________________
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ જમીનમાંથી તેલ નીકળ્યું છે. ખાણમાંથી કાચા હીરા નીકળ્યા છે. સોનાની ખાણોમાં મોટા પાયે ખોદકામ ચાલુ થયું છે. ખાણવિદ્યામાં હોશિયાર એવા ચીનાઓને અહીં વસાવ્યા છે. સાત લાખ જેટલા ચીનાઓ ત્રણ-ચાર દાયકાથી સુદાનમાં આવીને વસ્યા છે. ચીની-સુદાનીની સંમિશ્ર પ્રજા પણ ચાલુ થઈ ગઈ છે.
આફ્રિકાનાં બીજાં શહેરોની જેમ ખાટુંમમાં પણ તડકો ઘણો પડે. ઉઘાડા માથે લાંબું ચલાય નહિ, માથું ભમી જાય. લોકો મોટી પાઘડી કેમ પહેરે છે તે સમજાવવું ન પડે. તડકાને લીધે જ ખાટુંમમાં ઠેર ઠેર મોટા ઘટાદાર લીમડા અને બીજાં વૃક્ષો જોવા મળે છે. રાહદારીઓ, નવરા માણસો છાંયડો શોધતા ફરે. બપોરના વખતે કોઈ વૃક્ષ નીચે છાંયડામાં કોઈ ઊભું ન હોય એમ બને નહિ. કેટલાંય વૃક્ષો નીચે ખુરશી, ખાટલો, પાણીનું માટલું કે કોઠી હોય. ક્યાંક સાધારણ સ્થિતિની મહિલાઓ સગડી રાખી ચા બનાવે અને વેચે. સુદાની મહિલાઓ સાડી જેવું એક જ વસ્ત્ર આખા શરીરે વીંટાળે, પણ પગની પાની સુધી નહિ, ઘૂંટણ ઢંકાય એ રીતે પહેરે. માથે ઓઢવાનું ફરજિયાત છે. પોલકું ઘણુંખરું આખી બાંયનું પહેરે. સફેદ અને કાળો એ બે રંગનાં વસ્ત્રો વધુ પ્રચલિત છે.
ખાટુંમ અને ઓમદુરમાનમાં જોવા જેવાં સ્થળોમાં નૅશનલ મ્યુઝિયમ, માહિદીની કબર, ખલીફાનું મ્યુઝિયમ, પ્રમુખનો મહેલ, પેલેસ મ્યુઝિયમ વગેરે ગણાવી શકાય. ઇતિહાસ અને સાંસ્કૃતિક અવશેષોમાં જેમને રસ હોય તેમને વધારે ગમે, કારણ કે ફ્રાન્સના સહકારથી થયેલા ખોદકામમાં અઢી હજાર વર્ષ પહેલાંના પ્રાચીન અવશેષો મળ્યા છે. અમે થોડુંક જોયું, થોડુંક જતું કર્યું.
હોટેલ હિલ્ટનમાં બપોરના ભોજન વખતે સ્થાનિક રોટરી ક્લબના સભ્યોને અને ગુજરાતી સમાજના કેટલાક આગેવાનોને મળવાનું થયું. ત્યાર પછી સુદાનના આરોગ્યપ્રધાન સાથે અમારી મુલાકાત ગોઠવાઈ હતી. જયપુર ફૂટ અંગે એમને માહિતી અપાઈ. પોતાના દેશને વિનામૂલ્ય જયપુર ફૂટ અને તે બનાવવા માટેની સામગ્રી મળતી હોય તો કેમ ન ગમે ? પોતાના આરોગ્ય ખાતા તરફથી બધો જ સહકાર આપવાની તેમણે ખાતરી આપી.
ત્યાર પછી અમે જયપૂર ફૂટના વર્કશોપની મુલાકાત લીધી. ત્યાં એક અથવા બંને પગે અપંગ બનેલાં લાચાર સ્ત્રીપુરુષોના દયામણા ચહેરા જોઈ કરુણા ઊપજે. જયપુર ફૂટથી તેઓની જિંદગી સુધરી જાય, લાચારી ઓછી થાય, હરવાફરવાની શક્યતા વધે. કૃત્રિમ પગ આશીર્વાદરૂપ નીવડે. થોડાં વર્ષોમાં ત્રણેક હજાર કરતાં વધુ સ્ત્રીપુરુષોને કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવ્યા છે. શ્રી નાથુસિંગે અગાઉ અહીં એક વર્ષ રહીને સ્થાનિક સુદાની કર્મચારીઓને કૃત્રિમ પગ બનાવવાની તાલીમ આપી હતી. આ વખતે પણ તેઓ બીજા વધુ માણસોને તાલીમ આપવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org