________________
થયો છે તો મારે એ લોકો આગળ સાબિતી રજૂ કરવી છે કે આ અંક મને અંગત રીતે ભેટ તરીકે મળતો હતો. તો તમે તમારા “નવનીત સમર્પણ'ના લેટર પેડ ઉપર આવું સર્ટિફિકેટ મને લખી આપો.' આવા ક્ષુલ્લક આક્ષેપની વાત સાંભળીને ઘનશ્યામ દેસાઈને પણ બહુ આશ્ચર્ય થયું. આવા મૌખિક આક્ષેપોને ગણકારવાના ન હોય કે તેનો જવાબ આપવાનો ન હોય. પરંતુ ડૉ. સાંડેસરાને આવા આક્ષેપની માનસિક ચોટ લાગી ગઈ હતી. હું કંઈ ચોર નથી.” એવું તેઓ વારંવાર બોલતા હતા એ ઉપરથી પણ અમને લાગ્યું કે ડૉ. સાંડેસરાએ આવા આઘાતના કારણે માનસિક સ્વસ્થતા ગુમાવી દીધી છે. તેઓ ઘનશ્યામ દેસાઈનો હાથ પણ વારંવાર જોરથી દબાવીને ખૂબ ઊંચા અવાજે બોલતા. એમની વાતમાં અલ્પવિરામ આવતો નહિ અને અમે વચ્ચે કંઈ બોલીએ તો તે સાંભળતા પણ નહિ. આટલી વાત કરતાં કરતાં તો ભારતીય વિદ્યાભવનમાં ત્રણ કલાક વીતી ગયા અને છતાં ડૉ. સાંડેસરા શાંત થયા નહોતા. ઓફિસ બંધ કરવાનો વખત થયો એટલે ભારતીય વિદ્યાભવનમાંથી અમે નીચે ઊતર્યા. ડૉ. સાંડેસરા સામેની ગલીને છેડે ગંગાદાસ વાડીમાં પોતાના સગાને ત્યાં ઊતર્યા હતા. ડો. સાંડેસરા આગ્રહ કરીને અમને તેમની સાથે ત્યાં લઈ ગયા. તેઓ અમારો હાથ એવી રીતે પકડી રાખે કે ખસાય પણ નહિ. અમે એમની સાથે ઉપર ગયા અને ત્યાં બેઠા. ડૉ. સાંડેસરાનું બોલવાનું હજુ ચાલુ જ હતું. એમ કરતાં કરતાં તો રાતના અગિયાર વાગી ગયા. જેમતેમ કરીને અમે એમનાથી છૂટા પડ્યા. પણ નીચે ઊતરતાં મને અને ઘનશ્યામ દેસાઈને તરત જ લાગ્યું કે સાંડેસરાને એવો આઘાત લાગ્યો છે કે જેથી એમણે માનસિક સ્વસ્થતા ગુમાવી દીધી છે.
- ત્યાર પછી તો વડોદરાથી પણ ખબર પડી કે આ વાત સાચી છે અને એમના દીકરાએ એ માટે તરત જ દાક્તરી ઉપચાર ચાલુ કરી દીધા છે અને થોડા વખતમાં જ ડૉ. સાંડેસરા પહેલાં હતા તેવા સ્વસ્થ થઈ ગયા. એમના સાથી ડૉ. રણજિતભાઈ પટેલ – અનામીએ જણાવેલું કે અગાઉ પણ ડૉ. સાંડેસરાએ દસ દસ વર્ષના ગાળે એમ બે વખત માનસિક સમતુલા ગુમાવેલી, પણ તે થોડા દિવસથી વધારે ટકેલી નહિ. છેલ્લી અસ્વસ્થતા વધુ ચાલેલી અને એની ઘણાને ખબર પડેલી. પરંતુ તેમાંથી તેઓ સાજા થઈ ગયા અને ત્યાર પછી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ બન્યા હતા.
ડૉ. સાંડેસરાનું સ્મરણ થતાં શ્વેત કફની, ધોતિયું અને શ્વેત ટોપીવાળી વ્યક્તિનું જીવંત ચિત્ર નજર સામે તરવરે છે અને કેટલાયે પ્રસંગો સાંભરે છે. દિવંગત ડૉ. સાંડેસરાને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી છું.
(સાંપ્રત સહચિંતન - ૭)
ડૉ. ભોગીલાલ સાંડેસરા જ ૩૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org