________________
આ વિવેચનગ્રંથની સમીક્ષા કરી છે. સંગ્રહમાં આ ઉપરાંત ધૂમકેતુની ઐતિહાસિક નવલકથા “આમ્રપાલી', રણછોડભાઈ ઉદયરામકૃત ‘નળદમયંતી નાટક', કવિ કલાપીએ લખવા ધારેલ પણ અધૂરું રહેલ “હમીરજી ગોહેલ', બોટાદકરનું ખંડકાવ્ય એભલવાળો વિશે પણ સંશોધનમૂલક અને આસ્વાદમૂલક લેખો મળે છે.
આ રીતે આ બીજો વિવેચનસંગ્રહ પણ અનેક દૃષ્ટિએ નોંધપાત્ર છે. બે વર્ષ પછી રમણલાલ ‘ક્રિતિકા' નામક ત્રીજો વિવેચનસંગ્રહ ૧૯૮૨માં પ્રગટ કરે છે. ‘ક્રિતિકા' શબ્દ જાણે સંસ્કૃત ભાષાનો હોય તેવો લાગે છે પરંતુ એ છે રશિયન ભાષાનો શબ્દ, વિવેચના કે વિવેચનલેખો માટે રશિયન શબ્દ છે ‘ક્રિતિકા', સ્પેનિશ ભાષામાં પણ એ અર્થમાં આ શબ્દ વપરાય છે. પ્રથમ વિવેચન સંગ્રહમાં દસ, દ્વિતીય સંગ્રહમાં બાર લેખો આપનાર રમણલાલ આ તૃતીય વિવેચનસંગ્રહમાં ચૌદ લેખો સંગૃહીત કરે છે. આ સંગ્રહમાં પ્રાચીન અને મધ્યકાલીન કવિલેખકો, કૃતિઓ અને પારિભાષિક વિષયો વિશેના અભ્યાસલેખો આપવામાં આવ્યા છે.
ક્રિતિકા'નો એક મહત્ત્વનો વિવેચનલેખ છે “નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય'. આ લેખ પરિચય પુસ્તિકા તરીકે પણ પ્રગટ થયો છે. મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી રમણલાલે આ લેખમાં નરસિંહ પૂર્વેના લગભગ અઢીસોત્રણસો વર્ષના ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. આ સમયગાળાની મહત્ત્વની કૃતિઓ અને સાહિત્યસ્વરૂપોનો પરિચય આ લેખમાં પ્રાપ્ત થાય છે. પ્રવાહી, પ્રાસાદિક શૈલીમાં લખાયેલા આ લેખ દ્વારા ગુજરાતી સાહિત્યના આરંભિક સ્તબકનો ખ્યાલ મળે છે.
સંગ્રહનો બીજો મહત્ત્વનો લેખ છે “દયારામનાં આખ્યાનો.' દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંતિમ તેજસ્વી કવિ છે. સામાન્ય રીતે દયારામનું નામ ગરબીના સાહિત્ય સ્વરૂપ સાથે સંકળાયું છે. દયારામ મધ્યકાળનો મોટા ગજાનો ઊર્મિકવિ છે એ વાત સાચી પણ દયારામે મધ્યકાળના સૌથી વધુ લોકપ્રિય અને સમૃદ્ધ એવા આખ્યાન સ્વરૂપમાં પણ પ્રદાન કર્યું છે એ વાત વીસરાઈ ગઈ છે. દયારામે એકાદ-બે નહિ પણ ડઝનેક આખ્યાનો લખ્યાં છે. તેથી દયારામની કવિ પ્રતિભાનો વિચાર કરીએ ત્યારે તેણે આખ્યાનસ્વરૂપમાં કરેલા ખેડાણને પણ લક્ષમાં લેવું પડે. સંશોધનની સહજ સૂઝ ધરાવતા ડો. રમણલાલે તેમના આ અભ્યાસ લેખમાં દયારામે આખ્યાનસ્વરૂપમાં કરેલા ખેડાણનો ખ્યાલ આપી તેને ઉચિત પરિપ્રેક્ષ્યમાં, મૂલ્યાંકનનાં ધોરણોને સહેજ પણ શિથિલ કર્યા સિવાય મૂલવ્યો છે. પોતાના અભ્યાસલેખનું સમાપન કરતાં તેમણે જે તારણ કાઢયું છે તે બિલકુલ યોગ્ય છે. તેમણે લખ્યું છે : “દયારામે સંખ્યાની દૃષ્ટિએ ઠીક ઠીક આખ્યાનકૃતિઓ લખી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org