________________
૧૮૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
કલમ ચલાવીને તેમાં જ્ઞાનમાર્ગનો સુયોગ કર્યો છે. ભક્તિ એટલે ઇષ્ટદેવ સાથે સીધો સંબંધ. ભક્ત અને ભગવાન સાથે ગુણગાન દ્વારા સાતત્ય સાધી શકાય છે. આત્મદર્શનની દીર્ઘકાલીન તિતિક્ષા તેના દ્વારા પૂર્ણ થાય છે. સ્તુતિ, સ્તવન, ગહુંલી વગેરે કાવ્ય પ્રકારો ભક્તિવિષયક છે. પૂજાસાહિત્ય પણ તેની સમાન કક્ષાએ સ્થાન ધરાવે છે.
પૂજા વિશેના શાસ્ત્રીય આધારની માહિતી નીચે પ્રમાણે છે. ઉવવાઈસૂત્ર, ભગવતી, સમવાયાંગ, જ્ઞાતાસૂત્ર, જીવાભિગમ, જંબુદ્રીપ, પ્રજ્ઞપ્તિ જેવા આગમગ્રંથોમાં દેવો અને મનુષ્યોએ પ્રભુ પૂજા ભક્તિ કરીને જીવન સફળ કર્યું છે તેવા સંદર્ભો મળે છે. અંબડ પરિવ્રાજકે ૭૦૦ શિષ્યોના પરિવાર સાથે નિશ્ચય કર્યો હતો કે વીતરાગ સિવાય અન્ય કોઈની પૂજા ભક્તિ કરવી નહિં. ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના દશ શ્રાવકોની મહાવીર સ્વામી પ્રત્યેની ભક્તિનો ઉલ્લેખ થયેલો છે.
દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારનો સમન્વય સાધતું પૂજા સાહિત્ય ભક્તિમાર્ગમાં નવો રાહ ચીંધે છે. સત્તરમાં શતકમાં ભક્તિમાર્ગનો વિશેષ પ્રચાર થયો. ભક્તિની અસરથી આ શતકમાં પૂજાસાહિત્ય ઉદ્ભવ્યું. ખરતરગચ્છના સાધુ કીર્તિકવિએ સં. ૧૬૧૮માં અને તે જ સમય દરમ્યાન સકલચંદ્ર ઉપાધ્યાયે સત્તર ભેદી પૂજાની રચના કરી હતી. મંદિરમાં પ્રભુની પૂજા કરવાના સત્તર પ્રકાર, અષ્ટ પ્રકાર, એકવીશ પ્રકાર, ચોસઠ પ્રકાર અને નવ્વાણું પ્રકાર વગેરે પૂજાઓ ક્રમશઃ રચાઈ છે. પૂજા માટે સ્તુતિ, દુહા અને ગીતો પણ મોટી સંખ્યામાં રચાયાં છે. પ્રભુના જન્માભિષેકની ઉજવણીના આધારે ‘સ્નાત્ર પૂજા' રચાઈ અને પાંચ કલ્યાણકના સંદર્ભથી પંચકલ્યાણક પૂજાઓ રચાઈ છે. પ્રભુનાં પાંચ કલ્યાણકોમાં જન્મકલ્યાણક વિશેષ મહત્વનું ગણાય છે. તે દૃષ્ટિએ સ્નાત્રપૂજા વધુ લોકપ્રિય બની છે. તમામ ધાર્મિક પર્વો અને મહોત્સવોની ઉજવણી તથા વ્યવહારજીવનમાં મંગલરૂપે સ્નાત્રપૂજા જીવનમાં અંગરૂપ બની છે. કેટલાક કવિઓએ આવા. સંદર્ભથી પૂજાઓ રચીને તેના વિકાસમાં યોગદાન કર્યું છે. આ સાહિત્ય દ્વારા ભક્તિમાર્ગની ક્ષિતિજોના વિશ્વસ્તરીય વિસ્તાર થયો છે.
સ્નાત્રપૂજા, પ્રભુના જન્માભિષેકનું વર્ણન ક૨તી નાટ્યાત્મક અંશો ધરાવતી ભક્તિમાર્ગની કાવ્યકૃતિ છે. કવિ દેવપાલ, દેવચંદ્રજી, માણિક્ય સુંદરસૂરિ, પંડિત વીરવિજયજી, આ. બુદ્ધિસાગરસૂરિ, આ લબ્ધિસૂરિ, કવિ આત્મારામજી વગેરેની સ્નાત્રપૂજા રચનાઓ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં પંડિત વીરવિજયજીની સ્નાત્રપૂજા વધુ લોકપ્રિય છે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાં દેવચંદ્રજીની સ્નાત્રપૂજા વધુ પ્રચલિત છે. તેમાં પ્રભુનો જન્માભિષેક દેવોએ ઉજવ્યો હતો તેનું અનુસરણ કરીને મૃત્યુલોકના માનવીઓ સ્નાત્રપૂજા દ્વારા જન્મોત્સવ ઉજવે છે. જિનમંદિરમાં સિંહાસનની અંદર પ્રભુની મૂર્તિની સ્થાપના કરીને મહોત્સવ ઉજવાય છે. તેની શૈલી પ્રસંગ વર્ણન દ્વારા ચિત્રાત્મક છે. વૃત્ત વૈવિધ્યથી વિશિષ્ટ કર્ણપ્રિય ધ્વનિનું શ્રવણ ભક્તિમાં એકાગ્ર કરે છે. દેવપાલ અને દેવચંદ્રજીની સ્નાત્રપૂજામાં પ્રાકૃત અને અપભ્રંશ શબ્દ પ્રયોગો વિશેષ છે. આત્મારામજીની રચનામાં સંગીતના સૂરોની લિજ્જત માણીને ભક્તિમાં તલ્લીન થવાય છે. શાસ્ત્રીય રાગના પ્રયોગથી એમની કૃતિ ભક્તિરસને સાર્થક કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org