SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વાલ્ડિગ્ર ane સ્ટીમરમાં બહાર ખુલ્લામાં કઠેડા પાસે ઊભા રહેવાથી ચારે બાજુનું દશ્ય સારું જોવા મળે, પણ સખત ઠંડી અને જોરથી ફૂંકાતા પવનને લીધે વધુ વાર ઊભા રહેવાય નહિ. કૅબિનમાં હીટરને કારણે હૂંફાળું લાગે, પરંતુ પારદર્શક કાચમાંથી એક જ બાજુનું મર્યાદિત દશ્ય જોવા મળે. કેટલાક પ્રવાસીઓ વારાફરતી અંદરબહાર આવજા કર્યા કરે. ભારે નાસ્તા પછી પેલી બે કૅનેડિયન મહિલાઓ કૅબિનમાં આવી કહે, ‘બહાર બહુઠંડી છે, અંદર ગરમાવો સારો છે.' તેઓ બંને બાજુબાજુની બેઠકમાં ગોઠવાઈ ગઈ. હાલકડોલક થતી સ્ટીમરનો લય, ભારે નાસ્તો, હૂંફાળું વાતાવરણ, આગલી રાતની ઓછી ઊંઘ, સ્ટીમર ચાલવાના અવાજની કૅબિનની અંદર મંદતા અને વૃદ્ધાવસ્થા પછી તો પૂછવું જ શું ? થોડી વારમાં તો તે બંનેની આંખો ઘેરાવા લાગી. બંને એકબીજી પર માથું ઢાળીને ઊંઘી ગઈ. એમના ભાઈએ કહ્યું, ‘મેં એમને કહ્યું હતું કે બહુ ખાશો નહિ, પણ મારું માન્યું નહિ. ઉનગરો છે એટલે મેં કશું જ ખાધું નહિ. હું તો થોડી થોડી વારે કૉફી પીધે રાખીશ એટલે વાંધો નહિ. દસબાર કપ કૉફી પી જાઉ તોપણ મને કંઈ થાય નહિ.’ અમારી સ્ટીમર આગળ વધતી જતી હતી. એવામાં દરિયામાં દૂર દૂર કેટલીક શ્વેત હોડીઓ તરતી દેખાઈ. પરંતુ નજીક પહોંચતાં જણાયું કે એ હોડીઓ નહોતી, પરંતુ બરફની મોટી મોટી શિલાઓ હતી. પંદરપચીસ ફૂટ લાંબી અને ચારપાંચ ફૂટ ઊંચી એ શિલાઓ પાણીમાં એવી રીતે તરતી હતી કે આવી ભૌગોલિક રચનાથી અપરિચિત વ્યક્તિને દૂરથી પહેલી વાર જોતાં એ હોડી જેવી જ લાગે. વસ્તુતઃ એ નાના નાના આઇસબર્ગ હતા. પાણીની સપાટી ઉપર દેખાય તેના કરતાં પાણીમાં નીચે ઘણા વધારે હોય. આગળ જતાં તો મોટા આઇસબર્ગ પણ આવવા લાગ્યા. આઇસબર્ગ એટલે તરતી હિમશિલાઓ અથવા તરતા હિમડુંગરો. ધ્રુવપ્રદેશમાં એ જોવા મળે. સ્ટીમર જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ હિમશિલાઓનું અને બરફના નાનામોટા ટુકડાઓનું પ્રમાણ વધતું ગયું. જેમ કોઈ મોટા તપેલામાં પાણી ઠંડું કરવા માટે બરફના નાનામોટા ટુકડાઓ નાખવામાં આવ્યા હોય અને તે પાણીમાં છૂટાછવાયા તરતા હોય તેમ આ વિલિયમ સાઉન્ડના સમુદ્રમાં નાનીમોટી હિમશિલાઓ તરતી હતી. કોઈ કોઈ શિલાઓમાં, વચ્ચેથી ઓગળી જવાને કારણે પોલાણ થઈ ગયું હતું. સૂર્યનો તડકો જે બાજુ ઉપર પડતો હોય તે બાજુ તેટલો વખત વધુ ઓગળે. એ રીતે દરેક શિલાના આકાર જુદા જુદા જોવા મળે. કોઈકમાં આરપાર બાકોરું હોય, કોઈકમાં વચ્ચે એક મોટો ખાડો હોય, કોઈકમાં બેચાર જગ્યાએ નાના નાના ખાડા પડ્યા હોય. બરફના પોલાણમાં સૂર્યના પ્રકાશને લીધે આછા વાદળી કે નીલ રંગની ઝાંય દેખાય. ક્યાંક આછો ગુલાબી રંગ દેખાય. વળી તડકામાં બરફના રંગો અને આકૃતિઓ બદલાતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy