________________
મેવાસિંગનો બેટો
અમે તૈયાર થઈ મેવાસિંગની કારમાં બેસી કલબમાં ગયા. અમે બેઠા કે તરત એમણે જાતજાતની વાનગીઓ માટે ઑર્ડર આપી દીધા. અમે મૂંઝાયા. કહ્યું, “આટલું બધું કંઈ ખવારો નહિ.' એમણે કહ્યું, ‘જે ફાવે તે લેજો. કલબ આપણા ઘરની છે એમ જ સમજજો. આપણે ફરી ક્યારે મળીશું તે કોને ખબર છે ? હું તો હાર્ટ પેશન્ટ છું.’ અમે જોયું કે વેઇટરો પણ મેવાસિંગ સાથે બહુ આદર, વિનય અને પ્રેમથી સસ્મિત વાત કરતા હતા. ટેબલની એક બાજુથી વિશાળ પારદર્શક કાચમાંથી ગૉલ્ફ માટેનું લીલુંછમ મેદાન દેખાતું હતું. મેવાસિંગે કહ્યું કે પોતે ગૉલ્ફ રમવાના ઘણા શોખીન હતા, પરંતુ પાંચેક વર્ષ પહેલાં હૃદયરોગનો હુમલો આવ્યો ત્યાર પછી એમણે ગૉલ્ફ રમવાનું છોડી દીધું છે. ફરી ગયે વર્ષે એમને બીજો હુમલો પણ આવી ગયો પણ બચી ગયા. પરંતુ ક્લબમાં આવવાનું તેમનું નિયમિતપણે ચાલુ જ છે. હૃદયરોગના હુમલા પછી કેટલાક માણસો ભાવાર્દ્ર બની જાય છે અને કંઈક લાગણીશીલતાની વાત આવે તો ગળગળા બની જાય છે કે એમની આંખમાં આંસુ આવી જાય છે. મેવાસિંગનું પણ એવું જ જણાયું. પોતાની બહેનનો પત્ર ખોલતાં પહેલાં એમણે કહ્યું, ‘હું પહેલાં થોડું રડી લઉ. મારી બહેનનો અંદર ઠપકો હશે જ, કારણ કે ઘણા વખતથી મારાથી પત્ર લખાયો નથી.' એટલું બોલતાં તો એમની આંખમાંથી બે મોતી સરી પડ્યાં.
મેવાસિંગ પત્ર વાંચવામાં પડ્યા. અમે ચા-નાસ્તો લેતાં લેતાં ગૉલ્ફના મેદાન તરફ જોવા લાગ્યા. ત્યાં મેવાસિંગે કહ્યું, ‘ગૉલ્ફ રમવાની વાત આવે એટલે મારા કરતાં મારા બેટા રામુને બહુ મઝા પડે. અમે ઘરેથી કારમાં નીકળીએ અને એને ખબર પડે કે ક્લબમાં જઇએ છીએ તો આખે રસ્તે એ ગેલમાં આવી ગયેલો હોય.'
‘તમારા બેટાને પણ ગૉલ્ફ રમતાં આવડે છે ?'
'ના, એવું તો ન કહેવાય, પણ હું રમતો હોઉં ત્યારે બૉલ લાવી આપવા માટે એ દોડાદોડી કરે.’
કેટલાં વર્ષનો છે તમારો દીકરો ?'
‘એને છ પૂરાં થયાં અને સાતમું ચાલે છે.'
‘એ પણ ક્લબનો મેમ્બર છે ?'
‘ના, એ મેમ્બર નથી. કાયદેસર મેમ્બર ન થઈ શકે, પણ એ મેમ્બરથી પણ વિશેષ છે, કારણ કે ક્લબમાં સૌને એ વહાલો છે.’
‘સ્કૂલે જવાનું એણે ચાલુ કર્યું છે ?'
‘ના, પણ એ ઘણો જ હોશિયાર છે. એની સમજદારી તો આશ્ચર્ય પમાડે એવી છે. તમે એક વખત એને જુઓ તો કયારેય ભૂલી શકો નહિ.’
‘ખરેખર ? તો તો તમારા દીકરાને અમારે જોવો જોઈશે.’ અમારામાંથી એકે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org