________________
૪૨
પ્રભાવક સ્થવિરો
દીપચંદભાઇનું આખું કુટુંબ ધર્માનુરાગી હતું. દુર્ભાગ્યે દીપચંદભાઇનું નાની ઉંમરમાં અવસાન થયું. ત્યારપછી માતા ઈચ્છાબાઇનું પણ અવસાન થયું. તે વખતે પુત્ર છગનલાલની ઉમર દસેક વર્ષની હતી. માતા જ્યારે મરણપથારીએ હતી ત્યારે તેણે બાળક છગનલાલને અરિહંત ભગવાનનું શરણ લેવાની અને લોકોનું ભલું કરવાની શિખામણ આપી હતી.
બાળક છગનલાલે શાળામાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એ દિવસોમાં ઘણાખરા વિદ્યાર્થીઓ સાત ધોરણ સુધીનો અભ્યાસ કરતા. અંગ્રેજી કેળવણી લેવા હાઇસ્કૂલમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ જતા. બાળક છગનલાલને વડીલ ભાઈઓ હતા, એટલે ખાવાપીવાની કોઈ ચિંતા ન હતી. પરંતુ વેપારમાં કે નોકરીમાં તેમનું મન લાગતું ન હતું. દેરાસર અને ઉપાશ્રયમાં તેઓ નિયમિત જતા અને સાધુમહાત્માઓની વૈયાવચ્ચ કરતા.
વિ. સં. ૧૯૪૨માં શ્રી આત્મારામજી મહારાજ (શ્રી વિજયાનંદસૂરિ) વડોદરા પધાર્યા હતા. પંદર વરસના કિશોર છગનલાલે આત્મારામજી મહારાજનાં વ્યાખ્યાનો સાંભળ્યાં. એમનો ઉપદેશ એ કિશોરના અંતરને સ્પર્શી ગયો. ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો જાગ્રત થયા. એક દિવસ વ્યાખ્યાન પૂરું થયા પછી પણ છગનલાલ ત્યાં બેસી જ રહ્યા. મહારાજે પૂછયું, “ભાઈ, તું હજુ કેમ બેસી રહ્યો છે ? તારે શું જોઈએ છે ?' મહારાજે ધાર્યું હતું કે આ કોઈ ગરીબ વિદ્યાર્થીને પૈસાની જરૂર હશે. કિશોર છગનલાલ કંઈ જવાબ ન આપતાં રુદન કરવા લાગ્યા. એને શાંત અને સ્વસ્થ કરી મહારાજશ્રીએ તેનું કારણ પૂછ્યું ત્યારે કિશોર છગનલાલે કહ્યું કે પોતાની ઈચ્છા મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની છે. મહારાજશ્રીએ સાંત્વન આપ્યું અને કહ્યું કે વડીલોની અનુમતિ મળે એટલે એને જરૂર દીક્ષા આપવામાં આવશે.
એ તેજસ્વી કિશોર જો દીક્ષા લેશે તો જરૂર શાસનનું ઘણું મોટું કાર્ય કરશે એવી ખાતરી આત્મારામજી મહારાજને એ કિશોરની મુખમુદ્રા જોતાં જ ત્યારે થઈ ગઈ હતી.
આત્મારામજી મહારાજે એક મહિનો વડોદરામાં સ્થિરતા કરી. ત્યારપછી ત્યાંથી તેઓ છાણી પધાર્યા. કિશોર છગનલાલ ત્યાં પણ મહારાજશ્રી પાસે વારંવાર આવતા. મહારાજશ્રી પોતાના પ્રશિષ્ય મુનિ હર્ષવિજયજીને કિશોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org