________________
હામરફેસ્ટ
૧૧૧
ચા-નાસ્તો કરી અમે પાસે આવેલી ‘સાલેન’ નામની ટેકરી પર જઈ આવ્યા. ત્યાંથી નીચે નિહાળતાં હામ૨ફેસ્ટ નગર અને દૂર સુધીના સમુદ્રનું વધુ વ્યાપક દર્શન થાય છે. થોડું ફ૨ી, બપોરે ભોજન લઈ અમે રૂમમાં આરામ કર્યો. એની જરૂર હતી, કારણ કે આગલી રાતનો ઉજાગરો હતો અને હવે નૉર્થ કેપ જવા-આવવામાં આખી રાતનું જાગરણ થવાનું હતું.
સાંજે સમય થવા આવ્યો એટલે અમે તૈયાર થયા. હોટેલની રિસેપ્શનિસ્ટ યુવતીએ કહ્યું હતું કે બહાર રસ્તાનો ઢાળ પૂરો થાય છે ત્યાં જ ડાબી બાજુ સમુદ્રકિનારે પૅસેન્જ૨ ટર્મિનલ છે. ત્યાંથી સ્ટીમર ઊપડે છે. હોટેલથી પાંચ મિનિટમાં ચાલતા ત્યાં પહોંચી જવાય છે. આમ છતાં અમારી ટેવ મુજબ અડધા કલાક પહેલાં અમે ત્યાં પહોંચી ગયા. ત્યાં મુસાફરો માટે એક નાનો વેઇટિંગ રૂમ હતો એમાં અમે બેઠા. વીસેક મિનિટ અમે રાહ જોઈ. પણ તે દરમિયાન ન કોઈ બીજા મુસાફરો આવ્યા હતા કે ન સ્ટીમર આવવાની દરિયામાં કોઈ એંધાણી નજરે પડી. અમને થયું કે જરૂર કંઈક ગેરસમજ થઈ હોવી જોઈએ. બહાર જઈને તપાસ કરીએ, પણ દરિયાકિનારે રસ્તા પર કોઈ હોય તો ને ? ઘણે દૂર એક સ્ટીમર ઊભી હતી. ત્યાં જઈને તપાસ ક૨વાનું વિચાર્યું. એવામાં ધોધમાર વરસાદ પડ્યો. તરત વરસાદી ઓવરકોટ અને ટોપી ચડાવી દીધાં. થોડેક ચાલ્યા ત્યાં રસ્તાની જમણી બાજુ એક સજ્જન એમના મકાનમાં ઊભા હતા. એમને પૂછવા એમના કંપાઉન્ડના દરવાજા પાસે પહોંચીએ ત્યાં તો એક મોટો અલ્પેશિયન કૂતરો ભસતો ધસતો અમારા ઉપર આવી પહોંચ્યો. સદ્ભાગ્યે એ સાંકળે બાંધેલો હતો અને માલિકના ઇશારે તરત શાન્ત થઈ બેસી ગયો. પૂછતાં એ સજ્જને કહ્યું કે, ‘આ ટર્મિનલ પરથી બીજી સ્ટીમરો ઊપડે છે. દૂર ઊભી છે એ સ્ટીમર નૉર્થ કેપની છે.' લગભગ અડધા કિલોમીટરના અંતરે તે ઊભી હતી. વરસતા વરસાદમાં અમે ઝડપથી પગ ઉપાડ્યા. પહોંચીને ટિકિટ બતાવી સ્ટીમરમાં દાખલ થયા કે તરત ભૂંગળું વગાડી, લંગર ઉપાડી એ ચાલવા લાગી. અમને હાશ થઈ. બેઠક પર બેઠા પછી અમારા શ્વાસ હેઠા બેઠા. નસીબદાર કે સ્ટીમર પકડી શકાઈ. એક મિનિટનો ફરક પડ્યો હોત તો નૉર્થ કેપ જોવાનું ગુમાવત.
હામરફેસ્ટમાં શીખવા મળ્યું કે અજાણ્યા પ્રદેશના પ્રવાસમાં કોઈ એક માણસે આપેલી માહિતી પર સંપૂર્ણ આધાર રાખવો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org