________________
કરુણપ્રશસ્તિ ઊર્મિજન્ય કાવ્યપ્રકાર હોવાથી એમાં ઊર્મિની ઉત્કટતા અને સચ્ચાઈની તથા એની કલાત્મક અભિવ્યક્તિની ખાસ અપેક્ષા રહે છે, કારણ કે એમાં જરા પણ લાગણીની મંદતા, કૃત્રિમતા કે ઊણપની ગંધ આવતાં જ આખાયે કાવ્યની અસરકારકતા મારી જાય છે. માટે જ ભૂતકાળની કોઈ મહાન વ્યક્તિ પર અત્યારે કરુણપ્રશસ્તિ લખવી એ અઘરી વાત છે, કારણ કે એમના મૃત્યુનો પ્રસંગ તાજો નહિ પણ ભૂતકાળનો હોવાથી શોકની પ્રબળ ઊર્મિ એ કદાચ જન્માવી ન શકે.
કરુણપ્રશસ્તિ ઊર્મિજન્ય કાવ્યપ્રકાર છે એ ખરું, પણ એમાં માત્ર ઊર્મિનું જ આલેખન બસ નથી. માત્ર શોકોર્મિમાંથી તો નાનકડા શોકગીત કે વિરહગીતનું સર્જન થઈ શકે, કરુણપ્રશસ્તિનું નહિ. કરુણપ્રશસ્તિ માટે ઊર્મિની સાથે બુદ્ધિના તત્ત્વની પણ એટલી જ આવશયકતા છે. એમાં મૃત્યુજન્ય શોકની સાથે તત્ત્વજ્ઞાન અને ચિંતન પણ આવે છે, એટલે કે એમાં ઊર્મિ અને બુદ્ધિનાં ઉત્તમ તત્ત્વોનો સુભગ સમન્વય સધાય છે. એમાં ઊર્મિનું તત્ત્વ કેટલું હોવું જોઈએ એ કહેવું અઘરું છે. કોઈ કાવ્યમાં ઊર્મિનું પ્રમાણ વધારે હોઈ શકે, કોઈમાં ઓછું. પણ એમાં આ બંને તત્ત્વો આવતાં હોવાને લીધે નાનકડા ઊર્મિગીત કરતાં તો અવશ્ય એનું કદ વધારે મોટું હોઈ શકે છે. માટે જ જો કવિ માત્ર પોતાની ઊર્મિનું કરુણરસભર્યું આલેખન કરી અટકી જાય તો તેવા કાવ્યને કરુણપ્રશસ્તિ કહેવા કરતાં એને વિરહકાવ્ય કે વિલાપકાવ્ય તરીકે ઓળખાવવું એ જ વધારે ઉચિત છે, એટલા માટે જ વઝવર્થના “લ્યુસી' કે લેન્ડોરના રોઝ' જેવાં તદ્દન નાનાં કાવ્યોને કરુણપ્રશસ્તિ તરીકે ઓળખાવતાં અંગ્રેજ વિવેચકો અચકાય છે. જે કાવ્યમાં પૂજ્યજન કે પ્રિયજનના મૃત્યુનો ઉલ્લેખ કરી વિશેષતઃ એના ગુણોની પ્રશંસા જ કવિ કરે છે અને જીવનમરણ વિશે કશું ચિંતન કરતો નથી એવા નાનકડા કાવ્યને કરુણપ્રશસ્તિ નહિ, પણ અંજલિકાવ્ય તરીકે જ ઓળખાવવામાં આવે એ વધારે ઉચિત છે.
કરુણપ્રશસ્તિ ઊર્મિકાવ્યોની એક પેટાજાતિ છે, પણ એનાં વિષય, સ્વરૂપ અને લક્ષણોને લીધે માત્ર વિરહશોકનાં ઊર્મિકાવ્યોમાં જ નહિ, એની આખી જાતિમાં આ કાવ્યપ્રકારને ઉત્તમ ગણવામાં આવ્યો છે.
૩ર૪ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org