________________
સેટ પોલી ગમે તે ચર્ચા કરો, અમે તો નાઈટક્લબમાં જવાના એટલે જવાના.” સજોડે - આવેલા કેટલાક પુરુષોને જવાની ઈચ્છા હતી, પરંતુ તેઓ ઝટ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા નહોતા. કેટલીક મહિલાઓએ પોતાના પતિને કહી દીધું : “ખબરદાર છે, જો તમે નાઇટક્લબમાં ગયા તો !”
મેં મારા નિયમ અનુસાર મારો મત બધાંને સ્પષ્ટ જણાવી દીધો : “મને આ કાર્યક્રમમાં રસ નથી. હું તેમાં આવવાનો નથી, માટે તમારા ગ્રુપમાં મારું નામ નોંધશો નહિ.”
મદ્રાસથી આવેલી મહિલા ડોક્ટરે ઊંચા સ્વરે બધાને સંબોધીને કહ્યું, “પણ આ કાર્યક્રમમાં આપણે બધાંએ જવાની જરૂર શી છે ? આપણે બધાં મોટી ઉંમરનાં છીએ અને કેટલાકને તો છોકરાંને ઘરે છોકરાં છે. આપણે બધાંએ ભારતનું નામ બગાડવું છે ? આપણી ભારતીય સંસ્કૃતિનો તો જરા વિચાર કરો.”
બીજી એકલી આવેલી એક મહિલા શિક્ષિકાએ મને વિનંતી કરતાં કહ્યું, “ડૉ. શાહ, તમે પ્રોફેસર છો; તમે બધાંને સમજાવો ને કે આ કાર્યક્રમમાં આપણે કોઈએ જવાની જરૂર નથી.” પછી એણે પોતે જ બધાની સામે ફરીને મોટેથી કહ્યું, “આપણે બધાં અત્યારે જ નક્કી કરીએ કે કોઈએ નાઇટક્લબમાં જવાનું નથી. આપણે આપણા ભારતની અને આપણી સંસ્કૃતિની સારી છાપ પાડવા આવ્યાં છીએ કે ખરાબ ? અમારા જેવી એકલી આવેલી મહિલા નાઇટક્લબમાં આવે તો કેવી સ્થિતિ થાય એનો તો જરા વિચાર કરો.”
બીજી એક મહિલાએ એમાં સાદ પુરાવ્યો. પોતાના પતિ સાથે આવેલી કેટલીક મહિલાઓએ આ વાતને ઝીલી લીધી અને કોઈએ જવાનું નથી એવો પ્રબળ સૂર પ્રવર્તાવ્યો. સજોડે આવેલા પુરુષો તો બિચારા ચૂપ હતા. કેટલાકનો આગ્રહ હતો એટલે મેં પણ થોડાકને સમજાવ્યા અને મહિલાઓને મેં કહ્યું કે “તમે મક્કમ રહેશો તો આ બાબતમાં સફળ થશો.”
અમે ડાઇનિંગ હૉલમાં જમવા ગયાં. અમારા ટુર-કન્ડક્ટરે દરેક ટેબલ પર ફરીને બધાનો છેવટનો જવાબ માગી લીધો. પેલા છસાત એકલા આવેલા પુરુષો સિવાય બધાંની ના આવી. એ પુરુષોએ કહ્યું કે પોતે એકલા પોતાની મેળે કોઈ પણ નાઇટક્લબમાં ચાલ્યા જશે, માટે ગાઈડ યુવતીને ટેલિફોન કરીને જણાવવાની કોઈ જરૂર નથી.
જમીને અમે સૌ પોતપોતાની રૂમમાં ચાલ્યાં ગયાં. આખા દિવસના પ્રવાસનો થાક લાગ્યો હતો એટલે હું તો વહેલો ઊંઘી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org