________________
કલિના આ પ્રસંગ પાછળ રહેલું એક રહસ્ય પ્રેમાનંદે મૂક્યું છે. નળ અક્ષવિદ્યા મેળવે છે એટલે કલિ, જે ધૃતના પાસાનું પણ એક રૂપ છે તે, નળના શરીરમાં રહી શકે નહિ, કારણ કે નળે હવે પાસા – ‘અક્ષ' – ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. પાસા બેહેડાના વૃક્ષમાંથી બનતા એટલે કલિ તેમાં વાસ કરે એ સૂક્ષ્મ દૃષ્ટિએ ઉચિત ગણાય. પ્રેમાનંદે પણ કલિને બહેડાના વૃક્ષમાં રહેતો બતાવ્યો છે. પણ આ પ્રસંગનું બીજું એક રહસ્ય પ્રેમાનંદે મહાભારત પ્રમાણે બતાવ્યું નથી.
કલિ નળના શરીરમાંથી નીકળે છે ત્યારે નાગનું વિષ વમતોવમતો નીકળે છે. વળી, નાગ પણ નળને કરડે છે તે નળનું રૂપ બદલવા અને એ રીતે એના ઉપર પ્રત્યુપકાર કરવા તો ખરો જ, પણ તેની પાછળનું બીજું એક કારણ તે દમયંતીએ કલિને આપેલો શાપ પણ છે. આથી, નાગ નળને કરડે છે ત્યારે એની પીડા કલિને થાય છે. માટે જ કલિ જ્યારે બહાર નીકળે છે ત્યારે, મહાભારતમાં, એ કહે છે, “ઈન્દ્રસેનાની જનનીના શાપથી અને નાગના વિષથી હું રાત-દિવસ દાઝતો રહ્યો છું." મહાભારતનું આ રહસ્ય પ્રેમાનંદે જતું કર્યું છે.
દેવોને કલિ માર્ગમાં મળે છે ત્યાંથી તે આ પ્રસંગ સુધી, “નળાખ્યાન'માં કલિ એક મહત્ત્વનું પાત્ર બની જાય છે. મહાભારત કે ભાલણ, નાકર કરતાં પ્રેમાનંદે કલિની માયાના પ્રસંગો વધારે બતાવ્યા છે. મહાભારતમાં જે કેટલાક પ્રસંગો સ્વાભાવિક રીતે બનતા વર્ણવાયા છે એવા પ્રસંગોને પણ પ્રેમાનંદે કલિની માયા તરીકે વર્ણવ્યા છે. ક્યાંક એવા ચમત્કારો સપ્રયોજન અને ઉપયોગી થયા છે, તથા ક્યાંક પાત્રના વર્તનના ગૌરવને પહોંચેલી હાનિમાંથી એણે બચાવી પણ લીધા છે; તો બીજી બાજુ ક્યાંક એવા ચમત્કારો બિનજરૂરી, અસ્વાભાવિક અને રસને હાનિકર્તા પણ બન્યા છે.
૫૪થી ૫૮ કડવા સુધીમાં નળની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરતી દમયંતીના હૃદયના ભાવોનું, ઋતુપર્ણના આગમનનું અને બાહુક-નળની કરવામાં આવેલી વિવિધ પરીક્ષાઓનું કવિએ નિરૂપણ કર્યું છે.
ઋતુપર્ણ અને બાહુક ભીમકરાજાને ત્યાં આવી પહોંચે છે એ પ્રસંગે પણ કવિએ બાહક પાસે ગ્રામ્ય વર્તન કરાવ્યું છે. શ્રોતાઓનું મનોરંજન કરાવે એવા આ નિરૂપણમાં કવિ પ્રેમાનંદે ઔચિત્યભાન ગુમાવ્યું છે એમ કહેવું પડે. નળના દેહમાં કલિ હતો ત્યાં સુધી એવા વર્તન માટે કલિને જવાબદાર ગણીને, કવિનો બચાવ કંઈક કરી શકાય; પણ કલિ નીકળી ગયા પછી પણ, નળ પાસે આવું ગ્રામ્ય વર્તન કરાવવામાં, કવિએ ઔચિત્યદોષ વહોરી લીધો છે. એક રીતે કહીએ તો પ્રેમાનંદ સભારંજન માટે બાહુકના પાત્રનો વધારે પડતો લાભ ઉઠાવ્યો છે, અને તે પણ
પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org