________________
હામરફેસ્ટ
૧૦૭ કાયમી વસવાટવાળું આ છેલ્લું નગર છે. અહીંથી આગળ “ઉત્તર ધ્રુવ' સમુદ્રમાં હિમાચ્છાદિત ટાપુઓ છે, પણ ત્યાં કાયમી વસવાટ નથી. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય તે માછલી મારવાનો અને વહેલના શિકારનો છે. શિયાળામાં તો એ વ્યવસાય પણ બંધ પડે. પરંતુ ઉનાળામાં હજારો પ્રવાસીઓની અવરજવરને કારણે કમાણીનાં સાધનો પણ વધે છે. એટલે જ હામરફેસ્ટ જેવા નાના ગામમાં દસેક જેટલી મોટી હોટેલો છે.
શિયાળાની ભયંકર અંધારી દીર્ઘ રાત્રિમાં અહીં જીવન ગુજારવું સરળ નથી. શિયાળો આવતાં કેટલાય લોકો સ્થળાન્તર કરી જાય છે. ત્રણેક સૈકા પહેલાં તો અહીં કોઈ જ રહેતું નહોતું. ધીમે ધીમે થોડો વસવાટ ચાલુ થયો ત્યારે નૉર્વેના રાજાએ ઈ. સ. ૧૭૮૯માં ૭મી જુલાઈએ હામરફેસ્ટને એક નગર તરીકે માન્યતા આપી હતી. રાજ્ય તરફથી નગર-દરજ્જો મળતાં અહીં રાજ્યના કર્મચારીઓ આવીને વસ્યા હતા.
હામરફેસ્ટમાં લોકો આવીને વસવા લાગ્યા, કારણ કે આ એક કુદરતી સરસ બંદર છે. કિનારે જ ઊંડો દરિયો એટલે મોટાં જહાજો ઠેઠ કિનારા સુધી આવી શકે. દરિયો પણ વળાંકવાળો અને પાસે ઊંચી ટેકરીવાળો છે, એટલે કુદરતી રક્ષણ મળી શકે અને ટેકરી પરથી દૂર સુધીનું અવલોકન થઈ શકે. ઉત્તર ધ્રુવની સફરે જતાં વહાણો અહીં રોકાતાં. ખલાસીઓ રાતવાસો કરતા અને પીવાનું તાજું પાણી ભરી લેતા. નૉર્વે ઉપરાંત બીજા દેશોનાં જહાજો અહીં આવવા લાગ્યાં એટલે નૉર્વેએ પોતાના આ બંદરને આંતરરાષ્ટ્રીય બંદરનો દરજ્જો આપ્યો. વિદેશી પ્રવાસીઓ, વહાણવટીઓ વગેરેના પ્રવેશની ચકાસણી માટે સરકારી તંત્ર અહીં સ્થાપવામાં આવ્યું. આ બધાએ હામરફેસ્ટના વિકાસમાં ફાળો આપ્યો છે.
આંતરરાષ્ટ્રીય બંદર થવાને કારણે તથા શિયાળાની લાંબી અંધારી રાતને કારણે, ઉત્તર યુરોપમાં જ્યારે વિજળી આવી ત્યારે રસ્તા પર વીજળીના થાંભલા પહેલવહેલાં હામરફેસ્ટમાં ૧૮૯૦-૯૧માં નખાયા. નગરજનો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. મહોત્સવ જેવું વાતાવરણ નિર્માયું. હામરફેસ્ટ બહુ નસીબવંતું ગણાયું.
હામરફેસ્ટનું ઐતિહાસિક મહત્ત્વ બીજી રીતે પણ દર્શાવાય છે. વિજળી આવી તે પૂર્વેની એ ઘટના છે. યુરોપમાં, વિશેષત: ઇંગ્લેન્ડમાં વૈજ્ઞાનિકોએ ઈ. સ. ૧૮૧૬માં આખી પૃથ્વીના પરિઘ (Circumference)નું માપ કાઢવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. આખી દુનિયાના રેખાંશ અને અક્ષાંશ નક્કી કરાતા ગયા અને એ રીતે નકશા તૈયાર થતા ગયા. અનુક્રમે પૃથ્વીનું માપ કાઢતાં કાઢતાં તેઓ છેલ્લે હામરફેસ્ટમાં આવ્યા. અહીનાં પરિઘના માપ સાથે માપનું કાર્ય પૂરું થયું અને ઈ. સ. ૧૮૫૨માં અહીંથી પૃથ્વીના પરિઘની જાહેરાત થઈ. અહીં એનું સ્મારક (Meridian Monument) કરવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org