SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે. અલબત્ત, યશ વધુ મળે કે અલ્પ, સ્વસ્થ અને સાચા આરાધક કવિઓ પોતાના ધ્યેય તરફ યોગ્ય દિશામાં જ ગતિ કરતા હોય છે. વળી, યશ માટે જ દુનિયાના તમામ કવિઓ પોતાની કવિતાનું સર્જન કરે છે એમ પણ ન કહી શકાય. સાધુ અને સંત કવિઓને આપણે આ વર્ગમાં મૂકી શકીએ. અલબત્ત, દુનિયા તેમને યશ આપે છે ખરી, પરંતુ એવો યશ મળે કે ન મળે એની તેઓ ભાગ્યે જ અપેક્ષા રાખતા હોય છે કે પરવા કરતા હોય છે. નરસિંહ મહેતા કે મીરાંબાઈ, જ્ઞાનેશ્વર કે તુકારામ, સુરદાસ કે કબીર, તુલસીદાસ કે નાનક વગેરે સંતોએ કાં તો નિજાનંદ મસ્ત રહી નિજને ખાતર જ કવિતા લખી, કે કોઈ તો પોતાની પ્રભુભક્તિ વ્યકત કરવા અને સંસારી લોકોને ધર્મોપદેશ આપવાના હેતુથી કવિતાનું સર્જન કર્યું. એટલે યશને એક મુખ્ય પ્રવર્તક પ્રયોજન તરીકે આપણે ન સ્વીકારી શકીએ. અલબત્ત, બીજા કેટલાંક પ્રયોજન કરતાં યશ એક મહત્ત્વનું પ્રયોજન છે ખરું. માત્ર અર્થપ્રાપ્તિના ઉદ્દેશથી કવિ કાવ્ય લખવા પ્રવૃત્ત થાય છે એમ આજે આપણે જો કોઈને કહીએ તો તે એ વાતને જરૂર હસી કાઢશે. ઊલટાનું, આજના જમાનામાં તો આપણે જોઈએ છીએ કે પોતાનાં કાવ્યો છપાવવા માટે કવિને ગાંઠના પૈસા ખર્ચવા પડતા હોય છે. તો પ્રશ્ન થશે કે અર્થપ્રાપ્તિને કાવ્યપ્રયોજનમાં સ્થાન કેવી રીતે અપાયું. મમ્મટે આ પ્રયોજનનો ઉલ્લેખ કર્યો ત્યારે એની નજર આગળ એનો પોતાનો જમાનો હતો. ધાવક (અથવા બાણ) વગેરે કવિઓને અર્થપ્રાપ્તિ થયેલી એમ એ નોંધે છે. જૂના જમાનામાં તો રાજદરબારોમાં રાજકવિઓનો હોદ્દો રહેતો. એ હોદ્દો મેળવનાર કવિને સારી અર્થપ્રાપ્તિ થતી. કાલિદાસ, ભવભૂતિ, બિલ્પણ, બાણ, પદ્મગુપ્ત વગેરે કવિઓને રાજ્ય તરફથી આશ્રય મળ્યો હતો. આજે પણ ઇંગ્લંડમાં રાજકવિની એવી પ્રથા ચાલુ જ છે. વળી એમ પણ કહેવાય છે કે પ્રાચીન કાળમાં એક સુંદર મુક્તક લખીને રાજાને પ્રસન્ન કરવાથી એક લાખ સુવર્ણમહોરની બક્ષિસ મળતી. રીતિકાળના કવિઓ આવી રીતે રાજ્યાશ્રય મેળવવાના હેતુથી ઘણી વાર કાવ્યરચના કરતા એ આપણે જાણી એ છીએ. ઘણીખરી વાર તો કાવ્યકૃતિની કદર તરીકે અર્થપ્રાપ્તિ થતી. સંસ્કૃત સાહિત્યમાં અમુક રાજાઓની માત્ર સ્તુતિ જ કરતાં ‘વિક્રમાંકદેવચરિત' અથવા નવસાહસકચરિત' જેવાં કાવ્યો ફક્ત ધનને ખાતર જ લખાયાં હશે એમ માનવામાં કશું જ ખોટું નથી. ફારસી કવિ ફિરદોસીએ પોતાનું “શાહનામા’ નામનું મહાકાવ્ય અર્થપ્રાપ્તિની આશાથી પ્રેરાઈને જ લખ્યું હતું એમ કહેવાય છે. એના એક એક શેર માટે એક એક કીમતી સિક્કો આપવાનું બાદશાહે વચન આપ્યું હતું. જોકે ૩૧૦ ક સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy