SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ પ્લાઝામાં જઈએ. પણ તે બહુ દૂર છે અને મોંઘી છે. ગામમાં ફરવું હોય તો આ હોટેલ જ બરાબર છે. આપણને એક નવો અનુભવ થશે. આપણે ક્યાં વધારે દિવસ રહેવું છે ? સવારે ઊઠીને તરત ફ્લાઈટ પકડવાની છે. રૂમમાં સામાન ગોઠવી અમે બેઠાં. હાથમોઢું ધોવા માટે બાથરૂમમાં સાબુ નહોતો. મારાં પત્નીએ ઘંટડી વગાડી નોકર પાસે સાબુ મગાવ્યો. કપડાં ધોતી એક બાઈ પાસેથી ધોવાનો ભીનો સાબુ લાવીને આપ્યો. મારાં પત્નીએ નારાજી બતાવીને એ પાછો આપ્યો. એટલામાં રિસેપ્શનિસ્ટ બાઈ આવી પહોંચી. એણે તરત નોક૨ને નહાવાનો નવો સાબુ આપવા સૂચના આપી. નવો સાબુ આવ્યો. બાઈની સૂચનાથી નોકરે છરી વડે એના બે ટુકડા કર્યા. એમાંથી એક ટુકડો અમને આપ્યો. બીજો ટુકડો પાછો લઈ જવામાં આવ્યો. એક દિવસના ઘરાક માટે અડધો સાબુ પણ એમને કદાચ વધારે લાગ્યો હશે. અમે બોલવા જતાં હતાં પણ મૂંગાં રહ્યાં. હોટેલના દર અને હોટેલની કરકસર જોતાં અમને લાગ્યું કે કુરાસાઓ મોંઘું હોવું જોઈએ. વાત સાચી હતી. અતિશય ફુગાવાને કા૨ણે વેસ્ટ ઈન્ડિઝના ઘણા દેશોમાં ભાવો બહુ ઊંચે ગયા હતા. સ્વસ્થ થઈ અમે ગામમાં ફરવા નીકળ્યાં. પગે ચાલીને બધે જઈ શકાય એટલું નાનું, વાહનોની ખાસ કશી અવરજવર વગરનું, તદ્દન સ્વચ્છ, આસપાસ સમુદ્રનાં ભૂરાં નિર્મલ જલ અને ખુલ્લા આકાશને કારણે રળિયામણું લાગે એવું આ સુશાંત ગામ હતું. ચોપાનિયામાં આપેલા નકશા પ્રમાણે અમે નાની નાની શેરીઓમાં ફર્યાં. તેમાં ગોરા લોકો થોડા અને કાળા લોકો વધુ એવી મિશ્ર વસતિ જણાતી હતી. અમેરિકન પ્રવાસીઓની વધેલી અવરજવરને કા૨ણે કોઈ કોઈ લોકો અંગ્રેજી થોડું સમજતા હતા. એક રેસ્ટોરાંમાં અમે કૉફી પીધી. ફરતાં ફરતાં ઢાળ ઊતરી અમે ખાડી પાસે આવી પહોંચ્યાં. વિશાળ ખુલ્લી જગ્યા હતી. સૂર્ય નમવા આવ્યો હતો એટલે તડકો સૌમ્ય બન્યો હતો. સમુદ્ર ઉપરથી વેગથી હવા વહેતી હતી. ખાડીના સામસામા કિનારે ગામ વસેલું છે. અમારી હોટેલ બાજુનો ભાગ ઓતરાબાંડા તરીકે અને સામેનો ભાગ પુંડા તરીકે ઓળખાય છે. ઓતરાબાંડા ટેકરાઓ પર વસેલું છે અને રહેઠાણ માટેનાં ઘરો ત્યાં વધુ છે. પુંડા સપાટ મેદાનમાં વસેલું છે અને ત્યાં સરકારી અને બીજી કચેરીઓ, દુકાનો, રેસ્ટોરાં વગેરે વધારે છે. ત્યાં પથ્થરની અને લાલ નળિયાંનાં છાપરાંવાળી બે કે ત્રણ માળની ઘણી ઈમારતો અડોઅડ હારબંધ, ખાડીના કિનારાને સમાંતર આવેલી છે. Jain Education International ૩૨૦ * પ્રવાસ-દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy