________________
૩૧
વિદ્યાનો મોજભર્યો વ્યાસંગ
- જયંત કોઠારી
સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ મામાને ઘેર જઈને આવતા હોય અને કોઈ પૂછે કે ક્યાં જઈ આવ્યા તો કહેતા કે હું મંદિરે જઈ આવ્યો. મને પણ એવી થોડી વ્યક્તિ મળી છે, જેમની પાસે બેસવામાં જાણે કોઈ તીર્થસ્થાનમાં બેઠા હોઈએ એવો ભાવ થયો છે. તક મળ્યે એમનું સાન્નિધ્ય સેવવાનું મન થયા કરે. ભાયાણીસાહેબ એટલે કે હરિવલ્લભ ભાયાણી મારે માટે આવી તીર્થસ્વરૂપ વ્યક્તિ બની રહ્યા છે - એક વિદ્યાતીર્થ. લાંબી ચાલેલી માંદગી દરમ્યાન તબિયત કંઈક સુધરી અને જરા બહાર નીકળવાનું મન થયું ત્યારે ભાયાણીસાહેબ જ મનમાં આવ્યા. એમની સાથેની જ્ઞાનગોષ્ઠિ વિના પસાર કરેલા દિવસો મારે માટે ઉપવાસના દિવસો જેવા હતા. એમને મળીને જ એ ભૂખ ભાંગી. ભાયાણીસાહેબ સામે બેસવા તો હું ભાષાવિજ્ઞાનના ડિપ્લોમા – અભ્યાસક્રમનો વિદ્યાર્થી પણ બન્યો હતો.
Jain Education International
ભાયાણીસાહેબ પાસે બેઠા હોઈએ એટલે વિદ્યાનો અજબગજબનો ખજાનો ખુલ્લો થાય. કેટકેટલી વિદ્યાશાખાઓમાં એમની અનવરુદ્ધ ગતિ ! સંસ્કૃત અને અર્ધમાગધીના તો એ વિદ્યાર્થી, પ્રથમ વર્ગની કારકિર્દી ધરાવનાર અને એમ. એ.માં ભગવાનદાસ પારિતોષક તથા ઝાલા વેદાન્ત પારિતોષિક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી. પીએચ. ડી. થયા અપભ્રંશ મહાકાવ્ય ‘પઉમચરિય'નું સંશોધન · સંપાદન કરીને, આ અને આવાં બીજાં સંશોધન-સંપાદનોથી પ્રાકૃત અપભ્રંશના અભ્યાસમાં એવું અર્પણ કર્યું કે એના એ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના માન્ય વિદ્વાન બની રહ્યા. પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસીને માટે જૂની ગુજરાતીના અભ્યાસ તરફ વળવું એ સહજ ગણાય અને ભાયાણીસાહેબે અનેક સંપાદનો દ્વારા એ વિષયમાં પોતાનો અધિકાર સ્થાપિત કરી આપ્યો. ‘મધ્યકાલીન ગુજરાતી કથાકોશ’ રચીને એ વિષયના પોતાના અભ્યાસને શગ ચડાવી. આ ઉપરાંત, વિવિધ ભાષાઓનો અભ્યાસ ભાયાણીસાહેબને વ્યુત્પત્તિ અને ભાષાવિકાસના અભ્યાસ તરફ દોરી ગયો, એમાં એમણે કેળવેલી સજ્જતાએ એમને ભાષાવિજ્ઞાનના અધ્યાપક સુદ્ધાં બનાવ્યા. અને એ ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની સાંકડી સીમામાં પુરાઈ ન રહ્યા. ભાષાવિજ્ઞાનની અન્ય સર્વ શાખાઓ ભાષાતત્ત્વજ્ઞાન, રચનાલક્ષી ભાષાવિજ્ઞાન, શબ્દાર્થશાસ્ત્ર, શૈલીવિજ્ઞાન વગેરે - સાથે પણ કામ પાડતા રહ્યા. ભાયાણી સાહેબની કારકિર્દીએ આમ વિવિધ રંગ ધારણ કર્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org