________________
સાથળને જે વ્યાયામ મળે છે એથી એની ગ્રંથિઓ ઉપર સંયમ આવે છે, જે એના ચિત્તને સંયમમાં રાખવામાં સહાયભૂત બને છે. ભારતીય પરંપરામાં “સાધુ તો ચલતા ભલા” એમ જે કહેવાયું છે તે સર્વથા સાચું જ છે. ચાલવાને કારણે, એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરવાને કારણે સાધુ પુરુષોને કોઈ એક સ્થળ માટે કે તે સ્થળની વ્યક્તિઓ માટે રાગ કે દ્વેષનાં કોઈ બંધનો થતાં નથી અને થયાં હોય તો તે ગાઢ થતાં નથી. તેઓનું ચિત્ત તેવી બાબતોમાંથી તરત નિવૃત્ત થઈ જાય છે. ચાલવાના લાભમાં આ એક અત્યંત મહત્ત્વનું આધ્યાત્મિક કારણ તો ખરું જ, પરંતુ તે ઉપરાંત બ્રહ્મચર્યના પાલનમાં પણ તે ઉપકારક નીવડે છે એ પણ જેવો તેવો લાભ નથી. જૈન ધર્મમાં ભગવાન મહાવીરે સાધુઓના સતત વિહાર ઉપર ભાર મૂક્યો છે તેમાં આવી વ્યવહારુ દીર્ઘદૃષ્ટિ પણ રહેલી છે.
નજીક નજીકના કોઈ પણ બે ગામ વચ્ચે કેડી અવશ્ય કંડારાઈ જાય છે. વિવિધ હેતુ માટે નજીકનાં બે ગામના લોકો વચ્ચે આદાન-પ્રદાનનો વ્યવહાર હંમેશાં રહે જ છે. એવી અવરજવરથી નાની કેડી, મોટો રસ્તો કે ગાડાંના ચીલા વગેરે થઈ જાય છે. આમ એક ગામથી બીજા ગામ સુધી અને તે એ રીતે સળંગ અનેક ગામો સુધી આવા રસ્તાઓનું સાતત્ય રહેલું હોય છે. સૈકાએ પૂર્વે પણ સાધુ-સંન્યાસીઓ નદી, નાળાં, જંગલો અને ડુંગરો વટાવી ભારતની ચારધામની યાત્રા કરતા હતા. ક્યાંથી ક્યાં જવું, કયો રસ્તો ટૂંકો પડે, કયો રસ્તો વિકટ છે, કયે રસ્તે પાણી મળે, કયે રસ્તે વસ્તી અને મુસાફરોની અવરજવર મળે, ક્યો રસ્તો વાઘ-વરુ કે લૂટારુના ભયવાળો છે, ક્યો રસ્તો જંગલી લોકોના ડરવાળો છે એ બધું તેઓ જાણતા અને અજાણ્યા પ્રવાસીઓને યોગ્ય માર્ગદર્શન આપતા.
ચાલીને લાંબું અંતર કાપવામાં વાર લાગે છે એ સાચું, પરંતુ જેમને ચાલવું જ છે અને ચાલીને જ અંતર કાપવું છે એમને માટે કશું દૂર નથી. પ્રાચીન સમયમાં પગે ચાલીને પ્રવાસીઓ, યાત્રિકો ક્યાંના ક્યાં પહોંચી જતાં. ચીનથી નીકળેલા પ્રવાસી હ્યુ-એન-સંગ અને ફાહિયેન ભારત આવ્યા હતા. યુરોપમાંથી નીકળેલો પ્રસિદ્ધ પ્રવાસી માર્કોપોલો ચાલતો ચાલતો ચીન સુધી પહોંચ્યો હતો. બૌદ્ધ ભિખુઓ વિહાર કરતા કરતા ચીન-કોરિયા અને જાપાન સુધી પહોંચ્યા હતા. આજે પણ જૈન સાધુઓ પગે ચાલીને, વિહાર કરીને ભારતમાં બધે પહોંચી જાય છે. એક વખત ચાલવાનો નિર્ણય ચિત્તમાં અડગ થઈ જાય અને બીજા કોઈ વિકલ્પો ન ઊઠે તો બધું જ આયોજન ધારણા પ્રમાણે પાર પડે છે, કારણ કે ચાલનારને વાહન ઇત્યાદિની કોઈ પરાધીનતા રહેતી નથી.
ચરણ-ચલણનો મહિમા જ ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org