________________
૪
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩
૧૧૦ રાજ્યોમાંથી પસાર થયા. પોતે જ્યાં જ્યાં ગયા અને જે જે અનુભવો થયા તેની તારીખવાર, વિગતવાર નોંધો તેઓ લખતા જતા હતા. આથી એમણે લખેલી નોંધો ઐતિહાસિક દસ્તાવેજ જેવી બની ગઈ. એમાં એટલી બધી રસિક વાતો આવે છે કે પછીથી એક ચીની લેખકે એના ઉપરથી એક સરસ નવલકથા લખી હતી કે જે ચીનમાં એક શિષ્ટમાન્ય ગ્રંથ ગણાય છે.
હુઆન સંગ ઈ. સ. ૬૪૩માં ભારતમાંથી નીકળી ઈ. સ. ૯૪૫માં ચીનમાં ચાંગ-એનમાં આવી પહોંચ્યા. તેઓ સત્તર વર્ષ પછી ચીન પાછા ફરી રહ્યા હતા. એટલે તે સમયના સમ્રાટ ગાઓ ઝોંગે એમનું ભવ્ય સ્વાગત કરાવ્યું અને ત્યાર પછી એમની રસિક વાતો સાંભળવા એમને રાજમહેલમાં બોલાવ્યા. હુઆન સંગની અવનવી અદ્ભુત રસિક વાતો અને એમની કાબેલિયતથી સમ્રાટ બહુ વિસ્મયચકિત થયા અને રાજ્યમાં કોઈ પણ ઊંચો વહીવટી હોદ્દો સ્વીકારવા કહ્યું, પણ હુઆન સંગ તો સાધુજીવન જીવવા જ ઇચ્છતા હતા એટલે કોઈ હોદ્દો સ્વીકાર્યો નહિ. એ વખતે હુઆન સંગે સમ્રાટને ભલામણ કરી કે પોતે જે તાડપત્રીય હસ્તપ્રતો ભારતથી લાવ્યા છે તે રાખવાની-જાળવવાની સરખી વ્યવસ્થા રાજ્ય તરફથી કરી આપવામાં આવે. એ માટે હુઅન સંગની દો૨વણી હેઠળ પાંચ માળનો રંગોડા, જ્યાં બૌદ્ધ મંદિર છે તેની બાજુમાં જ બાંધવાનો સમ્રાટે હુકમ કર્યો. એથી હુઆન સંગને અતિશય હર્ષ થયો. પોતાનું સ્વપ્ન સાકાર કરવાની તક મળી. તેઓ આ સ્થળને પવિત્ર વિદ્યાધામ બનાવવા ઇચ્છતા હતા. તેઓ એટલા બધા ઉત્સાહમાં આવી ગયા હતા કે મજૂરો સાથે તેઓ પણ પથ્થરો ઘડવામાં, માટી ખોદવામાં, દીવાલો-પગથિયાં ચણવામાં લાગી ગયા હતા. એટલે આ પેંગોડાના બાંધકામમાં હુઆન સંગનો મજૂર તરીકેનો પરિશ્રમ પણ રહેલો છે. પેંગોડાનું વિધિસર ઉદ્ઘાટન થયા પછી એમાં બધી હસ્તપ્રતો ગોઠવવામાં આવી, પરંતુ પછી એ નાનો પડતાં એના ઉપર બીજા બે માળ વધારવામાં આવ્યા, એટલે એ સાત માળનો થયો. વખતોવખત જરૂરિયાત પ્રમાણે એનો જીર્ણોદ્ધાર થયો હતો.
ગાઇડે કહ્યું, ‘તમે જ્યાં ઊભા છો એ પેંગોડા તેરસો વર્ષ પ્રાચીન છે. એના પાયામાં હુઆન સંગનો પરસેવો પડેલો છે. અહીં બેસીને એમણે ભારતથી લાવેલા ગ્રંથોનું ચીની ભાષામાં ભાષાન્તર કર્યું. મંદિરના આ વિસ્તારમાં એમને માટે નિવાસસ્થાન બાંધી આપવામાં આવ્યું હતું. આ પેંગોડામાં જીવનના અંત સુધી એમણે કામ કર્યું. કેટલા બધા બૌદ્ધ ધર્મગુરુઓને એમણે માર્ગદર્શન આપ્યું હતું ! છેલ્લાં દસ વર્ષ તો આ મઠના અધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી.’
આ પેંગોડામાં ઊભા રહીને એની હવામાં શ્વાસ લેતાં અમે વિશિષ્ટ અનુભવ કર્યો. અમે મનોમન હુઆન સંગના તેજસ્વી પુણ્યાત્માને વંદન કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org