પ્સ' એવું નામ આપ્યું હતું. માઉન્ટ કૂકનું નામ ન્યૂઝીલૅન્ડની શોધસફર કરનાર જેમ્સ ફૂંકના નામ પરથી અપાયું છે.
અમે માઉન્ટ કૂક પાસે પહોંચ્યા. અહીં કેટલાક આરોહકો સરંજામ સાથે આવી, તંબૂમાં મુકામ કરી ઠેઠ શિખર સુધી બરફમાં પહોંચે છે. કેટલાક અમુક ઊંચાઈ સુધી પગે ચઢીને પાછા ફરે છે. કેટલાક પ્રવાસીઓ મોટરબસમાં આસપાસ ચક્કર લગાવે છે. હેલિકૉપ્ટ૨માં કે નાના વિમાનમાં જેઓને ઉપર જવું હોય તો તે માટે પણ વ્યવસ્થા છે. અમે કેટલાકે હેલિકૉપ્ટરમાં જવાનું પસંદ કર્યું. પ્રવાસન-કેન્દ્ર પાસેથી ઊપડતાં લાલ-ભૂરા રંગનાં, મહાકાય પક્ષી જેવાં હેલિકૉપ્ટરમાં અમે ઊડ્યા. હેલિકૉપ્ટરે ધીરે ધીરે પર્વતની આસપાસ પ્રદક્ષિણા કરી કે જેથી એનું બધી બાજુથી બરાબર દર્શન થાય. ત્યાર પછી લગભગ દસ હજાર ફૂટની ઊંચાઈએ બરફના એક વિશાળ સપાટ વિસ્તારમાં એણે ઉતરાણ કર્યું. હેલિકૉપ્ટરમાં માઉન્ટ કૂકના શિખર પરના બરફમાં પહોંચવું એ પણ એક રોમાંચક ક્વચિત્ પરમતત્ત્વની ઝાંખી કરાવનાર અનુભવ છે. અહીં બરફમાં ચાલવા અને ફોટા પાડવા દસેક મિનિટ અમને આપી હતી. હેલિકૉપ્ટરમાંથી હું ઊતર્યો. મારાં પત્ની ન ઊતર્યાં, કારણ કે બરફમાં ચાલવાનું એમને ફાવે એમ ન હતું. પોચા પોચા બરફમાં મારા પગ ખૂંચી જતા હતા. એટલે સમતોલપણું સાચવીને ફરવાનુંહતું. વળી બરફમાં લપસી પડવાનો ભય પણ રહે. ઠંડા પ્રદેશોમાં કેટલાય લોકોને બરફમાં ચાલવાનો નિયમિત અનુભવ હોય છે. અમારામાંના કેટલાયને જિંદગીમાં પહેલી વાર આવો બરફ જોવાનો અને એમાં ચાલવાનો પ્રસંગ હતો. પર્વતની ઊંચાઈ, ઊંચાઈની પાતળી હવા, બરફમાં ચાલવાનું, સખત ઠંડી – આ બધાંને કા૨ણે કેટલાકને થતું કે ઝટ નીચે સલામત સ્થળે પહોંચી જઈએ તો સારું.
માઉન્ટ કૂકનાં દર્શન-આરોહણ પછી અમે સૌ પાછા ફર્યા. હિમાચ્છાદિત શિખરોની હારમાળાનું ભવ્ય દૃશ્ય બસમાંથી સતત નિહાળવા મળતું હતું. રસ્તામાં ટેકાપો (Tekapo)નામનું સરોવર જોવા મળ્યું. આછા મોરપિચ્છ જેવો એના પાણીનો અનોખો રંગ જિંદગીમાં અન્યત્ર ક્યાંય જોવા મળ્યો નથી. સૂકાં મેદાનો વચ્ચે આ લંબવર્તુળ સરોવર જાણે ધરતીમાતાએ ઓપલ મઢેલું ઘરેણું પહેર્યું હોય એવું લાગતું હતું. આ સરોવરના કિનારે એક ઉદ્યાનમાં ભોજન માટે મુકામ કર્યા પછી, બસમાં કેન્ટરબરીનાં મેદાનો પસા૨ કરીને રાત્રે અમે ક્રાઇસ્ટચર્ચની હોટેલમાં આવી પહોંચ્યા.
આખા દિવસના પ્રવાસના થાકે અમને ત્વરિત નિદ્રાધીન કરી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org