________________
તેથી નિરૂપણ પ્રામાણિક અને શ્રદ્ધેય તેમજ સંવેધ અને આસ્વાદ્ય બન્યું છે. તેમાં સત્ય-શિવસુંદરનો સરસ સુયોગ સધાયો છે. ભાવકને તે અવબોધ અને આસ્વાદ યુગપદ આપી શકે તેમ છે.
પૂર્વેના બે ભાગના અનુસંધાનમાં લખાયેલ આ ત્રીજા ભાગમાં પણ એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા ખંડના વિવિધ દેશોનાં આકર્ષક સ્થળોના પ્રવાસનાં સંસ્મરણ નિરૂપાયાં છે. એશિયાનાં આરબ-અમીરાત સ્થિત અબુધાબી, ઇન્ડોનેશિયાનાં બાલી, જાવાસ્થિત બાન્ડંગ અને બોરોબુદુર, દક્ષિણ ચીનના સાગરતટ પરનું પૉર્ટુગીઝ સંસ્થાન મકાઉ, દક્ષિણ ચીનનું ક્વઇલિન, હંસ પેગોડા ધરાવતું મધ્યચીનનું નગર શિઆન, યુરોપ-એશિયા ખંડનો સંગમ દાખવતું ઇસ્તંબુલ-કોન્સ્ટેન્ટિનોપલ; આફ્રિકા ખંડના દક્ષિણ આફ્રિકા દેશમાં આવેલ શાહમૃગના વાડા, પૉર્ટ એલિઝાબેથ, મધ્ય આફ્રિકાના ચુવાન્ડા અને બુરુંડી દેશ અને તેની રાજધાની બુજુમ્બુરા, ઝિમ્બાબ્વે અને તેની ઝામ્બેઝી નદી પરનો વિક્ટોરિયા ધોધ, શ્વેત અને ભૂરી નાઈલ નદીઓના સંગમસ્થાને વસેલ સુદાન દેશનું પાટનગર ખાર્ટૂમ; યુરોપનો નૉર્વે દેશ અને તેની રાજધાની ઑસ્લો, ઉત્તરધ્રુવ વર્તુળમાં આવેલ ટ્રુમ્સો, આલ્ટા અને હામરફેસ્ટ શહેર, મધ્યરાત્રિના સૂર્યનો પ્રદેશ નૉર્થકેપ, અમેરિકાનું કૅલિફૉર્નિયા રાજ્ય અને ત્યાં ઊગતાં વિલક્ષણ સિકોયા વૃક્ષ, અલાસ્કા રાજ્ય અને તેનું મુખ્ય શહેર ફેરબૅન્ક્સ; ઑસ્ટ્રેલિયાના ઈશાની સમુદ્રકિનારા પાસેની ગ્રેટ બેરિયર રીફ, ન્યૂઝીલૅન્ડના દક્ષિણ દ્વીપનાં મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક વગેરેનાં તેમાં અલપઝલપ છતાં સુરેખ અને હૃદ્ય ચિત્રો આલેખાયાં છે. તેમાં વર્ણિત સ્થળો વિશેની દંતકથાઓ, ઇતિહાસકથાઓ પણ પ્રસંગોપાત્ત આલેખાઈ છે : ‘સિકોયાની શિખામણ’, ‘બાન્ડંગનો જ્વાળામુખી – ટાંકુબાન પરાહુ’, ‘વિક્ટોરિયા ધોધ’,‘હંસ પેગોડા’, ‘ઇસ્તંબુલ’ વગેરેમાં. તેમાં ઈશ્વરદત્ત સ્થાનિક પ્રકૃતિ અને માનવસર્જિત સંસ્કૃતિ બેઉનાં મનહર અને મનભર શબ્દચિત્રો દોરાયેલાં જોવા મળે છે. તેમાં ઘોતક તાદશ વર્ણનો દ્વારા તેમનાં વિલક્ષણ રૂપોનું આહ્લાદક દર્શન કરાવાયું છે. આથમતા સૂર્યના પ્રકાશમાં ઝળહળતાં કાચનાં મકાનો (અબુધાબીની સાંજ), જાવાસ્થિત બોરોબુદુરનો વિરાટ ભવ્ય બુદ્ધ-સ્તૂપ (બોરોબુદુર), ઝામ્બેઝી નદીના ધોધની સીકરોમાં સર્જાતા મેઘધનુષ્ય (વિક્ટોરિયા ધોધ), અદ્ભુત ધ્રુવપ્રદેશ અને તેનું સાક્ષાત્કાર દર્શન કરાવતી રોમાંચક ફિલ્મ (ટ્રોથી આલ્ટા), ઉત્તર નૉર્વેના સૂર્યતાપે ઓગળતા હિમાચ્છાદિત ડુંગરોની જલધારાઓ (હામરફેસ્ટ) વગેરેનાં વર્ણન તેનાં ઘોતક છે. લેખકની ઇન્દ્રિયસંવેદ્ય શૈલીએ આ વર્ણનોને મૂર્ત, સુરેખ, રંગીન, જીવંત કરી દીધાં છે. તે કેવાં આકર્ષક છે અને તેમાં યોજાયેલ અલંકારો કેવા નવીન, તાજગીભર્યા, ભાવવાહી છે એ તેનાં કેટલાંક ઉદાહ૨ણો જોતાં સમજી શકાશે :
“એક છેડે ‘ઓગોહ ઓગોહ'ના લાલ, લીલો અને વાદળી એમ ઘેરા રંગનાં ત્રણ મોટાં પૂતળાં હતાં.... પુરુષોએ સફેદ અંગરખું, કેસરી અથવા સફેદ ‘સરોંગ' (કમરે ૫હે૨વાનું લુંગી જેવું વસ્ત્ર) પહેર્યાં હતાં. માથે સફેદ પટ્ટો બાંધ્યો હતો. બધા ઉઘાડે પગે હતા. તેઓ એક બાજુ ત્રણ હારમાં ગોઠવાયા. બીજી બાજુ મહિલાઓએ આછા પીળા રંગનું ઉપરનું વસ્ત્ર, કેસરી રંગનું સરોંગ પહેર્યું હતું અને કમરે રંગીન પટ્ટો બાંધ્યો હતો...” (બાલીમાં બેસતું વર્ષ) “અહીં આંબાનાં વૃક્ષો પર મોટી મોટી કેરીઓ લટકી રહી છે. અહીં ઘટાદાર લીમડા છે અને વડની વડવાઈઓનો વિસ્તાર છે. પીપળો અહીં પવિત્ર વૃક્ષ તરીકે પુજાય છે. કેસરી અને પીળાં ગુલમહોર તડકામાં હસી રહ્યાં છે. સૂર્યકિરણો ઝીલીને તુલસી પ્રફુલ્લિત બની છે.
XI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org