________________
૨૪ સ્વ. હીરાબહેન પાઠક
શ્રીમતી હીરાબહેન રામનારાયણ પાઠકનું ૧પમી સપ્ટેમ્બર ૧૯૯૫ના રોજ મુંબઈમાં કેન્સરની લાંબી બીમારી બાદ ૭૯ વર્ષની વયે અવસાન થયું. ગુજરાતી સાહિત્યજગતનાં એક તેજસ્વી નારીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. અંગત રીતે અમને એક સ્વજન ગુમાવ્યા જેટલું દુઃખ થયું. મારાં પત્ની અને હું હીરાબહેનને હંમેશાં “માતાજી' કહીને બોલાવતાં અને એમને એ ગમતું પણ ખરું. સાથે જ માતાતુલ્ય અપાર વાત્સલ્ય અમને એમની પાસે અનુભવવા મળતું. અમારા કુટુંબના એક સભ્ય જેવાં તેઓ બની રહ્યાં હતાં. અમારી પુત્રી ચિ. શૈલજા એક-બે વર્ષની હતી ત્યારથી અમે એમને ઘરે લઈ જતાં અને તેઓ એને “ઢોકળાં માસી’ કહીને બોલાવતાં, તે છેલ્લાં સાડત્રીસ વર્ષથી જ્યારે અમે મળીએ ત્યારે, ચિ. શૈલજાની ખબર પૂછતી વખતે “ઢોકળાં માસી શું કરે છે ?” એમ કહીને જ તેઓ વાત કરતાં. અમારો પુત્ર ચિ. અમિતાભ પણ એકાદ વર્ષનો હતો ત્યારે એમના ઘરે લઈ જતાં ત્યારે તેઓ એને ખોળામાં લઈ રમાડતાં. છેલ્લા દિવસોમાં અમે હીરાબહેનને હરકિશન હૉસ્પિટલમાં જોવા ગયેલાં અને તે દિવસે સદ્ભાગ્યે તેઓ ભાનમાં હતાં તેમજ બોલવાની સ્વસ્થતા અને તાકાત હતી ત્યારે એમણે “ઢોકળાં માસીની અને અમિતાભની ખબર પૂછેલી.
હીરાબહેન સાથેનો મારો પરિચય છેક ૧૯૪૯માં શરૂ થયેલો. ૧૯૪૯માં હું એમ.એ.નો અભ્યાસ કરતો હતો ત્યારે બળવંતરાય ઠાકોર અને રામનારાયણ પાઠકની નિમણૂક મુંબઈ યુનિવર્સિટીએ એમ. એ.ના માનાર્હ અધ્યાપક તરીકે કરેલી અને તેઓ બંને વિલસન કૉલેજમાં અમારા વર્ગ લેવા આવતા. ત્યારથી એ બે વડીલ સાહિત્યકારોને ઘરે જવા-આવવા જેટલો અંગત સંબંધ મારે થયેલો. પાઠકસાહેબ
૩૮૦ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org