________________
રેયાવિક પહોંચતાં વગેરેની બધી વિધિ પતાવીને અમે અમારા વિમાન માટેના ગેટ પાસેના લોન્જમાં બેઠાં. મોટા પારદર્શક કાચમાંથી ક્ષિતિજ પર સૂર્ય અસ્ત થઈ રહ્યાનું રમણીય દશ્ય અમે નિહાળી રહ્યાં હતાં. છેલ્લી સલામ કરી સૂર્ય ક્ષિતિજની નીચે ઊતરી ગયો. એની વિદાય પછી પશ્ચિમાકાશમાં પ્રસરેલી રાતી પીળી સુરખી પણ વિલીન થઈ ગઈ અને આકાશમાંથી અંધકારના ઓળા ઊતરી આવ્યા.
સમય થતાં સૂચના અપાઈ એટલે આઈસલેન્ડ ઍરના વિમાનમાં અમે દાખલ થયાં. અભયભાઈ અને મંગળાબહેનની સીટ આગળની હારમાં હતી. મારી અને મારાં પત્નીની સીટ થોડી પાછળની હારમાં હતી. નિયત સમયે વિમાન ઊપડ્યું અને થોડી વારમાં લગભગ પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ ઊડવા લાગ્યું. હવામાન સ્વચ્છ હતું. આકાશમાં રાત્રિનો અંધકાર છવાઈ ગયો હતો. બારી પાસે અમને બેઠક મળી હતી. બારીમાંથી આકાશમાં કોઈ કોઈ તારલા દેખાતા હતા.
લગભગ અડધા કલાક પછી ભોજન આપવાનું ચાલુ થયું. દરમિયાન વિમાનની બારીમાંથી બહાર નજર કરી રહેલાં મારાં પત્નીએ મને કહ્યું : 'જુઓ તો, આકાશમાં ક્ષિતિજ ઉપર રાતી સુરખી દેખાય છે !'
મેં જોયું તો આકાશમાં ક્ષિતિજનો થોડો ભાગ સાચે જ રાતો દેખાવા લાગ્યો હતો.
‘જાણે અરુણોદય થવાનો હોય એવું દેખાય છે ! હજુ હમણાં તો રાત પડી. આટલી થોડી વારમાં શું સૂર્યોદય થશે ?' મારાં પત્નીએ પૂછ્યું.
આકાશ સામે ધ્યાનથી અમે જોતાં રહ્યાં ત્યાં તો ક્ષિતિજ ઉપર ખરેખર સૂર્યની કિનારી દેખાવા લાગી અને ધીમે ધીમે સૂર્ય ઉપર આવવા માંડ્યો. આકાશમાં અજવાળું વધતું ગયું. અડધા કલાકમાં તો આખો ગોળ લાલઘૂમ સૂર્ય ક્ષિતિજ ઉપર આવી ગયો.
શું ઈંગ્લેન્ડ અને આઈસલેન્ડ વચ્ચે બાર કલાકનો તફાવત છે કે આટલો જલદી સૂર્યોદય જોવા મળે ? ના, એટલો તફાવત તો નથી. તો પછી આકાશમાં સૂર્યોદય થયો તે શું ખોટો હશે? ના, એ પણ ખોટો નથી, કારણ કે ક્ષિતિજ પર ધીમે ધીમે સૂર્યને ઉપર આવતો અમે સાક્ષાત્ જોયો.
પણ સૂર્યોદય વખતે આકાશમાં જેટલું તેજ પથરાય છે તેટલું જ તેજ અત્યારે પથરાયું નહોતું. વળી ક્ષિતિજ પર આવેલો સૂર્ય હવે આકાશમાં ઉપર ચડતો નહોતો, એટલું જ નહિ, જાણે રિસાયો હોય તેમ પાછો એ ક્ષિતિજની નીચે ઊતરવા લાગ્યો.
વસ્તુતઃ એ સૂર્યોદય નહોતો, સૂર્યાસ્ત જ હતો. ઇંગ્લેન્ડમાં સૂર્યાસ્ત થઈ ગયા પછી અમે વિમાનમાં લગભગ પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ અને કલાકના આશરે છસો માઈલની ઝડપે ઉત્તર દિશામાં ૫૦૦ અક્ષાંશથી ૬૪ અક્ષાંશ તરફ આગળ વધી રહ્યાં હતાં. એટલે એનો એ જ અસ્ત થઈ ગયેલો સૂર્ય ફરી અમને દેખાયો. વિમાન આગળ વધતાં જાણે તે ક્ષિતિજની ઉપર આવતો હોય તેમ જણાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org