SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન વિમાને ઉતરાણ કરી પણ લીધું. આર્કટિક સર્કલની રેખાથી પણ ઉત્તરે ૩૩૦ માઈલ પર આવેલી એસ્કિમોની નગરીમાં અમે આવી પહોંચ્યા. જીવનનું એક સ્વપ્ન સાકાર થયું. વિમાનમાંથી અમે દસેક પ્રવાસી ઊતરનારા હતા. અમારા બે સિવાય બાકીના અમેરિકન હતા. ઍરપૉર્ટના મકાનમાં દાખલ થતાં જ સ્થાનિક ગાઈડ યુવતીએ અમારું સ્વાગત કર્યું. અમારે માટે કૉફી તૈયાર હતી. કૉફી પીને બસમાં બેઠાં ત્યાં ગાઈડે કહ્યું, ‘આ ધ્રુવપ્રદેશમાં ઠંડી અસહ્ય હોય છે. તમે ગરમ કપડાં તો પહેર્યા જ છે, છતાં તમને સલાહ છે કે પૂરતી સંભાળ રાખજો. તમારી દરેકની બેઠક પર એક ‘પારકા' છે (પારકા એ એસ્કિમાં લોકોનું પવન અને ઠંડીથી બચવા માટેનું ખાસ બનાવેલું વસ્ત્ર છે). પારકા પહેર્યા વગર તમારે બસમાંથી નીચે ન ઊતરવું, નહિ તો ઠંડી તમારા શરીરમાં ઘૂસી જશે.' પૉઈન્ટ બેરો લગભગ ચાર હજાર એસ્કિમોની વસ્તીવાળું નાનકડું ગામ છે એમ કહી શકાય. દોઢ-બે માઈલના વિસ્તારમાં આખું ગામ પૂરું થઈ જાય. ઍરર્પોર્ટથી અમને શહેરમાં વચ્ચે આવેલી હોટેલ પર લઈ જવામાં આવ્યાં. હોટેલનું નામ પણ યોગ્ય જ હતું : Top of the world. અમને બધાંને ત્યાં ભોજન આપવામાં આવ્યું. ભોજન પછી અમે બસમાં બેઠાં એટલે ગાઈડે એસ્કિમોનો પરિચય આપતાં કહ્યું : “ધરતીના ઉત્તર છેડે વસેલી અને હિમપ્રદેરામાં વિચરનારી જાતિ તરીકે એસ્કિમોને આપણે જાણીએ છીએ. બરફ એમના જીવન સાથે વણાઈ ગયા છે. અમેરિકાની ઉત્તરે અલાસ્કામાં, રશિયાની ઉત્તરે સાઈબિરિયામાં અને યુરોપની ઉત્તરે ગ્રીનલેન્ડમાં, એ રીતે સમગ્ર આર્કટિક સર્કલમાં, ધ્રુવપ્રદેશમાં એસ્કિમોનો વસવાટ છે. એસ્કિમો પોતે પોતાની જાતને “ઇન્યુઈટ' અથવા 'યુઈટ' તરીકે ઓળખાવે છે. એમની ભાષામાં આ શબ્દનો અર્થ થાય છે “માણસ. સફેદ રીંછ, વૉલરસ, સીલ, કરિબુ વગેરે પ્રાણીઓ વચ્ચે બરફમાં રહેનારો માણસ પોતાને બીજાં પ્રાણીઓથી જુદો પાડવા માણસ' તરીકે ઓળખાવે એ સ્વાભાવિક છે. એમને માટે “એસ્કિમો’ શબ્દ પ્રયોજનાર છે અમેરિકાના રેડ ઇન્ડિયનો. રેડ ઈન્ડિયનની ભાષામાં ‘એસ્કિમો' શબ્દનો અર્થ થાય છે કાચું માંસ ખાનાર.' રેડ ઇન્ડિયનો ‘એસ્કિમોને અણઘડ માણસો તરીકે ઓળખવા લાગ્યા હતા. ધ્રુવપ્રદેશમાં અનાજ કે ફળફૂલ ઉગતાં નથી, એટલે એસ્કિમોને શિકાર ઉપર જ નભવું પડે. જ્યારે અગ્નિ પ્રગટાવવાનાં સાધનો સુલભ નહોતાં અને હિમવર્ષામાં રાંધવાનું શક્ય નહોતું ત્યારે એસ્કિમો કાચું માંસ ખાવાને ટેવાયેલા હોય એ દેખીતું છે. જોકે હવેના એસ્કિમોમાં થોડો ફરક પડ્યો છે. તેઓ રાંધેલો ખોરાક ખાય છે. તમે જુઓ છો કે એસ્કિમોના ચહેરા મોંગોલિયન જેવા ગોળ, પહોળા અને ભરાવદાર છે. તેઓ સહેજ ઠીંગણા અને જાડા છે. તેમનું નાક ચપટું હોય છે અને આંખો સહેજ ઝીણી અને છેડેથી ઢળતી હોય છે. એસ્કિમો બાળક જન્મે ત્યારે એની કરોડરજ્જુની નીચે આછા વાદળી રંગનું નાનું લાબું હોય છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy