________________
પાસપૉર્ટની પાંખે
ઇંગ્લૅન્ડમાં, અમેરિકામાં, જાપાનમાં અને બીજા ઘણા દેશોમાં ટૉયલેટના પૈસા જાહેર સ્થળોમાં લેવાતા નથી, પરંતુ યુરોપના ઘણાખરા દેશોમાં જાહેર સ્થળોમાં પણ પૈસા લેવાનું કેટલાક સમયથી શરૂ થયું છે. કોઈ કોઈ સ્થળે રેલવેસ્ટેશન, ઍરપૉર્ટ, રેસ્ટોરાં કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં પૈસા લેવાતા નથી. યુરોપમાં જીવનધોરણ ઘણું મોંઘું બનતું જાય છે અને નિભાવખર્ચ એટલો વધતો જાય છે કે કુદરતી હાજતને માટે લોકો પાસેથી પૈસા પડાવવાનું ત્યાંની પ્રજાને અને સરકારને સૂઝ્યું છે. તે માટેનો દર પણ ભારતની અપેક્ષાએ ઘણો ઊંચો લાગે. તેમાં પણ પ્રવાસ માટે વિદેશી ચલણ ઓછું હોય તો શૌચક્રિયા માટે આ ખર્ચ બિનજરૂરી લાગે અને ક્યાંક ફસાઈને પૈસા આપવા પડે તો તેનો અફસોસ પણ થાય.
૯૨
અમે યુરોપમાં પંદર દિવસ ફર્યાં, પરંતુ રોટરડામમાં પાઠ શીખ્યા પછી ચોકસાઈ કર્યા વિના ટૉયલેટમાં ન જવાની ટેવ પડી ગઈ. એટલું જ નહિ પણ એકસાથે બધાંએ ન જવું પણ પહેલી વ્યક્તિ પાછી આવ્યા પછી નક્કી થાય કે પૈસા પડાવવા માટે કોઈ યુક્તિ ગોઠવાઈ નથી તો તે પછી બીજાએ જવું એમ નક્કી કર્યું.
યુરોપમાં કેટલાંક જાહેર સ્થળોમાં ટૉયલેટના પૈસા ઉધરાવવા માટે માણસો નથી હોતા. જ્યાં માણસોનો પગાર પણ મોંઘો પડે તેવે સ્થળે ટૉયલેટના દરવાજા એવી રીતે બનાવવામાં આવ્યા હોય છે કે અંદર પૈસા નાખો તો જ તે દરવાજો ઊઘડે અને બહાર નીકળો ત્યારે સ્પ્રિંગ વડે દરવાજો પોતાની મેળે બંધ થઈ જાય. કેટલેક સ્થળે આવી વ્યવસ્થાનો પણ ત્યાંની જ પ્રજા ગેરલાભ ઉઠાવે છે. એક સ્થળે શાળાના વિદ્યાર્થીઓના એક પ્રવાસી જૂથના શિક્ષકે અમને કહ્યું, “અમે તો એક જ વખત ટૉયલેટમાં પૈસા નાખીએ. દરવાજો ખૂલ્યા પછી એ દરવાજો અમે બંધ થવા ન દઈએ. એક વિદ્યાર્થી એ પકડી ઊભો રહે. વારાફરતી બધા જ વિદ્યાર્થીઓ જઈ આવે. નાનાં છોકરાંઓને શરમ શી ?''
ટૉયલેટના પૈસા આપવા એ ત્યાંના સ્થાનિક લોકોને પણ ન ગમતી વાત છે એ ઘણે સ્થળે જોવા મળ્યું છે.
પશ્ચિમના દેશોમાં શૌચક્રિયા તો મોંઘી થતી જાય છે. પરંતુ કેટલાંક રેસ્ટોરાંમાં તપાસ કર્યા વિના પીવાનું પાણી મંગાવીએ તો પૈસા પણ બિલમાં લખાઈને આવે છે.
હવે હવાનો પણ વારો આવે તો નવાઈ નહિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org