________________
ટ્રસ્સોથી આલ્ટા
૧૦૫ ડુંગરની એક ધારે રસ્તો પૂરો થતો હતો એટલે અમારી બસે કિનારો બદલવાનો હતો. એ માટે અમારે બસમાંથી ઊતરવાની જરૂર નહોતી. બસ પોતે જ, પચીસેક બસ સમાય એવી વિશાળ સ્ટીમરમાં બેસી ગઈ. ડ્રાઇવરે કે મુસાફરોએ વાહનમાંથી ઊતરવાની અનિવાર્યતા નહિ, પણ જેઓને પગ છૂટા કરવા હોય, કોફી પીવી હોય, શૌચાદિની આવશ્યકતા હોય, સ્ટીમરની સફરની મોજ માણવી હોય તેઓ બસમાંથી ઊતર્યા. અહીં કૉફી વધુ મોંઘી હતી, એક કપના દોઢસો રૂપિયા જેટલા ક્રોનર અમારે આપવા પડ્યા.
અડધા કલાકની સફર પછી સ્ટીમર સામા કિનારાના બંદરે ઊભી રહી અને બસ બહાર નીકળી આગળ ચાલવા લાગી. હવે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. પહેરેલાં ગરમ કપડાં ઉપર બીજી એક જોડ ચડી ગઈ.
ફરીથી સ્ટીમરમાં બેસી અમે ઓલ્ડરડાલેમ પહોંચ્યા. વચ્ચે કિફૅનેસ, જે કેલ ક્યોર્ડ વગેરે ગામો આવ્યાં. આ બાજુ વાહનો ખાસ નહિ, એટલે રસ્તામાં માણસ હાથ ઊંચો કરે તો ડ્રાઇવર બસ ઊભી રાખી એને લઈ લે. આગળ જતાં એક ટેકરી ઉપર બસસ્ટેશન આવ્યું. કોઈ ગામ નહિ, પણ માત્ર વિરામ માટેનું એ સ્થળ હતું. ત્યાં જરૂરિયાત અને યાદગીરીની મોંઘી વસ્તુઓની નાની નાની દુકાનો હતી. કૉફી પણ મળતી હતી, એક કપના બસો રૂપિયા. ટાઢ ઉડાડવા કૉફી પીવી પડે અને કૉફીના ભાવ સાંભળીને ટાઢ વાય. એટલે કોફી પીવાનું અમે માંડી વાળ્યું. મિત્રે કહ્યું કે, “જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ કૉફીના ભાવ વધતા જાય છે.' કહ્યું, “પણ એથી નિરાશ ન થવું, કારણ કે પાછા ફરતાં ભાવ ઓછા થતા જશે અને છેલ્લે મફત કૉફી મળશે.”
ટ્રસ્સો પછી ઉત્તર નૉર્વેનું એક મોટું શહેર આલ્ટા હવે આવી રહ્યું હતું. અમારો ડ્રાઇવર બસ સ્વસ્થતાથી, કુશળતાથી અને નિયમિતતાથી ચલાવી રહ્યો હતો. તે ઘડિયાળ સામે નજર રાખી ગતિમાં વધઘટ કરતો રહેતો. બરાબર ઘડિયાળના ટકોરે રાતના પોણાબાર વાગે આલ્ટા આવી પહોંચ્યું. અજવાળું તો એવું ને એવું જ હતું. બસસ્ટોપથી અમારી હોટેલ દૂર હતી એટલે સામાન ઊંચકીને, વચ્ચે થાક ખાતાં ખાતાં, અમે હોટેલ ‘રિકા આલ્ટા'માં પહોંચ્યા.
રૂમમાં સામાન ગોઠવી અમે સૌથી પહેલું કામ ધરાઈને કૉફી પીવાનું કર્યું, કેમ કે હૉટેલમાં તે મફત હતી.
કૉફી જેવી ક્ષુદ્ર વસ્તુ પણ મનુષ્યના મનના ભાવોની કેવી કસોટી કરે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org