________________
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતી દૈનિકોની વૈવિધ્યસભર સાપ્તાહિક પૂર્તિઓએ અને કેટલાંક સાપ્તાહિકોએ ગુજરાતના વાચકવર્ગમાં સારું જોર જમાવ્યું છે. ગામેગામના એજન્ટોનો આવા સાપ્તાહિકોના પ્રચારમાં મોટો ફાળો છે. એમાં તેઓ સારી કમાણી કરી શકે છે. દૈનિક સાપ્તાહિકને ઘેર ઘેર પહોંચાડનારું એક મોટું વ્યવસ્થાતંત્ર આમાં સારું કામ કરે છે. રેલવેના સ્ટોલ પણ આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
તત્કાલીન ઘટનાઓ ઉપર સારો પ્રકાશ પાડનારી શોધમૂલક સામગ્રી સહુ કોઈને વાંચવી ગમે છે. સરળ ભાષા, મનોરંજક શૈલી અને તાદશ, તસ્વીરોને કારણે લોકો, મન પર કશા બોજ વિના, એવું સાહિત્ય વાંચવા લલચાય છે. તત્કાલીન જીવનને સ્પર્શતી તાજી એવી સામગ્રી એમાં વધુ પીરસાય છે. આથી સાપ્તાહિકોના વધેલા પ્રચારની અસર અન્ય સામયિકો ઉપર પણ મોટી પડે છે. દૈનિકો, સાપ્તાહિક વધુ સારો પુરસ્કાર આપતાં હોવાને કારણે સારા, તેજસ્વી, સમર્થ લેખકો તેના તરફ ખેંચાય એ સ્વાભાવિક છે. પોતાના લેખો લખાયા પછી દૈનિક કે સાપ્તાહિકમાં છપાય એટલે તરત જ વિશાળ વાચકવર્ગ સુધી પહોંચી શકે એ એક મોટો લાભ લેખકને પક્ષે છે. લેખકોનો સારો સહકાર મેળવી કેટલાંક સાપ્તાહિકોએ પોતાની કક્ષા અને ગુણવત્તા ઘણી સુધારી દીધી છે. એમનું મુદ્રણકાર્ય પણ સુઘડ અને આકર્ષક બન્યું છે. સ્પર્ધામાં આર્થિક પીઠબળવાળાં, કમાણી કરનારાં આવાં સાપ્તાહિકો-માસિકો વગેરેને પાછળ પાડી દે એ સ્વાભાવિક છે.
કોઈ એક નવું સામયિક પ્રગટ કરવું એ બહુ અઘરી વાત નથી. પરંતુ દીર્ઘકાળ સુધી તેને ચલાવી રાખવું એ ઘણી અઘરી વાત છે. તંત્રી બનવાની મહેચ્છા સંતોષવા કેટલીક વ્યક્તિઓ અતિ ઉત્સાહમાં એકાદ નવું સામયિક શરૂ કરી દે છે, પરંતુ પછીથી તેને વધુ સમય ચલાવી શકતી નથી. આપણા દેશમાં સામયિકોની બાબતમાં બાળમરણનું પ્રમાણ જેટલું મોટું છે તેટલું અન્ય કોઈ દેશમાં ભાગ્યે જ હશે. આપણી ગુજરાતી ભાષામાં અત્યાર સુધીમાં પ્રગટ થયેલાં સામયિકોના સત્તાવાર આંકડા જો તપાસવામાં આવે તો કેટલાં બધાં સામયિકો પ્રગટ થયા પછી એક વર્ષમાં જ બંધ પડી ગયાં છે તેનો ખ્યાલ આવશે.
કૉલેજમાં હું ભણતો હતો ત્યારે મારા એક સાહિત્યરસિક કવિમિત્રને એક સામયિક કાઢવાની હોંશ થઈ. મારો અભિપ્રાય પૂછ્યો. કહ્યું, ‘આ કામ ધારીએ તેટલું સહેલું નથી. મહેનત કરીને થાકી જશો અને પૈસે ખુવાર થશો.’ તોપણ એમણે સામયિક પ્રગટ કર્યું. બે અંકની સામગ્રી તો હતી. ત્રીજા અંક માટે સામગ્રી મેળવવા મુંબઈના પ્રતિષ્ઠિત લેખકોના ઘરે ઘણા આંટા માર્યા, પરંતુ બહુ સફળતા મળી નહીં.
આપણાં સામયિકો ૩૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org