________________
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ હતા ત્યારે એમાંથી બે મોટી પેટી અકબંધ મળી આવી. લખાણ પરથી ખબર પડી કે એમાં હુઆન સંગનાં અસ્થિઅવશેષ છે. જાપાની સેનાપતિએ એ અવશેષો જાપાન મોકલી આપ્યા.
બીજા વિશ્વયુદ્ધ પછી ચીનમાં સામ્યવાદી ક્રાન્તિ થઈ. ચાંગ કાઈ શેક ભાગ્યા અને પાસેના પોતાના ટાપુ ફોર્મોસા(તાઇવાન)માં પહોંચી ગયા. ચીનનું વિભાજન થયું અને બંને સ્વતંત્ર રાષ્ટ્રો થયાં. દરમિયાન જાપાન પાસેથી હુઆન સંગના અવશેષો પાછા મેળવવા ઘણો ઊહાપોહ થયો. તાઇવાનનો પક્ષ લેનાર અમેરિકાનું જાપાન ઉપર વર્ચસ્વ હતું. અવશેષો માટે ચીન અને તાઇવાન એમ બંનેનો દાવો હતો. અવશેષો સરખે ભાગે વહેંચાય એ શરતે જાપાન તે આપવા માટે તૈયાર થયું. જાપાનની શરત સ્વીકારવા સિવાય છૂટકો નહોતો. હાથપગનાં અને બીજાં અસ્થિ તો સરખે ભાગે વહેંચી શકાયાં. હવે મસ્તકનો ભાગ-ખોપરીનો પ્રશ્ન ઊભો થયો. એ માટે ચીન કે તાઇવાન કોઈએ નમતું આપ્યું નહિ. અંતે ખોપરીના બે સરખા કટકા કરવામાં આવે એ શરત સ્વીકારાઈ. છેવટે ચીન અને તાઇવાનને અડધી અડધી ખોપરી મળી.
વિધિની કેવી વક્રતા કે જે ખોપરી-મસ્તકે પ્રેમ, વાત્સલ્ય, કરુણા, બંધુત્વાદિની ભાવના વડે પ્રજાઓને એક કરવાનો પ્રયાસ કર્યો એના પોતાના જ બે કટકા થયા, કરવા પડ્યા.
ચીનમાં અસ્થિની વાત આટલેથી ન અટકી. એ અસ્થિ પોતાને ત્યાં રાખવા માટે વિવિધ સ્થળોના દાવા થયા, ઝઘડા થયા. છેવટે ચીનની સરકાર તરફથી, હુઆન સંગે જ્યાં દીક્ષા લીધી હતી તે સ્થળ, જ્યાં એમને દફનાવવામાં આવ્યા તે સ્થળ અને જ્યાં એમના શિષ્ય-પ્રશિષ્યોએ અસ્થિ સાચવ્યાં હતાં એ સ્થળ – એમ ત્રણ સ્થળ વચ્ચે સરખે ભાગે અસ્થિ વહેંચી આપવામાં આવ્યાં.
બૌદ્ધ ધર્મગુરુ ચીની પ્રવાસી હુઆન સંગને ક્યારેય એવો વિચાર સુધ્ધાં આવ્યો નહિ હોય કે પોતાના પ્રત્યેના પૂજ્યભાવને કારણે જ પોતાનાં અસ્થિ માટે આવા ઝઘડા થશે અને પોતાની ખોપરીના બે કટકા કરવા પડશે.
પચીસ હજાર માઈલનો પગપાળા પ્રવાસ કરનાર હુઆન સંગના દેહમાં પરિભ્રમણનું તત્ત્વ એવું હાડ સુધી પહોંચી ગયું હતું કે એમના સ્વર્ગવાસ પછી પણ એમનાં હાડકાંઓએ પ્રવાસ ચાલુ રાખ્યો હતો.
હંસ પૈગોડાની અમારી મુલાકાત પૂરી થઈ. પાછા ફરતાં એક બાજુ હુઆન સંગની ભવ્ય પવિત્ર જીવનયાત્રા અને બીજી બાજુ એમનાં અસ્થિ માટે ક્લેશમય સંઘર્ષ – એના વિચારોએ મગજને ઘેરી લીધું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org