________________
કુરાસાઓ
કુરાસાઓ(Curacao - “કુરાસાઉ' પણ બોલાય છે)નું નામ દુનિયાની પોણા ભાગની વસતિએ તો સાંભળ્યું પણ નહિ હોય.
અમે પણ કુરાસાઓનું નામ પહેલી વાર સાંભળ્યું વેસ્ટ ઇન્ડિઝમાં ટ્રિનિદાદના મુખ્ય શહેર પૉર્ટ ઑફ સ્પેનની પાન-અમેરિકન એરલાઇન્સની કચેરીમાં. વેનેઝુએલાનો ટ્રાન્ઝિટ વીસા અમને ન મળ્યો એટલે અમારે કુરાસાઓ જઈને ત્યાંથી પનામાં જતું વિમાન પકડવું પડે એવા સંજોગો અચાનક ઊભા થયા હતા.
“કુરાસાઓ ક્યાં આવ્યું ?” પાન-અમેરિકનની યુવતીને મેં પૂછ્યું. એણે કેરિબિયન સૂમુદ્રનો નકશો કાઢી એમાં વેનેઝુએલાની ઉત્તરે એક ટપકું બતાવીને કહ્યું, “આ રહ્યું કુરાસાઓ. એ એક નાનકડો ટાપુ છે.”
ત્યાં વસાની જરૂર નથી ?”
ના. જ્યાં વીસાની જરૂર ન પડે એવા સ્થળની ફલાઈટ જ તમે હવે પકડી શકો એમ છે. અહીં નકશામાં જે પાંચ-છ ટપકાં આજુબાજુમાં દેખાય છે એ બધા ડચ ટાપુઓ છે. કુરાસાઓ, અરુબા, બોનેઇર, સાલા વગેરે. Netherland Antilles – ડચ દ્વીપસમુદ્ર – તરીકે ઓળખાય છે. તેમાં મુખ્ય ટાપુ કુરાસાઓ છે. ત્યાં વીસાની જરૂર નથી. ત્યાં કાયમ વસવાટ માટે કોઈ જાય તો ઊલટાની એની સરકાર રાજી થાય એમ છે. પણ એવા વેરાન ટાપુમાં જવા તૈયાર કોણ થાય ?”
“તમારી ભલામણથી અમે જવા તૈયાર થયા છીએ. સારું છે કે એક દિવસ માટે જ જવું છે. પણ ત્યાં ડર જેવું કંઈ નથી ને ?”
“ના, જરાય નહિ. વેસ્ટ ઇન્ડિઝના ઘણા ટાપુઓમાં મુખ્ય વસતિ કાળા હબસી લોકોની છે. તેઓ દેખાવે જરા બિહામણા લાગે, પણ બહુ ગરીબ અને ભલા હોય છે. ડર જેવું કંઈ નહિ.”
જેના વિશે કશી જ અમને ખબર નહોતી એવી એક અજાણી ધરતી ઉપર બીજે દિવસે, જો વિમાનમાં જગ્યા મળી જાય તો, અમારે જવાનું હતું અને ત્યાં કોઈક હોટેલમાં રાત રોકાવાનું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org