________________
૧૮ ટૂંકી વાર્તા
ટૂંકી વાર્તા અથવા નવલિકાએ લોકોના હૃદયમાં તેમ જ સાહિત્યિક સ્વરૂપોમાં મહત્ત્વનું અને માનભર્યું સ્થાન મેળવી લીધું છે. ટૂંકી વાર્તા વધુ લોકપ્રિય બનતી ગઈ છે, એના સ્વરૂપમાં અવનવા પ્રયોગો થતા રહ્યા છે, અને એની કલા પણ ઉત્તરોત્તર વિકાસ સાધતી જ રહી છે. એ કલાસ્વરૂપે આપણને જગતની ઉત્તમોત્તમ કલાકૃતિઓ આપી છે.
વાર્તાનું તત્ત્વ જ એટલું સનાતન અને એટલું આકર્ષક છે કે માનવજાતિના આદિકાલથી જ એને જીવનમાં પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે. લોકજીવનનું યથાર્થ ચિત્ર આપણને વાર્તાઓમાં જ જોવા મળે છે. મનુષ્ય માત્રને જીવનના પ્રતિબિંબરૂપ વાર્તાઓમાં વધારેમાં વધારે રસ પડે એ સ્વાભાવિક છે. ઋષિમુનિઓએ પોતાનું જ્ઞાન વાત દ્વારા આપ્યું. ધર્માચાર્યોએ અને સમાજશાસ્ત્રીઓએ પોતાનું શાસ્ત્ર લોકવાર્તા દ્વારા જ સમજાવ્યું અને નિરુક્તકારોએ પણ વાતનો જ આશ્રય લીધો. પ્રજાજીવનને ઘડવામાં કથા, લઘુકથા, આખ્યાયિકા, ઉપકથા વગેરેએ ઘણો મોટો ફાળો આપ્યો છે. એટલે જ વાતને જીવનના પરમ રસાયન તરીકે ઓળખવામાં આવે છે.
હજારો વર્ષ પૂર્વેનો પ્રાકૃત વાર્તાકાર સંધ્યા સમયે પોતાની આસપાસ આતુર શ્રોતાજનોને દિવસ દરમિયાન પોતાને થયેલા વિલક્ષણ કે વિચિત્ર અનુભવો, કલ્પિત અંશ ઉમેરી, વાતરૂપે કહેતો ત્યાંથી શરૂ કરીને તે આજની કલાત્મક ટૂંકી વાર્તા સુધીનાં હજારો વર્ષ દરમિયાન વાર્તાના સ્વરૂપમાં જુદાં જુદાં પરિવર્તનો આવી ગયાં છે. મનુષ્યજાતિના સંસ્કારો જેમ બદલાતા ગયા તેમ વાર્તાકારની કલાપદ્ધતિઓ પણ બદલાતી ગઈ છે.
ટૂંકી વાર્તા ૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org