________________
૨૧૮
પાસપોર્ટની પાંખે પીને રસ્તામાં ફેંકવા માટે એક અમેરિકનને પચાસ ડૉલર દંડ થયો હતો.”
છ વર્ષ પછી મારે ફરી સિંગાપુર જવાનું થયું. શહેરનાં સુંદર સ્થળો જોવા માટેની ટૂરમાં મારા મિત્રો સાથે હું પણ જોડાયો. બસમાં અમારા ગાઈડ સિંગાપુરની સ્વચ્છતા વિશે ભારપૂર્વક કહ્યું અને દાખલો આપતાં જણાવ્યું “ગઈ કાલે ટાઇગર બામ ગાર્ડનમાં સિગારેટ પીને રસ્તામાં ગમે ત્યાં ફેંકવા માટે એક અમેરિકનને પંચોતેર ડૉલર દંડ થયો હતો.”
બીજે દિવસે બીજાં કેટલાંક સ્થળો જોવા માટેની અમે ટૂ લીધી. એમાં પણ એ ટૂરના ગાઈડે સ્વાગત કરીને સ્વચ્છતા વિશે સૂચના આપતાં કહ્યું, “ગઈ કાલે ટાઇગર બામ ગાર્ડનમાં એક અમેરિકનને રસ્તામાં સિગરેટ ફેંકવા માટે પંચોતેર ડૉલર દંડ થયો હતો.”
ગાઈડની આ વાત ફરીથી સાંભળીને મને નવાઈ લાગી. એક સ્થળે નીચે ઊતર્યા ત્યારે મેં ગાઇડને ખાનગીમાં પૂછ્યું, “ગઈ કાલે કોઈ અમેરિકનને ખરેખર દંડ થયો છે ? બે દિવસ પહેલાં પણ મેં આ વાત સાંભળી હતી અને છ વર્ષ પહેલાં પણ આ જ વાત સાંભળી હતી.”
અમારો ગાઇડ હસ્યો. કહે, “ગઈ કાલની તો ખબર નથી. અમને તો અમારી કંપનીએ જે કહ્યું છે તે અમે બોલીએ છીએ. પણ સ્વચ્છતા માટે અમારી સરકાર બહુ કડક છે, એ વાત સાચી છે.”
વાત સાચી હતી. બહારના અજાણ્યા માણસો દ્વારા સ્વચ્છતાનો ભંગ જલદી થાય એ સ્વાભાવિક છે. એટલા માટે પ્રવાસીઓને ભારપૂર્વક કહેવાનું સરકાર તરફથી ટૂરિસ્ટ કંપનીઓને જણાવ્યું હતું. પરંતુ ગાઈડો તો કંપનીએ ગોખાવેલું જ બોલે ને ! એટલે રોજ ટાઇગર બામ ગાર્ડનમાં અમેરિકનને થયેલી સજાનો કંપનીએ આપેલો કાલ્પનિક દાખલો ગાઇડો દ્વારા રજૂ થતો, કારણ કે બસમાં પ્રવાસીઓ તો રોજ નવા નવા જ આવતા હતા.
ગીચ વસતિવાળા ગંદા વિસ્તારો નાબૂદ કરતાં જઈને ત્યાં મધ્યમ વર્ગના કે ગરીબ લોકો માટે સારાં આધુનિક રહેઠાણો બાંધવાના અને શહેરની સ્વચ્છતા જાળવવાના કાર્યમાં સિંગાપુરે છેલ્લાં આઠ-દસ વર્ષમાં જે સિદ્ધિ મેળવી છે તે બહુ પ્રશસ્ય અને ઉદાહરણરૂપ છે. સમગ્ર એશિયામાં આ બાબતમાં તે હવે પ્રથમ નંબરે આવ્યું છે. સિંગાપુર એટલે એક જ શહેર જેટલું નાનું રાજય. આવા નાના રાજ્યને વહીવટી દૃષ્ટિએ કેટલીક સુવિધા હોય છે અને યોજનાઓ તરત અમલી બને છે.. કોઈ પણ શહેરને પ્રામાણિક અને કાર્યદક્ષ સત્તાધીશો મળે તો કેટલી ઝડપથી શહેરની કાયાપલટ કરી શકાય તેનું સચોટ ઉદાહરણ સિંગાપુરનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org