________________
૧૨૪
પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે બહાર આવી આવા ખડક પર આરામ કરે છે. સ્ટીમર ઊભી રહી ત્યાં સુધી એક પણ સીલ અમને જોવા ન મળ્યું. અમે નિરાશ થયા. કોઈકે મજાક કરી કે ‘હવે બીજી વાર મિલ્ફર્ડ સાઉન્ડ જોવા આવીશું ત્યારે સીલ અને ડોલ્ફિન બેય જોવા મળશે.’ બીજાએ ગંભીરતાથી કહ્યું, ‘જિંદગીમાં આટલે દૂર આવવાનું તો થાય ત્યારે થાય. સીલ અને ડોલ્ફિન માટે પૈસા ખરચવા એના કરતાં બીજા કોઈ સ્થળનો પ્રવાસ ન કરીએ ?’
પાછા ફરતાં ગાઇડે અમને બીજાં કેટલાંક સ્થળ બતાવ્યાં. એક જગ્યાએ પાણીથી બે હજાર ફૂટ ઉપર એક ખડક લટકી રહેલો છે. સ્ટોપ વૉચ રાખીને એના ઉપરથી જો એક પથ્થર છોડવામાં આવે તો નીચે પાણીમાં પડતાં એને સોળ સેકન્ડ લાગે છે. એક સ્થળે સાઉન્ડનો ‘પેમ્બ્રોક' નામનો ઊંચામાં ઊંચો પર્વત છે. સાડાછ હજાર ફૂટ ઊંચો આ પર્વત કાયમ હિમાચ્છાદિત રહે છે. પર્વત પરનો બરફનો થર સવાસો ફૂટ જેટલો જાડો છે. આ થરની નીચેના બરફને ક્યારેય ઓગળવાનો અવસર સાંપડ્યો નથી.
સાંજ પડતાં અમારી સ્ટીમર બંદરે પાછી ફરી. શાન્ત, રમ્ય સાઉન્ડમાં જલવિહારનો અમારો અનુભવ સ્મરણીય બની રહ્યો. બસમાં બેસી, હોમર ટનલ પસાર કરી અમે અમારી હોટેલ પર આવી ગયા. દરમિયાન અમારા બીજા ગ્રૂપના સભ્યો પણ ક્વીન્સ ટાઉનમાં ‘બન્જી જંપિંગ' કરીને આવી ગયા.
ભોજનવેળાએ સૌએ પોતપોતાના અનુભવોની વાતો કરી. મિલ્ફર્ડ સાઉન્ડનાં એટલાં બધાં વખાણ થયાં કે તેઓમાંના કેટલાકને થયું કે બન્જી જંપિંગ ન કર્યું હોત તો સારું. બન્જી જંપિંગના બદલામાં તેમણે મિલ્ફર્ડ સાઉન્ડ ગુમાવ્યું. તેમણે પોતાનો નિરાશાજનક કચવાટ આયોજકો આગળ વ્યક્ત કર્યો.
બીજે દિવસે સવારે આયોજકોએ પોતાનો નિર્ણય જાહેર કર્યો, ‘આજે આપણે મિલ્ફર્ડ સાઉન્ડ ફરીથી જઈએ છીએ. આપણી પાસે સમય છે. અલબત્ત, હવે માઉન્ટ કૂક માટે આવતી કાલે વહેલી સવારે પ્રયાણ કરવું પડશે.’
મિલ્ફર્ડ સાઉન્ડનો નિર્ણય જાહેર થતાં બધામાં આનંદ પ્રસરી ગયો. હોટેલથી નીકળી હોમ૨ ટનલ પસાર કરી, બંદરે પહોંચી, સ્ટીમરમાં બેસી ગયા. જેઓ જઈ આવ્યા હતા તેઓ બાકીનાને માટે અડધા ગાઇડ બની જવાના ઉત્સાહમાં હતા. બીજી વા૨નો અમારો પ્રવાસ એવો જ હર્ષોલ્લાસયુક્ત રહ્યો. વિશેષમાં અમને પાણીમાં છલાંગો મારતી બે ડોલ્ફિનનો મહાસાગર સુધી સાથ મળ્યો. વળતાં ‘સીલ ખડક’ પર એકબીજા ૫૨ માથું રાખીને ઘસઘસાટ ઊંઘતાં આઠનવ સીલ જોવા મળ્યાં. કોઈકે મજાકમાં ઉચ્ચારેલી ભવિષ્યવાણી આટલી બધી વહેલી સાચી પડશે એવું ધાર્યું નહોતું. બીજે દિવસે સવારે અમે માઉન્ટ કૂક જોવા ઊપડ્યા. ન્યૂઝીલૅન્ડનો આ ઊંચામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org