________________
મોધી શૌચક્રિયા
હોલેન્ડમાં રોટરડામ શહેરમાં “યુરો માસ્ટ’ જોઈને અમે પાંચ જણ એક રેસ્ટોરાંમાં ચાપાણી માટે ગયાં. ઑર્ડર આપી અમે બેઠાં હતાં. થોડે દૂર ટોયલેટનું પાટિયું વંચાતું હતું. અમે સવારના પહેલાં નીકળ્યાં હતાં, એટલે ચાપાણી આવે ત્યાં સુધીમાં બાથરૂમ જવાનું કામ પતાવવા વિચાર્યું. અમે ગયાં. બાથરૂમમાંથી બહાર નીકળી અમે પાછાં ફરતાં હતાં ત્યાં વેઇટર જેવી એક યુવતી અમારી પાસે આવી પહોંચી. ટૉયલેટનો ઉપયોગ કરવાના એણે પૈસા માગ્યા. એક બૉર્ડ તરફ આંગળી કરી એણે ટૉયલેટનો ભાવ લખેલો અમને વંચાવ્યો. પૈસા આપવા પડ્યા. અમે જોયું કે ટૉયલેટમાં જતી વખતે એ બૉર્ડ દેખાતું નહોતું, પરંતુ પાછા ફરીએ ત્યારે તેના પર નજર પડતી હતી. બોર્ડ હેતુપૂર્વક એવી રીતે રાખવામાં આવ્યું છે અને ભાવ બીજે કરતાં વધારે રખાયો છે તેની ખાતરી થઈ. પૈસા મેળવવા માટે પણ કેવી યુક્તિ લડાવવામાં આવે છે તેનો પરિચય થયો.
મારા માટે આવો અનુભવ નવો ન હતો. એક વખત ફ્રેન્કફર્ટના એરપોર્ટ ઉપર “જેન્ટસનું પાટિયું વાંચી લઘુશંકા માટે હું દાખલ થયો. ટૉયલેટ માટે યુરોપમાં પૈસા આપવા પડે છે એની ખબર હતી, એટલે પૈસાની સૂચના ક્યાંય મૂકી નથી એની ખાતરી કરીને હું અંદર દાખલ થયો હતો. બહાર આવ્યો ત્યારે એક ખૂણામાં એક કદાવર બાઈ બેઠી હતી. એના ટેબલ ઉપર એક પાટિયું ઝીણા અક્ષરે લખેલું હતું. મને બહાર નીકળતો જોઈ તરત એણે મને તે પાટિયું વંચાવ્યું. તેમાં લખેલા દર પ્રમાણે બાથરૂમ જવાના પૈસા આપવા પડ્યા. પૈસા આપી હું હાથ ધોવા ગયો. હાથ ધોઈને જેવો આગળ વધું કે તરત એ બાઈએ ફરી મને અટકાવ્યો. હાથ ધોવાના જુદા પૈસા માગ્યા. ફરી એણે પોતાનું પાટિયું ઊંધું કરીને બીજી બાજુ લખેલું મને વિંચાવ્યું. તેમાં હાથ ધોવાનો ભાવ પણ લખેલો હતો. યુરોપમાં સામાન્ય રીતે એરપોર્ટ ઉપર, રેલવે સ્ટેશન કે રેસ્ટોરાંમાં ટૉયલેટના પૈસા લેવામાં આવતા નથી, પરંતુ કેટલાંક શહેરોમાં હવે ઍરપૉર્ટ ઉપર પૈસા લેવાનું શરૂ થયું છે. અલબત્ત, રેસ્ટોરાંમાં પણ ટૉયલેટના પૈસા લેવાય છે એવો અનુભવ રોટરડામમાં પહેલી વાર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org