________________
ભારતીય વાઇકિંગ
મોસ્કોમાં ઓલિમ્પિક રમતો જોવા ગયેલા અને ભારતીય પ્રવાસીઓને મોસ્કો યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી ઘણા પ્રવાસીઓ ઓલિમ્પિક જોવા માટે આવ્યા હતા. એમાં ધ્યાન ખેંચે એવું એક જૂથ કેરાલાના પ્રવાસીઓનું હતું. હૉસ્ટેલમાં નીચે મેં ઇંગ્લિશમાં એમને પૂછ્યું, “ભારતમાંથી તમે કયા રાજ્યમાંથી આવો છો ?"
જવાબ મળ્યો, “નો ઇંગ્લિશ, નો હિન્દી.”
તેમને અંગ્રેજી કે હિન્દીમાં વાત કરવાની ઇચ્છા નથી કે તેમને અંગ્રેજી કે હિન્દી આવડતી નથી તે હું સમજી શક્યો નહિ. મેં મજાક કરતાં અંગ્રેજીમાં ફરી પૂછ્યું, “તો પછી તમે રશિયનમાં વાત કરો છો ?”
નો રશિયન, નો ઇંગ્લિશ, નો હિન્દી; ઓન્લી મલયાલમ.”
મને મલયાલમ ભાષા આવડતી ન હતી અને તેમને મલયાલમ સિવાય બીજી કોઈ ભાષા આવડતી ન હતી, એટલે અમારી વાત વધારે ચાલી નહિ. મોઢું મલકાવીને, નમસ્તે કરીને હું છૂટો પડ્યો.
દરમિયાન કેરાલાથી આવેલા એક વકીલને મેં પાંચ પ્રવાસીઓ વિશે પૂછ્યું. એમણે કહ્યું, “હા, એ પાંચેય કેરાલાના જ છે. ક્વિલોન પાસેના ગામડાના છે. જાતે ખેડૂત છે, અભણ છે, સહી કરવા સિવાય બીજું કશું લખતાં-વાંચતાં આવડતું નથી. કાજુની નિકાસમાં લાખો રૂપિયા કમાઈ ગયા છે, એટલે તેમને પુષ્કળ વિદેશી ચલણ સરકાર તરફથી મળે છે. ઇંગ્લિશ ભાષા તેમને નથી આવડતી એટલે તેઓ કોઈક ટૂરિસ્ટ કંપનીના પ્રવાસી જૂથની સાથે જોડાઈને દુનિયામાં બધે ફરતા હોય છે. ભાષાની મુશ્કેલીના કારણે તેઓ કોઈની સાથે ભળી શકતા નથી, પણ તેઓ પાંચેય સાથે હોય છે અને માંહોમાંહે મલયાલમમાં આખો વખત વાતો કરતા હોય છે, તેથી બીજાની કંપનીની તેમને બહુ ગરજ રહેતી નથી. તેઓ દેખાય છે સાદા ગામડિયા જેવા, પણ છે બહુ જબરા અને લુચ્ચા. કોઈ વાતની તેમને શરમ પણ નહિ. પાસે પૈસા છે એટલે બધું જ આવી ગયું એમ તેઓ માને છે. વિદેશમાં શૉપિંગ સિવાય બીજી કોઈ વાતમાં તેમને રસ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org