________________
અથવા ભેટ નકલ મેળવવાની વૃત્તિ વિશેષપણે પ્રવર્તે એ દેખીતું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી કાગળના ભાવ તથા મુકણખર્ચ ઝડપથી વધતાં જાય છે. લેખકોને આપવાના પુરસ્કારની રકમ વધતી ચાલી છે. (સભાગ્યે પુરસ્કારની અપેક્ષા રાખ્યા વગર લખનાર લેખકોની સંખ્યા હજી ગુજરાતમાં ઠીક ઠીક છે.) અન્ય પક્ષે સાહિત્યિક સામયિકોનાં લવાજમો લોકોના ખિસ્સાને પોષાય એથી વધુ રાખવાનું પરવડે તેમ નથી. જાહેરખબરો પણ સારી લાગવગ વગર સહેલાઈથી મળતી નથી, કારણ કે સાહિત્યિક સામયિકોનો ફેલાવો દૈનિકો કે સાપ્તાહિકો જેટલો હોતો નથી. પરિણામે આર્થિક વ્યવસ્થાની સમસ્યા એ બધાં સામયિકોની એક મોટી સમસ્યા હોય છે, એ એની જીવાદોરી છે.એ ટકે ત્યાં સુધી સામયિક ટકી શકે.
માત્ર ગ્રાહકોનાં લવાજમ ઉપર આર્થિક દૃષ્ટિએ પગભર થવાનું કે કમાણી કરવાનું સામયિકો માટે સરળ નથી. દૈનિકો માટે જો એ અઘરું હોય તો સામયિકોની તો વાત જ શી કરવી ? સરખું લવાજમ હોય અને પાંચ-પંદર હજારની ગ્રાહકસંખ્યા હોય તો કોઈક સામયિક જાહેરખબર વગર કદાચ ટકી શકે તો ટકી શકે. પરંતુ તેમ બનવું પણ બહુ સરળ નથી. વાચકોને ઓછા લવાજમની ટેવ પાડી દેવામાં આવી છે એવી ફરિયાદમાં પણ કેટલું સત્ય છે તે પ્રશ્ન છે. વાસ્તવિક આર્થિક પરિસ્થિતનો અભ્યાસ કરવાથી એ વિશે સાચું તારણ કાઢી શકાય.
કેટલાંક સામયિકો પાસે આર્થિક વ્યવસ્થા સારી હોય છે, પણ તેમને લેખનસામગ્રીની ખેંચ દરેક અંકે પડે છે. એવાં સામયિકો પછી જૂનુંનવું છાપે રાખે છે. અન્ય સામયિકોમાંથી ઋણસ્વીકાર વિના ઉતારી લે છે. ક્યારેક તો, જેને ગુજરી ગયાને બે-ત્રણ દાયકા થઈ ગયા હોય એવા લેખકોની કૃતિઓ પણ જાણે નવી લખેલી હોય તેમ છાપે છે. લેખકના નામ આગળ “સ્વર્ગસ્થ' જેવો શબ્દ પણ હેતુપૂર્વક મુકાતો નથી કે જેથી અજાણ્યા વાચકોને ખબર પડી જાય કે આ જૂની કૃતિ છે. પરંતુ આવી રીતે જૂની મૂડી ઉપર વેપાર લાંબો સમય ચાલી શકતો નથી. જે સામયિક પ્રત્યેક અંકે નવી રસિક, ઉચ્ચ ગુણવત્તાવાળી મૌલિક સામગ્રી આપવાનો પુરુષાર્થ કરે છે, એ સામયિક આર્થિક ટેકો મોટો હોય તો સારું નભી શકે છે, વાચકોમાં સારું સ્થાન જમાવી શકે છે.
જે સામયિકો વિશિષ્ટ વર્ગને માટે વિદ્વતાપૂર્ણ, અઘરા પારિભાષિક લેખો છાપતાં હોય તેનો ફેલાવો બહોળો ન હોય તે સ્વાભાવિક છે. એવાં સામયિકો યુનિવર્સિટીઓ, સંશોધન-કેન્દ્રો કે અન્ય સંસ્થાઓ દ્વારા ચાલે તો જ નભી શકે. એવાં સામયિકો જન સામાન્ય સુધી પહોંચવાની અપેક્ષા રાખે અને પછી ન પહોંચે ત્યારે લોકોનો દોષ કાઢે તો તે યોગ્ય નથી.
૩૬૬ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org