________________
૨૨૬
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન તો તેનો ફરી રમવા માટે ઉપયોગ કરવો નહિ. જે કંઈ રકમ કદાચ મળે તો તે રાખવી નહિ. દાનમાં આપી દેવી. અહીં ગરીબ કે ભિખારી કોઈ હોતા નથી. ટિપની પ્રથા નથી. તોપણ ટિપ-બક્ષિસ તરીકે એ રકમ લાસ વેગાસ છોડતાં પહેલાં આપી દેવી. પોતાના બે ડૉલર પણ એમાંથી કાઢી લેવા નહિ. એ તો મશીનમાં ગયા એમ જ સમજી લેવું.
અમે કેસિનોમાં ફરી દાખલ થયાં. મેનેજરને સંતોષ થાય એ માટે કહ્યું, “અમે બંને પ્રતીકરૂપે એક એક ડૉલર રમીશું.' અમે દસ દસ સેન્ટના સિક્કા લીધા. ખાલી પડેલાં બાજુબાજુનાં બે સ્લોટ મશીનો સામે બેઠાં, મારાં પત્નીએ પહેલો સિક્કો નાખી બટન દબાવ્યું. ત્યાં તો ટિમ્ ટિમ ટિમ ટિમ કરતી સિક્કાઓની ધાર ચાલી. એટલા બધા સિક્કા વાસણમાં પડ્યા કે જાણે કે મશીનમાં કોઈ બાકોરું તો નહિ પડ્યું હોય ! એક પછી એક એમ અમારા બંનેના નાખેલા સિક્કાથી ધાર્યા કરતાં ઘણા બધા સિક્કા આવ્યા. ત્રણેક સિક્કા ખાલી ગયા હશે. બંનેનાં વાસણમાં પડેલા દસ દસ સેન્ટના સિક્કા ગણી જોયા. કેટલા હશે ? પચીસ ડૉલર અને ચાલીસ સેન્ટ. આટલા બધા સિક્કા જોઈ આનંદ કોને ન થાય? માણસ જુગાર તરફ કેમ વળે છે તે સમજવું અઘરું નથી.
પરચૂરણના બદલામાં નોટો લઈ અમે રૂમ પર આવ્યાં. રાતના બે વાગી ગયા હતા. હવે સૂવાનો અર્થ નહોતો. આમ પણ અમારે ‘સામાયિક કરવાનાં બાકી હતાં. લગભગ ચાર વાગ્યા સુધી અમે સામાયિકમાં સ્તુતિ, જાપ, ધ્યાન વગેરે કરી લીધાં. ચાર વાગતાં બેલબોય આવ્યો. સામાન ઉતાય. એને આપેલી અમારી અગિયાર ડૉલરની બક્ષિસથી એ રાજી રાજી થઈ ગયો.
ટેકસી આવતાં અમે ઍરપૉર્ટ તરફ રવાના થયાં, ફૂટપાથ પર ચાલતાં દેશવિદેશના સહેલાણીઓનાં ટોળેટોળાં શહેરને ઊંઘવા દેતાં નહોતાં. ઍરપૉર્ટ દૂર નહોતું એટલે પહોંચતાં વાર ન લાગી. ટેક્સીના સાત ડૉલર થયા. ડ્રાઈવરના હાથમાં સાત ડૉલર મૂક્યા. પછી ટિપ આપી પંદર ડૉલરની. તે તો આશ્ચર્યમુગ્ધ થઈ જોઈ જ રહ્યો. અટકળ કરીને તે બોલ્યો, “સર, બહુ જ આભાર તમારો. મને લાગે છે કે લાસ વેગાસમાં રમવામાં તમારે બહુ મોટો તડાકો પડ્યો હશે !' મેં કહ્યું, “ના, જે કંઈ કમાણી થઈ તે અહીં જ પૂરી કરીને જઈએ છીએ.'
ડ્રાઈવર કશું સમજ્યો હોય તેમ લાગ્યું નહિ. સમજાવવાની જરૂર નહોતી. કોઈના ગળે ઝટ ન ઊતરે એવી અમારી વાત હતી. કોઈને એમાં વેદિયાપણું પણ લાગે.
અમે ડિપાર્ચર-લોન્જમાં દાખલ થયાં. જોતાં છક થઈ જઈએ એવું આકર્ષક આ ઍરપૉર્ટ છે. એને શણગારવા અઢળક નાણાં ખર્ચાયાં છે. અહીં રોજેરોજ આવતા અસંખ્ય સહેલાણીઓનાં નાણાંની નદી વહેતી હોય પછી શણગારમાં સંકોચ શાને હોય? વળી ઍરપોર્ટના આયોજકોની દષ્ટિ તો જુઓ ! અહીં પણ સ્લોટ-મશીનો રાખ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org