________________
તત્ત્વને પારખી શકે, પોતાનામાં ઉતારી શકે અને પોતાની સર્જનકૃતિ દ્વારા અભિવ્યક્ત કરી શકે તો માનવ માનવ વચ્ચેની એકતા સાધવામાં તેઓ નિમિત્ત બની ઘણો મૂલ્યવાન ફાળો આપી શકે.
કોઈ પણ સર્જક પોતાની સર્જનકૃતિનું નિર્માણ કરે છે ત્યારે તે પોતાની પ્રતિભા વડે, અનુભવ અને કલ્પનાનું એક સુંદર સંયોજન તૈયાર કરે છે. સર્જક એ પણ એક માનવ છે. રાતદિવસ તેને સંસારમાં વિવિધ અનુભવો થયા કરે છે. પોતાના કુટુંબના સભ્યો સાથેના વ્યવહારથી માંડીને, નોકરી કે ધંધાને કારણે એને અનેકવિધ અનુભવો થતા હોય છે, તેના ચિત્ત ઉપર અનેકવિધ સંસ્કારો પડતા હોય છે. સર્જક
જ્યારે સર્જન કરવા બેસે છે ત્યારે તે ભલે આશ્રય કલ્પનાનો લે, પરંતુ તેનો અનુભવ તેમાં પ્રવેશ્યા વગર રહી શકતો નથી. સર્જકનું જીવન જેટલું અનુભવસમૃદ્ધ અને સર્જકની કલ્પના જેટલી સતેજ તેટલે અંશે તેની સર્જનકૃતિ વિશાળ અને વૈવિધ્યભર્યા ફલકવાળી બનવાની. પોતાના અનુભવોનું કલ્પના વડે જ્યારે તે પોતાના ચિત્તમાં પુર્નસર્જન કરે છે ત્યારે તેમાં એક એવી પ્રક્રિયા થાય છે કે તે અનુભવો માત્ર સર્જકના પોતાના જ ન રહેતાં સૌના બની જાય છે. આથી જ કોઈ એક સર્જકે લખેલી કવિતા, વાર્તા કે નવલકથા બીજા વાચકો સુધી કોઈ પણ અંતરાય વગર પહોંચી શકે છે. સાચી સર્જનકૃતિની કસોટી એ છે કે કોઈ પણ અધિકારી ભાવક તેની સાથે આત્મીયતા સાધી શકે છે.
જગતમાં પ્રેમ અને કરુણા, દાન અને દયા, ઉદારતા અને ઉદાત્તતા, સમભાવ અને સહિષ્ણુતા વગેરે શુભ ભાવો અને ક્રોધ, ઈર્ષા, અહંકાર, ધૃણા, ક્રૂરતા, અસહિષ્ણુતા, સ્વાર્થ, લાલસા, દંભ વગેરે અશુભ ભાવો સાર્વભૌમ છે; સર્વત્ર તે અનુભવાય છે. પરિણામે એક દેશની પ્રજાના સાહિત્યને બીજા દેશની પ્રજા સહજ રીતે આસ્વાદી શકે છે. કલાકાર જ્યારે કલાકૃતિનું સર્જન કરે છે ત્યારે તેના ચિત્તમાં સાધારણીકરણનો એક એવો વ્યાપાર ચાલે છે કે જેને લીધે કલાકૃતિની અપીલ સાર્વભૌમ (Universal) બની રહે છે. આથી જ ઉત્તમ સાહિત્યકૃતિઓનો આસ્વાદ કરતી વખતે વાચકને તે પ્રદેશનું તેમાં પડેલું પ્રતિબિંબ અંતરાયરૂપ બનતું નથી. મૂળ કૃતિનું જેટલું સૌંદર્ય છે તે અનુવાદમાં ઊતરતું નથી એ સાચું, તોપણ ભાષાની મુશ્કેલીને કારણે કોઈ ઉત્તમ સાહિત્યકૃતિએ બીજા પ્રદેશમાં ગતિ કરી ન હોય એવું બન્યું નથી. જ્યાં સાહિત્યકૃતિ છે ત્યાં પોતાપણાનો ભાવ થાય છે. ઉત્તમ સાહિત્યકૃતિઓ સ્થળ અને કાળના પરિમાણને ભેદીને બહાર નીકળી જાય છે. રામાયણ અને મહાભારત જેવાં પ્રાચીનતમ મહાકાવ્યો, કાલિદાસ અને શેક્સપિયરનાં નાટકો વગેરે મહાન કૃતિઓ સરળતાથી આખી દુનિયામાં પહોંચી ગઈ છે.
સાહિત્ય-સંસ્કારસેતુ
૩૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org