________________
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ : રોચક પ્રવાસકથા
પ્રો. જશવંત શેખડીવાળા ડૉ. રમણલાલ શાહ સાહિત્યના ગંભીર વિવેચક-સંશોધક-સંપાદક તરીકે જાણીતા છે. પ્રવાસકથાના સારા લેખક તરીકે તેમની તેવી પ્રસિદ્ધિ થઈ નથી. વસ્તુત:, ગુજરાતીના તેઓ એક ઉત્તમ પ્રવાસકથાલેખક પણ છે. “પાસપોર્ટની પાંખે' નામધારી તેમની પ્રવાસકથા વાચકોમાં ઘણી લોકપ્રિય થઈ છે, અને વિવેચકો દ્વારા ઘણી પ્રશંસા પામી છે. અલ્પ સમયાવધિમાં તેની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. વિશ્વવિદ્યાલયમાં, ગુજરાતી વિષયના ઉચ્ચ અભ્યાસક્રમમાં, પાઠ્યપુસ્તક તરીકે તેને સ્થાન મળ્યું છે. ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ પ્રવાસકથા તરીકે તેની ગણના થઈ છે.
તે પછી પ્રકાશિત “પાસપોર્ટની પાંખે'નો બીજો ભાગ પણ તેવો જ લોકપ્રિય થયો. હવે તેનો ત્રીજો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. તેના પહેલા-બીજા ભાગ જેવો આ ત્રીજો ભાગ પણ વાચકો-વિવેચકોનો પ્રેમ-આદરભાવ અવશ્ય મેળવી શકશે. પૂર્વે “નવનીત-સમર્પણ' સામયિકમાં ધારાવાહી રૂપે જ્યારે તેનું પ્રકાશન થઈ રહ્યું હતું ત્યારે વાચકોને તે ઘણું ગમ્યું હતું. પુસ્તકરૂપમાં તે સવિશેષ ગમશે.
સ્વામી સચ્ચિદાનંદ, ભોળાભાઈ પટેલ, પ્રીતિ સેનગુપ્તાની જેમ ડૉ. રમણલાલ શાહ પણ ઉત્સાહી જગતપ્રવાસી છે. વિવિધ નિમિત્તે તેમણે એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર-દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના પ્રવાસ ખેડ્યા છે. તેમણે ખુલ્લી અને નિર્મળ આંખે, આનંદ-વિસ્મય-કુતૂહલ-જ્ઞાનપ્રાપ્તિના ભાવપૂર્વક, વિવિધ દેશો-પ્રદેશો જોયા છે, અને તેમનું સંવેદના-કલ્પના-વિચારયુક્ત, સરળ મધુર પ્રવાહી ચિત્રાત્મક શૈલીમાં, સુરેખ અને રસળતું નિરૂપણ કર્યું છે. તેઓ સાહિત્યના અધ્યાપક છે, વિવેચક તેમ સર્જક છે. ભૂગોળ-ઇતિહાસદર્શનશાસ્ત્રના અભ્યાસી છે અને સરળ-મધુર-સુકોમળ સ્વભાવના ઉમદા મનુષ્ય છે; તેથી સહજ-સ્વાભાવિક રૂપમાં જોયેલા પ્રદેશોની, રમ્ય-કરાલ-વિલક્ષણ-ધ્યાનપાત્ર, પ્રકૃતિનું અને સંસ્કૃતિનું, અલપઝલપ છતાં વાસ્તવિક તેમ હૃદયંગમ નિરૂપણ અનાયાસે કરી શક્યા છે
તેમાં લાઘવ, વૈવિધ્ય, વ્યંજના હોય છે અને પ્રસંગોપાત્ત હળવો નિર્દોષ વિનોદ પણ હોય છે; પરંતુ ક્યાંય અનાવશ્યક લાગે તેવું આલેખન કે આયાસજન્ય ચિંતન કળાતાં નથી; કશું કૃતક કે કુત્સિત જોવા મળતું નથી. પ્રાકૃતિક દૃશ્યો, ઘટનાઓ યા મળેલ વ્યક્તિઓના નિરૂપણમાં કોઈ વાર નિષ્કર્ષ રૂપે લેખકીય ટીકા-ટિપ્પણ-ચિંતન રજૂ થયાં છે, પરંતુ તે ચિંતનના ભારથી કે ટીકા-ટિપ્પણની કટુતાથી સર્વથા મુક્ત રહ્યાં છે. આ પ્રવાસકથાના સમગ્ર નિરૂપણમાં નિખાલસતા, મધુરતા, હળવાશ, સ્વાભાવિકતાનો સાવંત અનુભવ થાય છે. પાસપોર્ટની પાંખના પૂર્વે પ્રકાશિત પ્રથમ બે ભાગની આવી બધી લાક્ષણિકતાઓ (અને એક જ ખંડનાં ય એક જ દેશનાં વિવિધ સ્થળોનું નિરૂપણ સાથોસાથ સળંગસૂત્રતા યુક્ત કરવાને બદલે ગમે ત્યાં વૈરભાવે કરવાની વિલક્ષણતા) તેના આ ત્રીજા ભાગમાં પણ જોઈ શકાય છે.
પ્રવાસકથાનું નિરૂપણ, પ્રવાસ પછી, અમુક સમયાંતરે થયું છે. મહદંશે તે સંસ્મરણજન્ય છે. તેમાં પ્રવાસ દરમિયાન જોયેલાં સ્થળકાળ-ઘટના-મનુષ્ય-કાર્ય વગેરે વિશે લેખક દ્વારા લેવાયેલી નોંધોનો અને સંવેદના-કલ્પના-ચિંતનસિક્ત સંસ્મરણો ઉભયનો વિનિયોગ થયો છે;
X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org