________________
સંયમવીર સ્થૂલિભદ્ર - ૨૩ મહામંત્રી શકટાલની પૌરૂષીય ઊંચાઈ, શારીરિક બાંધો સૌષ્ઠવપૂર્ણ અને કસાયેલો, પોતે પ્રતિભાસંપન્ન અને પરાક્રમી હતા. ધર્મ અને કર્તવ્યપરાયણ હતા ધીર ગંભીર છતાં દાક્ષિણ્યતાને વરેલા હતા. મગધેશ્વર પ્રત્યે તેમની એકેશ્વરી ભક્તિ હતી. જોકે મગધ સામ્રાજ્યમાં તેમની યશકીર્તિ અને વર્ચસ્વ ખૂબ વ્યાપક હતાં. જેવું મગધેશ્વરનું પ્રજાના હૃદયમાં સ્થાન હતું તેવું મહામંત્રીનું હતું.
મગધ સામ્રાજ્યની આણમાં આવેલા રાજકુલો મગધેશ્વરની જેમ જ મહામંત્રીની આણને માન આપતા. પાટલીપુત્રનાં આબાલવૃદ્ધો સૌ તેમને અતિ માન, આદર આપતા. શત્રુઓ મહામંત્રીની વિચક્ષણતા અને સામર્થ્ય સામે માથું નમાવતા. અરે! નગરના કોટકાંગરા પણ તેમને આધીન હોય તેવું લાગતું. આમ તેમનું જીવન ગૌરવશાળી હતું.
મગધેશ્વર આ હકીકત જાણતા હતા, અને મહામંત્રીની એકેશ્વરી ભક્તિ તથા તેમના આગવા સામર્થ્યને આવકારતા. મહામંત્રીના શબ્દને માન્ય કરતા. તેઓ જાણતા હતા આ સામ્રાજ્યનો વિસ્તાર વૈભવ અરે ! સામ્રાજ્યનો સુવર્ણકોષ પણ મહામંત્રીને આભારી છે. મહામંત્રી ન્યાય પરાયણ અને સત્ત્વશીલ હોવાથી રાજ્યમાં કે પ્રજામાં તાપ સંતાપ ન હતા. મગધેશ્વર જાણતા હતા કે મહામંત્રી નથી તો આ સામ્રાજ્યનું ઐશ્વર્ય નથી. પોતાની ચક્રવર્તી જેવી, રિદ્ધિ પણ મહામંત્રીને આભારી છે. મગધનું સામ્રાજ્ય અને મહામંત્રી એકત્વ ધરાવતા હતા. પાટલીપુત્ર અદ્દભુત નગરી તરીકે પ્રસિદ્ધ હતી. મહામંત્રી ખરેખર અદ્વિતિય હતા. તેમના કારણે પ્રજા સુખી અને સમૃદ્ધ હતી.
તેઓને મોટી મહત્ત્વાકાંક્ષા એ હતી કે કુળપરંપરાના મહામંત્રીપદના ગૌરવને સ્થૂલિભદ્ર દીપાવે તેવો પરાક્રમી અને ગુણસંપન્ન છે. આથી તેમણે તેને શાસ્ત્રવિદ્યા સાથે શસ્ત્રકળામાં નિપુણતા પ્રાપ્ત કરે તેવું શિક્ષણ આપ્યું હતું. સ્થૂલિભદ્રની એકાંતપ્રિયતા અને સંસાર પ્રત્યે ઉદાસીનતાથી તેઓ ચિંત હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org