________________
૨૪ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (૪) વિમલબુદ્ધિ- કર્મક્ષય થવાથી જેની બુદ્ધિ નિર્મલ (=આત્મકલ્યાણના જ ધ્યેયવાળી) હોય, (૫) સંસારની અસારતાને જાણનાર- નિર્મલબુદ્ધિ હોવાથી જ, સંસારરૂપ સમુદ્રમાં મનુષ્યભવ દુર્લભ છે, જન્મ એ મરણનું કારણ છે, સંપત્તિઓ ચપલ-અનિત્ય છે, [૩૩] વિષયો (= વિષયસુખો) દુઃખનું કારણ છે, જેનો સંયોગ થાય તેનો અવશ્ય વિયોગ થાય છે, અર્થાત્ સંયોગ વિયોગનું કારણ છે, પ્રતિસમય આયુષ્ય ઘટવા રૂપ મૃત્યુ થયા કરે છે, પરભવમાં કર્મોનો વિપાક (ફલ) અત્યંત ભયંકર આવે છે. [૩૪] આ રીતે સ્વાભાવિકપણે જ જેણે સંસારનો અસારતા રૂપ સ્વભાવ જાણ્યો હોય, (અર્થાત્ નિર્મલબુદ્ધિ હોવાથી ઉક્ત રીતે સંસાર અસાર છે એમ જેના ચિત્તમાં સમજાઈ ગયું હોય, કારણ કે જેના ચિત્તમાં સંસારની આવી અસારતા ન સમજાણી હોય તેની વિષયતૃષ્ણા અટકતી નથી.)
(૬) સંસારથી વિરક્ત- સંસારની અસારતા જાણવાથી જ જે સંસારથી વિરક્ત હોય, (કારણ કે જે વિરક્ત ન બન્યો હોય તેને મધુબિંદુના સ્વાદમાં આસક્ત પુરુષની જેમ સંસારના સુખો દુષ્યાજ્ય બને.)
(૭) પ્રતનુકષાય- જેના કષાયો અત્યંત મંદ હોય,
(૮) અલ્પહાસ્ય- જેનામાં હાસ્ય અલ્પ હોય, હાસ્યના ઉપલક્ષણથી રતિ આદિ નોકષાયોના વિકારો જેનામાં અલ્પ હોય, (કારણ કે બહુ હાસ્ય વગેરે અનર્થદંડ રૂપ છે, અને ગૃહસ્થોને પણ તેનો નિષેધ છે.) [૩૫]
(૯) સુકૃતજ્ઞ- પોતાના ઉપર બીજાઓએ કરેલા ઉપકારને જાણનારો હોય, (અર્થાત્ બીજાઓએ પોતાના ઉપર કરેલા ઉપકારને યાદ રાખીને ઉપકારનો બદલો વાળવાની ભાવનાવાળો હોય, કારણ કે જે ઉપકારીઓના ઉપકારને સમજતો નથી=યાદ રાખતો નથી તે સામાન્ય લોકમાં પણ અતિ અધમ મનાય છે.)
(૧૦) વિનીત- જે માતા-પિતા આદિ વડિલોનો વિનય કરતો હોય, (કારણ કે વિનય ધર્મનું મૂળ છે.) (૧૧) રાજાદિનો અવિરોધી- રાજા, મંત્રી વગેરે (બલવાન-મોટા) માણસોની વિરુદ્ધ કાર્ય કરનાર ન હોય, અર્થાત્ રાજા વગેરે જેના વિરોધી ન હોય, (રાજા વગેરેના વિરોધીને દીક્ષા આપવાથી અનર્થ થવાનો સંભવ છે.)
(૧૨) કલ્યાણાંગ- ખોડ-ખાપણથી રહિત અને પાંચ ઇંદ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય, (કારણ કે ખોડ-ખાપણવાળો અને ઇંદ્રિયવિકલ હોય તો અજ્ઞાન લોકમાં જૈનશાસનની નિંદા થવાનો સંભવ રહે, અને પોતે પણ જયણા વગેરે ન પાળી શકે.)
(૧૩) શ્રદ્ધાલુ- જિનવચન ઉપર શ્રદ્ધાવાળો હોય, (કારણ કે શ્રદ્ધા વિના ચારિત્ર સમ્યગ્ બનતું નથી.)
(૧૪) સ્થિર- સ્થિરચિત્તવાળો હોય, (કારણ કે અસ્થિરચિત્તવાળો પોતે સ્વીકારેલા સંયમ, તપ, અભિગ્રહ વગેરેને છોડી દે એ સુસંભવ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org