________________
તેની પાછળ અંધ બની દોડી રહ્યો છે. તેમાં તે શું મેળવે છે તેની તેને જ ખબર નથી.
જેમ રેશમનો કોશેટો – કીડો પોતાના જ મુખમાંથી તાર વડે પોતાને જ બાંધે છે અને મૃત્યુને શરણ થાય છે, તેમ ભોગાભિમુખ માનવ પોતાના હિતાહિતનો વિચાર કર્યા વગર વિષયસુખમાં પોતાને પાપમાં ફસાવે છે. જેમ જેમ વિષયોને ઉત્તેજિત કરે તેવી સામગ્રી મળે છે તેમ તેમ જીવ વધુ આરંભ કરી તે પદાર્થો મેળવી તેમાં વિષયનું પોષણ કરી, હકીકતે પાપ સેવે છે, છતાં અજ્ઞાનવશ તેને જ સુખ માને છે.
જંગલમાં શિકારીના પ્રવેશથી ભયભીત સસલું દોડીને મુખ ફાડીને બેઠેલા અજગરના મુખમાં પ્રવેશ કરે છે તેમ સંસારી જીવ ઇન્દ્રિય-વિષયના સુખ માટે વિષયરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. પરિણામે સ્વરૂપના સુખને ભૂલી ભ્રાંતિજનિત સુખમાં પ્રવેશ કરી અધોગતિ પામે છે.
જે સંસારથી વિરક્ત છે, તેની દૃષ્ટિ ભોગ તરફ નથી ત્યાગ માટે છે. તે આત્મા જ્ઞાનદૃષ્ટિ વડે વિષયને દુઃખરૂપ માને છે. તેને સંસારનાં સાધનોમાંથી રૂચિ ઊઠી જાય છે. ભોગ પ્રત્યે ઉદાસીન બને છે. અંતરસ્થિતિ એવી થાય કે તેને સંસારમાં ક્યાંય રુચે નહિ. પૂર્વજન્મનું સ્મરણ થતાં તે સમયે ભોગવેલાં દુઃખોથી મૂંઝાઈ જાય છે. તેથી અંદરથી છૂટવાનો ભણકાર વાગે છે.
એવા ત્યાગી જનોને સંસારમાં રહેલા હોય ત્યારે જાણે વિકરાળ સિંહરૂપી કાળ પાછળ પડ્યો હોય, હમણાં લીધો કે લેશે તેમ જાણીને વિષયથી વિરક્ત થાય છે.
જ્ઞાની જનો તનને મહાન કાર્ય કરવાનું સાધન માને છે તેથી આ સમસ્ત સંસાર એક ઇન્દ્રજાળ જેવો લાગે છે. યૌવનવય તો આંખના પલકારામાં વીતી જાય છે. વૃદ્ધાવસ્થાનાં દુઃખ જીવની નજરે પડવા છતાં તે પોતે પોતાની જાતને તેનાથી બાકાત માને છે. પરંતુ તે કંઈ કર્મથી બાકાત થઈ શકે તેમ નથી.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org