________________
બૉગોટાનો અનુભવ
૨૧૩
કાયદા પ્રમાણે ઍરકંપની આવું ભથ્થું આપવા બંધાયેલી છે તેના પર મેં વારંવાર ભાર મૂક્યો. એટલે તે નિયમ મુજબ પચાસ ડૉલર આપવા સંમત થયો.
પરંતુ તે પહેલાં અમારે કસ્ટમ્સમાંથી બહાર નીકળવાનું હતું, અને અમારો સામાન તપાસનાર કોઈ અધિકારી ત્યાં હાજર ન હતો. એ ન આવે ત્યાં સુધી દરવાજો ખૂલે નહીં અને અમે બહાર જઈ શકીએ નહીં. ઍરો પેરુનો ઑફિસ૨ કસ્ટમ્સના એક અધિકારીને કેટલીક વારે શોધી લાવ્યો. અમારો સામાન તપાસાયો, પરંતુ બહાર નીકળવામાં વાર લાગી, કારણ કે દરવાજાને તાળું મારીને ચાલ્યો ગયેલો ચોકીદાર જડતો ન હતો. કસ્ટમ્સ ઑફિસર ગયો અને થોડી વારે તેને શોધી લાવ્યો. દરવાજો ખૂલ્યો અને અમે બહાર નીકળ્યાં.
સામાન સાથે અમે ઍરો પેરુના ઑફિસર સાથે ઍરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં. અમારી બૅગ મળી નથી તે માટેનાં, તથા પચાસ ડૉલરનું ભથ્થું અમને આપવા માટેનાં કાગળિયાં તૈયાર કરવાનાં હતાં. કાઉન્ટર સામે લૉન્જમાં અમને બેસાડી ઑફિસર પોતાની ઑફિસમાં અંદર ગયો. વિમાનમાંથી ઊતર્યાને અઢી કલાક વીતી ગયા હતા અને કાગળિયાંનો આ વિધિ કરવામાં બીજો એક કલાક વીતી ગયો. રાત તો ક્યારની પડી ગઈ હતી.
અમે એ બધા કાગળો ઉપર સહી કરતાં હતાં ત્યાં એક માણસ દોડતો આવ્યો. તે બેગેજ સેક્શનમાંથી આવ્યો હતો. તેણે કહ્યું, “ઍરો પેરુની ફલાઇટની એક બૅગ સામાનમાં પડી રહી છે.” અમને થયું કે, કદાચ અમારી જ બૅગ હશે. અમે પૂછ્યું, “કેવા રંગની બેગ છે ?'
“લીલા રંગની.” તેણે કહ્યું અને પોતાના બે હાથ વડે તેની સાઇઝ
બતાવી.
“નક્કી એ અમારી જ બૅગ હોવી જોઈએ.” અમે ઍરો પેરુના ઑફિસરને કહ્યું. એને પણ એમ જ લાગ્યું. તેની તપાસ કરવા માટે અમારો કસ્ટમ્સમાંથી પસાર થયેલો સામાન ઍરો પેરુના કાઉન્ટરમાં અંદર મૂકી ઑફિસરની સાથે અમે બેગેજ સેક્શનમાં ગયાં. ત્યાં ઘણી બૅગો પડેલી હતી. ફરજ પર ઊભેલા માણસે જે બૅગ બતાવી તેને રંગ, સાઇઝ અને તાળા ઉપરથી અમે તરત ઓળખી લીધી. ઑફિસરે અમારા બેગેજ ટેગના નંબર સાથે તે મેળવી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org