SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પાસપોર્ટની પાંખે રસ્તામાં અમને બીજી પણ એક નવાઈ જોવા મળી. આ વિસ્તારમાં ચારે બાજુ સંતરાંનાં ઘણાં વૃક્ષો હતાં. એ વૃક્ષોની નીચે પુષ્કળ સંતરાં પડેલાં દેખાયાં. કસ્ટોડિયોએ કહ્યું, “બ્રાઝિલમાં દર વર્ષે હજારો ટન સંતરાં એમ ને એમ ઝાડ નીચે સડી જાય છે, કારણ કે સંતરાંનો પાક ઘણો બધો છે અને ભાવ એટલો નીચો રહે છે કે બહુ દૂરથી સંતરાં લાવવાનું સંતરાંના વેપારીઓને પોસાતું નથી. એટલે દૂરના પ્રદેશોમાં સંતરાંનો પાક બધો એળે જાય છે. ત્યાં એટલી માનવવસતિ પણ નથી કે તેનો મફત ઉપયોગ કરી શકે.” ચાલીસેક કિલોમીટર પછી રસ્તો નાનો અને ખરબચડો બની ગયો. બ્રાઝિલમાં અંગત માલિકીની ગાડીઓનો વ્યવહાર જેટલો શહેરોમાં છે તેટલો હાઈ-વે ઉપર નથી. એટલે મોટા હાઈ-વે બનાવવાનું કામ ધીરે ધીરે ચાલે છે. અમે સુઝાનો નામના એક ગામમાં આવી પહોંચ્યાં, અને ત્યાં આવેલા મિટુટોયો કંપનીના કારખાનામાં દાખલ થયાં. જાપાનની આ જાણીતી કંપનીએ પોતાનું કારખાનું સુકાનોમાં પણ નાખ્યું છે. કારખાનામાં પ્રવેશતાં એના જાપાની મેનેજર સસાકીએ અમારું સ્વાગત કર્યું. જાપાનની ઓચા (લીલી રંગની ચા) અમને અહીં પીવા મળી. સસાકીએ અમને કારખાનામાં ફેરવ્યાં. બ્રાઝિલમાં ગોરાં અને કાળાં બ્રાઝિલિયન સ્ત્રી-પુરુષો જોવા મળે એ તો સ્વાભાવિક છે, પરંતુ આ કારખાનામાં બ્રાઝિલિયન કરતાં વધુ સંખ્યામાં જાપાની મજૂરો અમને જોવા મળ્યા. મેં પૂછ્યું, “આ બધા મજૂરો જાપાનથી આવ્યા છે ?” કસ્ટોડિયોએ કહ્યું, “ના. અહીંના સ્થાનિક છે. તમને નવાઈ લાગશે કે આમાંના ઘણા જાપાની મજૂરોને જાપાની ભાષા નથી આવડતી. તેઓ પોર્ટુગીઝ ભાષા બોલે છે. બ્રાઝિલમાં ચારસો વર્ષથી જાપાની લોકોનો વસવાટ છે. જૂના સમયમાં વહાણો દ્વારા જાપાનથી સ્થળાંતર કરતાં કરતાં તેઓ અહીં આવીને વસ્યા છે. લાંબા વસવાટને કારણે તેમની ચામડી પણ હવે ઘેરી બની ગઈ છે. અહીં બ્રાઝિલમાં હજારો જાપાનીઓ આઠ-દસ પેઢીથી વસ્યા છે અને અહીંના નાગરિક બની ગયા છે.” જાપાનીઓ વિશેની આ વાત જાણી અમને આશ્ચર્ય થયું. વળી અમને જાણવા મળ્યું કે બ્રાઝિલના મોટા ભાગના જાપાનીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે અને ખેતી અથવા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બ્રાઝિલની પ્રજા કેવી ભાતીગળ છે તે અમને આ કારખાનામાં જોવા મળ્યું. અહીં કાળી, ગોરી તેમજ કાળા અને ગોરાની વર્ણસંકર પ્રજા છે તથા યુરોપિયન અને જાપાનીઓની વર્ણસંકર પ્રજા પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy