________________
સાઓ પાઉલો અને સુઝાનો
૧૮૩ સુઝાનોનું કારખાનું જોઈ અમે પાછા ફર્યા. કસ્ટોડિયોએ એવા રસ્તેથી ગાડી લેવડાવી કે જેથી જાપાનીઓની વસતિવાળાં ગામો અમને જોવા મળે. એક પ્રજા જ્યારે પેટ માટે ભમે છે ત્યારે દેશ, ભાષા, ધર્મ, વર્ણ, સંસ્કાર વગેરેના ભેદ અને મમત્વ કેવી ઝડપથી ભુલાય છે અને ભૂંસાય છે તેની પ્રતીતિ આ ગરીબ અને સાધારણ સ્થિતિવાળા જાપાનીઓને જોતાં થઈ.
સાંજ પડવા આવી હતી. અમે હવે સાઓ પાઉલો તરફ પાછા ફર્યા. અમારી ગાડી સાઓ પાઉલોના ભરચક વિસ્તારમાં દાખલ થઈ. અનુક્રમે તે અમારી હિલ્ટન હોટેલ તરફ આવી પહોંચી. હોટેલ પાસે ગાડીઓની ગિરદી હતી. રસ્તાની બંને બાજુ ગાડીઓ પાર્ક કરેલી હતી. કેટલીક ગાડીઓમાં ભભકદાર વસ્ત્રોમાં સજ્જ થયેલી યુવતીઓ બેઠી હતી. કેટલીક યુવતીઓ ગાડીની બહાર ઊભી હતી. કેટલીક યુવતીઓ કોઈકની રાહ જોતી હોય તેમ સિગરેટ ફૂંકતી હતી. કેટલીક ચાર-પાંચના ટોળામાં, તો કેટલીક એકલદોકલ ઊભી હતી. મેં કસ્ટોડિયોને કહ્યું, “આજે હોટેલમાં મહિલાઓની કોઈ મોટી પાર્ટી કે પોગ્રામ લાગે છે. ઘણી ગાડીઓ આવી છે.”
કસ્ટોડિયોએ કહ્યું, “તમે સાઓ પાઉલો પહેલી વાર આવો છો એટલે તમને એમ લાગે. પોતાની ગાડી લઈને આવેલી આ બધી શ્રીમંત યુવતીઓ સામે બરાબર નજર કરશો તો જણાશે કે એ સારી ચાલની યુવતીઓ નથી. એ બધી ઘરાકની શોધમાં અહીં ઊભેલી છે. એમાંની ઘણી તો નવી નવી મોંઘી ફેશનના પોતાના શોખને પોષવા આવો ધંધો કરે છે. હિલ્ટન જેવી હોટેલમાંથી એમને એટલો મોંઘો ભાવ આપવાવાળા ઘરાકો મળી રહે છે. હિલ્ટનવાળાએ વારંવાર પોલીસમાં ફરિયાદ કરી છે, પરંતુ આ દૂષણ થોડોક વખત અટકે છે અને ફરી પાછું ચાલુ થઈ જાય છે. દુનિયામાં બધાં મોટાં શહેરોમાં મોટી હોટેલમાં લાગેલું આ દૂષણ દિવસે દિવસે વધતું જાય છે.”
કસ્ટોડિયોએ આપેલા આ વાસ્તવિક ચિતારથી ઘડીભર અમારું મન સુબ્ધ રહ્યું.
હોટેલ પાસે સવારે પેટ માટે રખડતા ગરીબ ખિસ્સાકાતરુ પુરુષો અને સાંજે શોખ ખાતર ભટકતી શ્રીમંત બજારુ સ્ત્રીઓ જોઈને અમે વિષાદયુક્ત ખિન્નતા અને ગ્લાનિ અનુભવી. પેટ અને પૈસા માણસની પાસે નીતિ અને ચારિત્ર્યની રેખા કેવી રીતે ઓળંગાવે છે તેનો વિચાર કરતાં કરતાં સંત પોલના નામ પરથી જેનું નામ પડ્યું છે એ સાઓ પાઉલો શહેરની હોટેલ હિલ્ટનમાં અમે દાખલ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org