________________
૨૮
પાસપૉર્ટની પાંખે
ધાર્યા કરતાં ઘણું મોડું થઈ ગયું હતું. ખાવા માટે હું નીચે ઊતર્યો. હોટેલમાં ડાઇનિંગરૂમમાં ગયો તો તે બંધ થઈ ગયો હતો. ત્યાં જવાબ આપનાર પણ કોઈ ન હતું. નીચે લૉબીમાં રિસેપ્શનિસ્ટને પૂછ્યું. એણે કહ્યું, “માફ કરજો, ડાઇનિંગરૂમ દસ વાગે બંધ થઈ જાય છે. હવે તમારે કંઈ ખાવુંપીવું હોય તો પહેલે માળે નાઇટ રેસ્ટોરાંમાં જાઓ.'' હું પહેલે માળે ગયો. ત્યાં ચારે બાજુ નજર કરી, પરંતુ ક્યાંય રેસ્ટોરાં જેવું દેખાયું નહિ. હું રિસેપ્શનિસ્ટની પાસે પાછો ગયો અને ફરીથી પૂછ્યું. એણે કહ્યું, “પહેલે માળે જ છે; ડાબી બાજુ ખૂણામાં વળજો.'' એ પ્રમાણે હું ગયો. એક વિશાળ ખંડ ત્યાં હતો, પણ તે ખાલી હતો. ન મળે ટેબલ કે ન મળે કોઈ વેઇટર. મને થયું કે મારી કે રિસેપ્શનિસ્ટની કંઈક ગેરસમજ થતી લાગે છે. મેં ફરી પાછા. તેની પાસે જઈને કહ્યું, “ત્યાં કોઈ રેસ્ટોરાં નથી.” મારી વાતથી તેને હસવું આવ્યું. તેણે મારી સાથે એક છોકરાને મોકલ્યો. નાઇટ રેસ્ટોરાં બતાવવા માટે જાપાની ભાષામાં તેને સૂચના આપી. એ છોકરો એ જ જગ્યાએ મને લઈ ગયો, જ્યાં હું બે વખત આંટો મારી આવ્યો હતો. એ ખાલી ખંડમાં ઑટોમૅટિક મશીન બતાવી એણે મને કહ્યું, “આ નાઇટ રેસ્ટોરાં છે.” મશીનમાં બિસ્કિટનાં પૅકેટો, કોકાકોલા, ઑરેન્જ, બીઅર વગેરેનાં ટિનના ડબ્બા ગોઠવેલા હતા. જે જોઈએ તેને માટેના કાણામાં તે પ્રમાણે યેન (જાપાની નાણું) નાખવાના. એટલે તે વસ્તુ બહાર આવે. મેં યેન નાખી બિસ્કિટ અને ઑરેન્જ લીધાં. ખાતાંખાતાં મનમાં હસતો હતો કે આવા સ્લૉટ મશીનને આ હોટેલવાળા નાઇટ રેસ્ટોરાં કહેતા હશે તે આપણને શી રીતે ખબર પડે ?
બીજે દિવસે સવારે ઓહ્નો મને સમયસર તેડવા આવી ગયા હતા. જાપાની પ્રખ્યાત ‘બુલેટ ટ્રેન'માં અમે હિરોશિમા જવા બેઠા. કલાકના ૧૨૦ માઈલની ઝડપે જતી આ ટ્રેન છે. આખી ટ્રેન ઍરકન્ડિશન્ડ અને પ્રેશરાઇઝ્ડ. બેઠકો સરસ, સગવડવાળી, આરામથી બેસી શકાય એવી. ટ્રેન કેટલી ઝડપથી ચાલે છે તે ડબ્બામાં રાખેલો કાંટો બતાવે. બેઠક પાસે સ્વચ્છ કાચની મોટી મોટી બારીઓ. ટ્રેન ચાલે અને વેગ પકડે ત્યારે પ્લૅટફૉર્મ પર ઊભેલા માણસો સ્પષ્ટ દેખાય નહિ. જાણે લિસોટા ઝડપથી પસાર થઈ જતા લાગે. પાસે કરતાં દૂરનું વધારે સ્પષ્ટ દેખાય.
પાંચેક કલાકમાં અમે હિરોશિમા પહોંચી ગયા. ત્યાં એક જાપાની પદ્ધતિની હોટેલમાં અમે ઊતર્યા. હોટેલમાં પલંગને બદલે જમીન પર ગાદલાં પાથરેલાં હતાં. નાહવા માટે બાથરૂમ, સંડાસ વગેરે જાપાની પદ્ધતિનાં, જમવાનું પણ નીચે બેસીને; બાજોઠ ઉપર પ્લેટમાં પીરસવામાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org