________________
૧૨
ફાગુકાવ્યની વિકાસરેખા
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાસ, ફાગુ, બારમાસી વિવાહલો, સ્તવન, સઝાય, છંદ તથા આખ્યાન, પદ્યવાર્તા, પ્રબંધ, ગરબો, ગરબી, કાફી, પદ, છપ્પા, પ્રભાતિયાં, બત્રીસી, છત્રીસી, માતૃકા વગેરે વિવિધ કાવ્યપ્રકારો ખીલ્યા અને ખેડાયા. અનેક પ્રતિભાવંત સમર્થ કવિઓએ એમાં પોતાનો સર્જનફાળો આપ્યો છે. એ દૃષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માતબર અને સમૃદ્ધ છે. તત્કાલીન લોકજીવન અને ધર્મભાવનાને સમજવામાં તે ઘણું ઉપયોગી છે. કેટલીક ઐતિહાસિક માહિતી પૂરી પાડવાની દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ ઘણુંબધું છે.
આ બધા કાવ્યપ્રકારોમાં ફાગુકાવ્યનું સ્થાન અનોખું છે. રાસ, આખ્યાન, પ્રબંધ કે પદ્યવાર્તા જેટલું મોટું તેનું સ્થાન નથી, તો બીજી બાજુ એનું સ્થાન તદ્દન ગૌણ પણ નથી. કાવ્યગુણની દષ્ટિએ ફાગુના કાવ્યપ્રકારે સારી સિદ્ધિ દાખવી છે.
ગુજરાતી ફાગુના કાવ્યપ્રકારનો ઉદ્દભવ વિક્રમના ચૌદમા શતકના અંતભાગમાં અને પંદરમા શતકના પ્રારંભમાં થયેલો જોઈ શકાય છે. સોળમા અને સત્તરમા શતકમાં તો તે બહુ લોકપ્રિય કાવ્યપ્રકાર બની ગયો હતો. પરંતુ અઢારમા શતકના અંત ભાગમાં તો તે ખેડાતો બંધ થવા લાગ્યો હતો. આ કાવ્યપ્રકાર મુખ્યત્વે જૈન સાધુ કવિઓના હાથે ખેડાતો રહ્યો હતો. ફાગુના કાવ્યપ્રકારના સર્જનની શરૂઆત કદાચ એક ઋતુકાવ્ય તરીકે થઈ હશે, પરંતુ પછીના કાળમાં તો લોકોને, વિશેષતઃ યુવા વર્ગને અશ્લીલતામાં સરી પડતા અટકાવવા માટે, સંયમ તરફ વાળવા માટે, ખાનગીમાં ગવાતા અશ્લીલ ફાગની સામે શિષ્ટ ફાગુકાવ્ય આપવા માટે કેટલીયે કૃતિઓની રચના થઈ હતી. એ દૃષ્ટિએ તત્કાલીન યુગ-પરિબળોને સમજવામાં આ એક મોટું સાધન રહ્યું છે.
ગુકાવ્યની વિકાસરેખા
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org